સમાજ,ધર્મ,શિક્ષણ અને જનકલ્યાણ અર્થે ઉદારમને સખાવત કરનાર બ્રિટનના "ભામાશા"મુ.શ્રી ખોડીદાસભાઇ રતનશીભાઇ ધામેચાએ ૯૦ વર્ષની વયે તા. ૧૪ ફેબ્રુઆરી ૨૦૨૦, શુક્રવારે વહેલી સવારે ૭.૦૦ વાગ્યે જામનગર ખાતે આ ફાની દુનિયા છોડી શ્રીજી શરણ લઇ લીધું છે. ખોડીદાસભાઇના સુપુત્ર શ્રી પ્રદીપભાઇએ વહેલી સવારે ફોન દ્વારા "ગુજરાત સમાચાર"ના મેનેજીંગ એડીટર કોકિલા પટેલને આ માઠા સમાચાર આપતાં જણાવ્યું કે, "ધામચા પરિવારના સૌ સભ્યો અને માતુશ્રી લલિતાબહેનની ઉપસ્થિતિમાં પિતાશ્રીએ જામનગરની હોસ્પિટલમાં શાંતિપૂર્ણ રીતે દેહત્યાગ કરી શ્રીનાથજીનું શરણ લીધું છે." આદરણીય ખોડીદાભાઇની ચિરવિદાયથી યુ.કે.ના લોહાણા સમાજ સહિત સમગ્ર ગુજરાતી,ભારતીય સમાજમાં ભારે શોકની લાગણી પ્રસરી ગઇ છે. જામનગરના નિવાસસ્થાન તુલસી એપાર્ટમેન્ટ ખાતેથી સાંજે ૫.૦૦ વાગ્યે સદગતની સ્મશાનયાત્રા નીકળી હતી જેમાં સમગ્ર ધામેચા પરિવાર સહિત હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા.
કેન્યા-કિસુમુમાં ૪ વર્ષની વયે પિતાજી રતનશીભાઇ રણછોડદાસનું શિરછત્ર ગુમાવનાર ખોડીદાસભાઇએ સંઘર્ષમય જીવન વચ્ચે માતુશ્રી લાડુમા અને બહેન અને ભાઇઓની હિંમતભેર જવાબદારી ઉઠાવી હતી.બાર્કલેઝ બેંકમાં કારકિર્દીની શરૂઆત કરનાર ખોડીદાસભાઇએ કિસુમુમાં નાના પાયે વેપાર શરૂ કર્યો હતો. બે ભાઇઓ શ્રી શાંતિભાઇ તથા સ્વ.જયંતિભાઇના સહપરિવાર સાથે ૧૯૭૧માં તેઓ યુ.કે.આવ્યા હતા.૧૯૭૬માં ખોડીદાસભાઇએ બે ભાઇઓ મુ.શ્રી શાંતિભાઇ, દિવંગત શ્રી જયંતિભાઇના સહયોગ સાથે વેમ્બલીમાં પ્રથમ “ધામેચા” કેશ એન્ડ કેરીની શરૂઆત કરી.આજે પાટનગર લંડનના વેમ્બલી, એનફિલ્ડ,વોટફોર્ડ,હેઇઝ,બાર્કિંગ,લૂઇશામ,ક્રોયડન તેમજ લેસ્ટર અને બર્મિંગહામ સહિત નવ જેટલી "ધામેચા કેશ એન્ડ કેરી"ની શૃંખલા ધરાવનાર ધામેચા પરિવારને સાહસે "શ્રી"વર્યાં છે. ધર્મ,સંસ્કાર અને પરંપરાના મૂલ્યોને સાથે રાખીને ચાલનાર આ ધામેચા પરિવારની ત્રણ ત્રણ પેઢીમાં એકતા સાથે સંપ અને સહકારના દર્શન થાય છે. ગત ૧૫ ઓગષ્ટે શ્રી ખોડીદાસભાઇએ ૯૦ પૂરાં કરી ૯૧ વર્ષમાં પ્રવેશ કર્યો સાથે સાથે શ્રી ખોડીદાસભાઇ તથા આદરણીય શ્રીમતી લલિતાબહેન ધામેચાના લગ્નજીવનના ૬૫ વર્ષ પૂરાં થયાં ત્યારે "ગુજરાત સમાચાર"ના તંત્રીશ્રી સી.બી.પટેલે ખોડીદાસભાઇના સ્ટેનમોરના નિવાસસ્થાને રૂબરૂ જઇ શુભેચ્છા પાઠવી હતી.
કુટુંબના પ્રેરણાદાયક પથદર્શક શ્રી ખોડીદાસભાઇની ચિરવિદાયથી માત્ર ધામેચા કુટુંબમાં જ નહિ પરંતુ સમગ્ર લોહાણા સમાજમાં શૂન્યાવકાશ સર્જાયો છે.આપની સમક્ષ આજે ખોડીદાસભાઇ સદેહે હાજર નથી પણ એમની ઉદાર સખાવતો દ્વારા તેઓ સદાય અમર રહેશે. આવા સદકર્મી આત્મા માટે આ સુત્ર યથા યોગ્ય ગણાશે "નામ રહંતા ઠકરા, નાણાં નવ રહંત, કિર્તિ કેરા કોટડા પાડયા નવ પડંત"પરમ કૃપાળુ પરમાત્મા સદગત ખોડીદાસભાઇના આત્માને ચિરશાંતિ આપે એવી સહ્દય પ્રાર્થના.