લંડનઃ બ્રિટનની આર્થિક રાજધાની લંડન હવે ગુનાખોરી અને સ્ટેબિંગની રાજધાની બની રહી છે. લંડનમાં મંગળવાર-બુધવાર (૨૬-૨૭ માર્ચ)ની રાત્રે અલગ અલગ હુમલાઓમાં ૧૭ વર્ષના બે તરુણ તેમજ ૧૮થી ૨૬ વર્ષની વયના ચાર પુરુષ પર છરીના ઘા મારવામાં આવ્યા હતા. આ હુમલા કિડબ્રૂક, હંસલો, ટોટેનહામ, બાર્કિંગ અને ટૂટિંગ ખાતે કરાયા હતા. ૨૪ માર્ચ, રવિવારની સવારે જ ૫૪ વર્ષના દુકાનદાર રવિ કાથારકમાર નોર્થ-વેસ્ટ લંડનના પિન્નેર ખાતે પોતાની માર્શ ફૂડ એન્ડ વાઈન શોપ ખોલી રહ્યા હતા ત્યારે તેમની છાતી પર નાઈફથી હુમલો કરી તેમને મારી નખાયા હતા. ગુરુવાર, ૨૮ માર્ચની વેસ્ટમિન્સ્ટર નજીકની ઘટના ૨૦૧૯માં લંડનમાં સ્ટેબિંગથી કરાયેલી ૩૦મી હત્યા છે.
સાઉથ ઈસ્ટ લંડનના કિડબ્રૂકમાં ૧૮ વર્ષના તરુણ પર સ્ટેબિંગની ઘટના અંગે બે સાક્ષીએ જણાવ્યું હતું કે બે વ્યક્તિ મોટી છરીઓથી સજ્જ હતા. સ્ટેબિંગની આઘાતજનક ઘટના બાળકોની નજર સામે જ થઈ હતી, જેનાથી તેઓ હેબતાઈ ગયા હતા. લોહીનીંગળતા તરુણની સારવારને સ્થાનિક લોકોએ ભારે પ્રયાસ કર્યો હતો પરંતુ, તેની હાલત ગંભીર બની હતી. જોકે, હોસ્પિટલમાં સારવાર પછી તેની સ્થિતિ સ્થિર થઈ હતી.
એક કલાક પછી આશરે ૪.૩૦ના સુમારે વેસ્ટ લંડનના હંસલૌ ખાતે ૨૬ વર્ષીય વ્યક્તિને છરીના સંખ્યાબંધ ઘા મારી લોહીલુહાણ કરાયો હતો. આ ઘટનાના અડધા કલાક પછી થોડા અંતરે અન્ય વ્યક્તિ પર સ્ટેબિંગ કરાયું હતું. નોર્થ લંડનના ટોટેનહામમાં સાંજના છ વાગ્યાના સુમારે ૧૭ વર્ષના તરુણને ચહેરા પર છરીના ઘા કરાયા હતા. આ પછી, બાર્કિંગ અને ટૂટિંગમાં પણ ૧૭ અને ૧૮ વર્ષના તરુણ પર સ્ટેબિંગ કરવામાં આવ્યું હતું.
અગાઉ, આ જ દિવસે દેશના સર્વોચ્ચ પોલીસ અધિકારી ક્રેસિડા ડિકે જણાવ્યું હતું કે યુવાનોમાં છરી-ચપ્પાથી હિંસાની ઘટનાઓ તેમણે જોયેલા લેવલમાં સૌથી વધુ છે. શેરીઓમાં વધુ અને વધુ યુવાનો છરીઓ સાથે આવી ગંભીર હિંસામાં ભાગ લઈ રહ્યા છે અને તરુણો તેમનો શિકાર બની રહ્યા છે. વર્ષ ૨૦૧૦ પછી ઈંગ્લેન્ડ અને વેલ્સમાં પોલીસની સંખ્યા ઘટીને ૨૦,૦૦૦ થઈ છે. બીજી તરફ, છરી-ચપ્પા સંબંધિત મૃત્યુનો આંક ૨૦૧૫-૧૬માં ૧૮૬ હતો તે ૨૦૧૭-૧૮માં વધીને ૨૮૫નો થયો છે.
મેટ્રોપોલીટન પોલીસને ગુરુવાર, ૨૮ માર્ચે લંડનના વેસ્ટમિન્સ્ટર ખાતે લંડન સેન્ટ્રલ મસ્જિદ નજીકના સ્થળે સાંજના ૬.૧૫ કલાકે સ્ટેબિંગની ઘટના સબબે બોલાવાઈ હતી. વેસ્ટમિન્સ્ટરના કનિંગહામ પ્લેસના હાઉસિંગ બ્લોક નજીક એક નવયુવાન પર છરીના જીવલેણ ઘા કરાયા પછી હુમલાખોરો નજીકની મસ્જિદ તરફ ભાગી નીકળ્યા હોવાના અહેવાલો મળ્યા હતા. લોહીનીંગળતા યુવાનને ઘટનાસ્થળે તાત્કાલિક સારવાર અપાઈ હતી પરંતુ, હોસ્પિટલમાં તેનું મોત નીપજ્યું હતું. આર્મ્ડ પોલીસે શકમંદોની શોધ ચલાવી હતી અને રીજન્ટ્સ પાર્ક નજીકની મસ્જિદને પાંચ કલાક કરતા વધુ સમય સુધી કોર્ડન કરી રાખી હતી. કનિંગહામ પ્લેસના ઘટનાસ્થળે ઉપયોગમાં લેવાયેલાં અને નકામા તબીબી ઉપકરણો, લોહિયાળ બેન્ડેજીસ, બેગ્સ તથા અન્ય આઈટમ્સ રોડમધ્યે જોઈ શકાતી હતી.
લંડન સેન્ટ્રલ મસ્જિદ દ્વારા સ્ટેટમેન્ટમાં જણાવાયું હતું કે ‘મસ્જિદમાં કોઈને ઈજા થઈ નથી. મસ્જિદનો સ્ટાફ તેમજ હાજર લોકો સલામત છે. શુક્રવારની નમાજ યથાવત છે. મૃતક યુવાન અને તેના પરિવાર માટે અમે પ્રાર્થના કરીએ છીએ.’ ઘટનાસ્થળેથી બહિર મૌલાનાએ જણાવ્યું હતું કે ન્યૂ ઝીલેન્ડમાં બે મસ્જિદ પર હુમલાની ઘટના પછી અહીં સશસ્ત્ર પોલીસની હાજરીએ તેમને ભય લાગ્યો હતો. તેઓ મસ્જિદ તરફ જઈ રહ્યા હતા ત્યારે પોલીસે મસ્જિદના મુખ્ય દરવાજા બંધ કરી લોકોને પાછા મોકલી રહી હતી. નમાઝીઓને બિલ્ડિંગમાંથી બહાર આવવા દેવાયા હતા. મૌલાનાએ કહ્યું હતું કે પોલીસે બે વ્યક્તિને હાથકડી પહેરાવી હોવાનું તેમણે જોયું હતું.
મેટ્રોપોલીટન પોલીસના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ઘટનાસ્થળેથી નાસી ગયેલા શકમંદોને ઝડપી લેવા તપાસ ચાલુ છે. હજુ કોઈ ધરપકડ કરાઈ નથી. આ ઘટના વિશેના સાક્ષી કે માહિતી ધરાવનારને તપાસકર્તા પોલીસ અધિકારીઓને મદદ કરવા પોલીસે જણાવ્યું હતું. આ ઘટના આતંકવાદ સાથે સંબંધિત ન હોવાની સ્પષ્ટતા પણ પોલીસે કરી હતી.
ન્યૂઝએજન્ટ રવિ કાથારકમારની હત્યા
૫૪ વર્ષના જેન્ટલમેન ન્યૂઝએજન્ટ રવિ કાથારકમાર ૨૪ માર્ચ, રવિવારની સવારે નોર્થ-વેસ્ટ લંડનના પિન્નેર ખાતે પોતાની માર્શ ફૂડ એન્ડ વાઈન શોપ ખોલી રહ્યા હતા ત્યારે તેમની છાતી પર નાઈફથી હુમલો કરી તેમને મારી નખાયા હતા. આ ગુના સબબે બુધવાર ૨૭ માર્ચે લંડનના હેરો બરોમાંથી ૪૪ વર્ષની વ્યક્તિને અટકમાં લેવાઈ હોવાનું સ્કોટલેન્ડ યાર્ડે જણાવ્યું હતું. શુક્રવારે ૩૧ વર્ષની અન્ય વ્યક્તિની પણ ધરપકડ કરીને નોર્થ લંડન પોલીસ સ્ટેશને લઈ જવાઈ હતી. રવિ કાથારકમાર દુકાન ખોલતાની સાથે જ તેમના પર હુમલો કરાયો હતો અને તેઓ દુકાનમાં જ ફસડાઈ પડ્યા હતા. રાહદારીએ તેમને આ સ્થ્તિમાં જોયા પછી સવારના છ વાગ્યે પોલીસને પોલાવાઈ હતી. લંડન એમ્બ્યુલન્સ સર્વિસે તેમની સારવાર આરંભી હતી પરંતુ, ૪૫ મિનિટ પછી તેમને મૃત જાહેર કરાયા હતા. હુમલાખોરદુકાનનો ગલ્લો લઈને નાસી છૂટ્યો હતો. પોલીસ તેની પણ શોધ કરી રહી છે. કાથારકમારના શોકગ્રસ્ત પરિવારની સહાય અર્થે ફંડરેઈઝીંગ અપીલો પણ કરવામાં આવી છે.
નાઈફ અને શસ્ત્રોનાં અપરાધ ૨૦૦૯ પછી સૌથી ઊંચા સ્તરે
ઈંગ્લેન્ડ અને વેલ્સમાં વર્ષ ૨૦૧૮ના ગાળામાં છરી અને આક્રમક તીક્ષ્ણ હથિયારો સંબંધિત ૨૧,૪૮૪ અપરાધ નોંધાયા હતા. અગાઉ, ૨૦૦૯માં આવા ૨૫,૧૦૩ અપરાધ નોંધાયા હોવાનું જસ્ટિસ ડિપાર્ટમેન્ટે જણાવ્યું હતું. ચાન્સેલર ફિલિપ હેમન્ડે ઈંગ્લેન્ડ અને વેલ્સમાં જીવલેણ સ્ટેબિંગ્સની ઘટનાઓમાં ભારે ઉછાળાના પગલે પોલીસ દળોને વધારાના ૧૦૦ મિલિયન પાઉન્ડ આપવાની જાહેરાત કરી ત્યારે આ આંકડા બહાર આવ્યા હતા.
નેશનલ ઓડિટ ઓફિસ અનુસાર ઈંગ્લેન્ડ અને વેલ્સમાં દળો માટે ૨૦૧૦-૧૧ થી ૨૦૧૮-૧૯ સુધીમાં કુલ ભંડોળ વાસ્તવિકપણે ૧૯ ટકા ઘટ્યું છે. ૨૦૧૦ પછી તો ઓફિસરોની સંખ્યા લગભગ ૨૦,૦૦૦ ઘટી છે. અન્ય સ્થળોએ છરી અને આક્રમક હથિયારો સંબંધિત ગુનાઓ માટે તત્કાળ કસ્ટડીની સજા મળવાની શક્યતા વધુ રહે છે.
એક મહિના અગાઉ જ દેશના પોલીસ વડાઓએ બ્રિટનના નાઈફ ક્રાઈમમાં ઉછાળાને ‘નેશનલ ઈમર્જન્સી’ જાહેર કરવા સાથે તેનો સામનો કરવા વધુ ભંડોળની માગણી કરી હતી. કેટલાકે તો ‘સ્ટોપ એન્ડ સર્ચ’ પદ્ધતિ પુનઃ ચાલુ કરવા માગણી કરી હતી. વેસ્ટ મિડલેન્ડ્સ પોલીસ ફેડરેશનના ચેરમેન રિચાર્ડ કૂકે સમગ્ર દેશમાં ઈમર્જન્સી સેક્શન ૬૦ની સત્તા લાગુ કરવાની તરફેણ કરી હતી. માર્ચ મહિનાના આરંભે હોમ સેક્રેટરી સાજિદ જાવિદે દેશભરમાં લાખો બોબીઝને મૂકવા વધારાના ભંડોળની માગણી કેબિનેટ સમક્ષ મૂકી હતી.
તરુણ પાસેથી ચાકુ સહિત જીવલેણ શસ્ત્રો પકડાયાં
લંડન સહિતના શહેરોમાં યુવાનો દ્વારા સ્ટેબિંગ સહિતની ઘટનાઓ વધી રહી છે ત્યારે પોલીસે ૧૬થી ઓછી વયના છોકરાઓ પાસેથી ઝડપાયેલાં જીવલેણ શસ્ત્રો પ્રદર્શિત કર્યા છે. સાઉથ ઈસ્ટ લંડનના ફોરેસ્ટ હિલ ખાતે આઠ ઈંચના કિચન નાઈફ વડે ૧૫ વર્ષના છોકરા પર હુમલો કરાયો હતો ત્યારે પોલીસે જીવલેણ શસ્ત્રો રાખવાના ગુનામાં લગભગ એટલી જ વયના છોકરાની ધરપકડ કરી હતી. પોલીસે સાઉથ-વેસ્ટ લંડનના વોર્સેસ્ટર પાર્કની એક પ્રોપર્ટીમાં શોધખોળ આરંભી ત્યારે ત્યારે તેમને ૧૨ ઈંચની ધારદાર છરી સાથેનું પ્રતિબંધિત નાઈફ મળી આવ્યું હતું. પોલીસે તે છોકરાની તત્કાળ ધરપકડ કરી હતી. દરમિયાન, સ્ટોક-ઓન-ટ્રેન્ટમાં એક છોકરાના બેડરુમમાંથી પોલીસને ત્રણ નાઈફ, એક હથોડો, એક કુહાડી અને મેલેટ (લાકડાનો હથોડો) મળી આવ્યાં હતાં. યુવાનોની ગેન્ગ્સ વચ્ચે બોલાચાલી અનેમ હિંસક મારામારી હવે સામાન્ય બાબત બની ગઈ છે.
લિવરપૂલમાં સ્ટેબિંગઃ યુવાનનું મોત
ગુરુવાર, ૨૮ માર્ચે લિવરપૂલની શેરીમાં એક નવયુવાનને ધોળા દહાડે ગળામાં છરીના ઘા વાગ્યા પછી તે મોતને શરણ થયો હતો. ભરબપોરે ૧.૨૦ના સુમારે મર્સીસાઈડ પોલીસને ટોક્સટેથ રોડ પર બોલાવાઈ હતી. ઘટના પછી યુવાનને હોસ્પિટલ લઈ જવાયો હતો, જ્યાં તેને મૃત જાહેર કરાયો હતો. ડિટેક્ટિવ ઈન્સ્પેકટર ફિલ માહોને આ ગુનાને આઘાતજનક ગણાવતા કહ્યું હતું કે પોલીસદળ સ્ટેબિંગ માટે જવાબદારને ન્યાયને હવાલે કરવા તમામ કરી છૂટશે.
--------------------------------
કિડબ્રૂકઃ બપોરના ૩.૧૫ કલાકે,૧૮ વર્ષના તરુણને છરીના ઘા, હાલત હવે સ્થિર
હંસલોઃ બપોરના ૪.૧૫ કલાકે, ૨૬ વર્ષીય વ્યક્તિને ચહેરા પર છરીનાં સંખ્યાબંધ ઘા
હંસલોઃ સાંજના ૫.૦૦ કલાકે, અન્ય વ્યક્તિને છરીનાં ઘા
ટોટેનહામઃ સાંજના ૬.૦૫ કલાકે, ૧૭ વર્ષીય તરુણના ચહેરા પર છરીના ઘા.
બાર્કિંગઃ સાંજના ૭.૦૦ કલાકે, ૧૭ વર્ષના તરુણ પર છરીના ઘા કરાયા.
ટૂટિંગઃ રાત્રિના ૯.૦૦ કલાકે, ૧૮ વર્ષીય વ્યક્તિને છરીના ઘા મરાયા.