લંડનઃ કોરોના લોકડાઉનની સમાપ્તિ પછી લંડનમાં સાયકલિંગનો ૧૦ ગણો વધારો થવાની આશા ટ્રાફ્રિક ફોર લંડન (TfL) દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. સાયકલિંગનું પ્રમાણ વધારવા લંડનની શેરીઓમાં ફેરફાર કરાશે તેમજ વધુ સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવા પેવમેન્ટ્સ પહોળી કરવાની યોજના છે.
લંડન સ્ટ્રીટસ્કેપ પ્લાન્સમાં ટ્રાફ્રિક ફોર લંડન દ્વારા એશ્ટન રોડ અને પાર્ક લેન જેવા વ્યસ્ત માર્ગોને સમાંતર હંગામી સાયકલ લેન્સ દાખલ કરવાનું વિચારાય છે. લોકો વચ્ચે શારીરિક અંતર જળવાય અને દુકાનોની બહાર કતાર માટે જગ્યા રહે તે રીતે પેવમેન્ટ્સ પહોળી કરાશે. વડા પ્રધાન બોરિસ જ્હોન્સને સંસદની પ્રશ્નોત્તરીમાં જણાવ્યું હતું કે ‘વધુ મોટી અને વધુ ખર્ચાળ ટ્યૂબ સર્વિસ’ લોકોને સોશિયલ ડિસ્ટન્સિંગ નિયમોનું પાલન કરવાનું સરળ બનાવી શકે છે. આ મુદ્દે મેયર સાથે પણ વાત કરાશે. જે લોકો સામૂહિક પરિવહન કરી શકતા નથી તેમના માટે પણ યોજના થશે અને તેમાં સાયકલિંગ શ્રેષ્ઠ બની રહેશે.
બીજી તરફ, લંડનના મેયર સાદિક ખાને ચેતવણી આપી છે કે સોશિયલ ડિસ્ટન્સિંગના કારણે શહેરની પબ્લિક ટ્રાન્સપોર્ટ ક્ષમતા કટોકટી અગાઉની સરખામણીએ ૨૦ ટકા ઓછી રહેશે. જો લોકોનો થોડો હિસ્સો પણ કારના ઉપયોગ તરફ વળશે તો લંડન ફરી અટકી જશે, હવાની ક્વોલિટી બગડશે અને માર્ગો પર જોખમ વધશે. તેમણે કહ્યું હતું કે લોકડાઉન દરમિયાન ઘણા લંડનવાસીએ ચાલવાની અને સાયકલિંગની મોજ માણી છે. પેવમેન્ટ્સ પહોળી કરીને, હંગામી સાયકલ લેન્સ બનાવી અને ટ્રાફિકને ચાલતો રાખવા રોડ્સ બંધ કરીને ઝડપથી અને ઓછા ખર્ચે લાખો લોકોને નવેસરથી શહેરમાં અવરજવરના માર્ગો પર આવતા કરી શકાશે. શક્ય હોય ત્યાં સુધી લોકોને તેઓ ચાલે અને સાયકલિંગ કરે તે માટે પ્રોત્સાહિત કરાશે.