કોરોના વાઈરસ સામેના જંગમાં NHS ચેરિટીઝ માટે લગભગ ૨૯ મિલિયન પાઉન્ડથી વધુ જંગી દાન એકત્ર કરી લોકોના દિલમાં અભૂતપૂર્વ સ્થાન મેળવી ચુકેલા ૯૯ વર્ષના પીઢ આર્મી સૈનિક કેપ્ટન ટોમ મૂર ગુરુવાર ૩૦ એપ્રિલે ૧૦૦ વર્ષના થશે. આ સંદર્ભે દેશવિદેશના લોકો તરફથી તેમને ૧૦૦,૦૦૦ બર્થડે કાર્ડ્સ મોકલાયા છે અને હજુ તેની સંખ્યા વધી જ રહી છે. તેમને ૧૦૦મા જન્મદિન નિમિત્તે ૧,૦૦૦ ગિફ્ટ્સ પણ મોકલાઈ છે. કેપ્ટન ટોમ લોકોના આ પ્રેમથી ગદ્ગદ્ થઈ ગયા હોવાનું તેમની મોટી પુત્રી લ્યૂસી ટેઈક્સિરાએ જણાવ્યું હતું. લ્યૂસી બીબીસીના બ્રેકફાસ્ટ કાર્યક્રમમાં પિતા ટોમ માટે હેપી બર્થડે ગીત પણ ગાવાની છે. આ કાર્યક્રમ માટે ક્વીન એલિઝાબેથ દ્વિતીય દ્વારા મોકલાયેલા અંગત ટેલિગ્રામનું વાંચન પણ કરાવાનું છે. આ સમગ્ર બીબીસી બ્રેકફાસ્ટ કાર્યક્રમ કેપ્ટન ટોમ મૂરને સમર્પિત રહેશે. ક્વીનના ઓનર લિસ્ટમાં પણ તેમનો સમાવેશ કરાવાનો છે. કેપ્ટન ટોમે શરૂઆતમાં તો ચેરિટીઝ માટે ૧,૦૦૦ પાઉન્ડ એકત્ર કરવા પોતાના ઘરના બગીચામાં ૧૦૦ લેપ્સ () ચાલવાની જાહેરાત કરી હતી પરંતુ, લોકોએ ભારે પ્રતિસાદ આપી ચેરિટીઝની ઝોળી છલકાવી દીધી છે. નોર્ધમ્પટનના રોયલ મેઈલ સાઉથ મિડલેન્ડ્સ મેઈલ સેન્ટર પણ શુભેચ્છાપત્રોના અવિરત પ્રવાહથી સ્તબ્ધ થઈ ગયું છે અને કેપ્ટન ટોમની તમામ પોસ્ટ્સ માટે અલગ સોર્ટિંગ મશીનની વ્યવસ્થા કરી છે. કેપ્ટન ટોમનો ગ્રાન્ડસન અભ્યાસ કરે છે તે બેડફોર્ડ સ્કૂલે પણ તેના વિશાળ હોલમાં કાર્ડની ડિલિવરી મેળવવા અને ખોલવા સ્ટાફને કામે લગાડ્યો છે.