લંડનઃ સાઉથ લંડનના ડલવિચમાં ૯ જુલાઈ ગુરુવારની સાંજે સીલી ડ્રાઈવ ખાતે ધોળે દહાડે ૧૮ વર્ષીય ટીનેજર ડોનેલ રુલેની સ્ટેબિંગમાં હત્યા કરવામાં આવી હતી. મેટ્રોપોલિટન પોલીસે ઘટનાસ્થળ પહોંચીને આ અંગે તપાસ શરૂ કરી હતી. સાઉથ ઈસ્ટ લંડનના ટીનેજરને છૂરાના સંખ્યાબંધ ઘા કરવામાં આવ્યા હતા.
ઘટનાસ્થળે તરત પહોંચેલા લંડન એમ્બ્યુલન્સ સર્વિસના પેરામેડિક્સ તેનો જીવ બચાવી શક્યા ન હતા. પોલીસ ડોનેલના પરિવારજનોને આ માહિતી આપી હોવાનું સ્કોટલેન્ડ યાર્ડે જણાવ્યું હતું. ડોનેલ સીલી ડ્રાઈવની સંખ્યાબંધ દુકાનો તરફ જઈ રહ્યો હતો ત્યારે લાયાલ રોડ પર તેની હત્યા કરાઈ હોવાનું પોલીસ માને છે. એક સાક્ષીએ કિંગ્સવૂડ એસ્ટેટની દુકાનની બહાર આ કિશોરને યુવાનોના જૂથ સાથે તકરાર થઈ હોવાનું જણાવ્યું હતું. આ મામલે કોઈ ધરપકડ ન કરાઈ હોવાનું પોલીસે જણાવ્યું હતું.