લંડનઃ બંગાળી ભાષાને લંડનમાં સૌથી વધુ બોલાતી બીજા ક્રમની સત્તાવાર ભાષા જાહેર કરવામાં આવી છે. આ પછી પોલીશ અને તુર્કી ભાષા આવે છે. આશરે ૧૬૫,૩૧૧ લંડનવાસી આ ત્રણમાંથી એકને પોતાની પ્રથમ ભાષા તરીકે બોલે છે. લંડનના ૭૧,૬૦૯ લોકો મુખ્યત્વે બંગાળી અને ૪૮,૫૮૫ લોકો પોલીશ ભાષા બોલે છે
આમ છતાં, દસમાંથી એક કરતા ઓછાં (૮ ટકા) બ્રિટિશર અસ્ખલિતપણે બીજી ભાષા બોલે છે, જેનો અર્થ એ છે કે તેઓ રાજધાનીમાં વિદેશી ભાષા બોલનારા ઘણાં લોકો સાથે મિત્રતા, સંબંધ કે પાર્ટનરશિપની સંભાવના ગુમાવે છે. ખાસ કરીને ૩૧૧,૨૧૦ લંડનવાસી ઘરમાં મુખ્યત્વે પોતાની મૂળ વિદેશી ભાષા બોલતા હોય છે.
વર્તમાન રાજકીય માહોલમાં લંડનની સાંસ્કૃતિક વૈવિધ્યતા દર્શાવવા અને ઉજવવા તેમજ રહેવાસીઓને એકબીજા સાથે સંપર્ક વધારવા એડલ્ટ લર્નિંગ ચેરિટી ‘સિટી લિટ’ દ્વારા રાજધાનીનાં બરોઝમાં બોલાતી સૌથી સામાન્ય વિદેશી ભાષા શોધવા સંશોધન કરાયું હતું. લંડનવાસીઓ ઈંગ્લિશ સિવાય પોતાના ઘરમાં બોલતા હોય તેવી મુખ્ય ભાષાની ઓળખ સાથે સિટી લિટ દ્વારા લંડનના દરેક બરોમાં સૌથી વધુ બોલાતી એક વિદેશી ભાષાને દર્શાવવામાં આવી છે.
બંગાળીને લંડનની દ્વિતીય ભાષા તરીકે સત્તાવાર ઓળખ મળી છે. આશરે ૭૧,૬૦૯ લંડનવાસી બંગાળીને પોતાની મુખ્ય ભાષા તરીકે બોલે છે. ત્રણ અલગ બરોમાં ઈંગ્લિશ પછી મુખ્યત્વે બંગાળી ભાષા બોલાય છે જેમાં કેમડેનમાં ત્રણ ટકા, ન્યુ હામમાં સાત ટકા અને ટાવર હેમલેટ્સના ૧૮ ટકા લોકોનો સમાવેશ થાય છે.
આટલી મોટી સંખ્યામાં લંડનવાસી બંગાળી બોલતા હોવાં છતાં, માત્ર ત્રણ ટકા બ્રિટિશરો અસ્ખલિત બંગાળી બોલે છે જેનો અર્થ એ છે કે ૯૭ ટકા બ્રિટિશર મુખ્યત્વે બંગાળી બોલતા લોકો સાથે અસરકારક અને ઊંડાણ સાથે વાતચીત કરી શકતા નથી.
લંડનવાસીઓ દ્વારા સૌથી વધુ બોલાતી બીજી વિદેશી ભાષા પોલીશ છે. સાત બરોઝના રહેવાસીઓએ તેને ઈંગ્લિશ પછી બીજી મુખ્ય ભાષા ગણાવી છે. ફરી એક વાર કહીએ તો, માત્ર ત્રણ ટકા બ્રિટિશરો અસ્ખલિત પોલીશ બોલી શકે છે જેનો અર્થ એ છે કે ૯૭ ટકા બ્રિટિશર મુખ્યત્વે પોલીશ બોલતા ૪૮,૫૮૫ લંડનવાસી સાથે સંપર્કની અસરકારક તક ગુમાવે છે.