લંડનઃ શીખાઉ પાઈલટ તેમના પ્રથમ ઉડ્ડયન દરમિયાન થોડાઘણાં ચિંતિત હોય છે, અને તેમાં પણ જો ઈન્સ્ટ્રક્ટર ટીનેજર હોય તો વળી ચિંતાની સાથે થોડીક પરેશાની પણ ભળે. જોકે, ઈંગ્લેન્ડમાં આવેલી એક ફ્લાઈટ સ્કૂલમાં આ ઈન્સ્ટ્રક્ટરને અને તેની ઉંમરને કોઇ નિસ્બત નથી. અહીં માત્ર અને માત્ર તેનું કૌશલ્ય જ સર્વસ્વ છે.
પરિવાર સાથે અમદાવાદથી લંડન આવીને વસેલો ૧૯ વર્ષીય કથન દૂધેલા ગયા મે મહિનામાં યુકેના સૌથી યુવા ફ્લાઈટ ઈન્સ્ટ્રક્ટર તરીકે ક્વોલિફાય થયો છે અને ત્યારથી આજ સુધીમાં આ ટીનેજરે ૧૨થી વધુ લોકોને વિમાન ઉડાડતા શીખવ્યું છે. કથન કહે છે કે, ‘મારા કેટલાંક વિદ્યાર્થીઓ તો ૪૦થી ૫૦ વચ્ચેની વયના છે. હું મારા પિતા કરતાં પણ મોટી ઉંમરના લોકોને પણ ફ્લાઈંગ શીખવાડું છું.’ કથન કહે છે કે, ‘હું દસ વર્ષનો હતો ત્યારે મેં વિમાન ઉડાડવાનું સ્વપ્ન જોયું હતું, જે આજે સાકાર થયું છે.’ કથન કહે છે કે તે નાનો હતો ત્યારે તેના પિતા તેને એરપોર્ટ લઈ જતા હતા. એરપોર્ટ પર મોટી સંખ્યામાં વિમાનોની અવરજવર જોઈને આ વિમાનો કેવી રીતે ઉડતા હશે તેવો સવાલ કાયમ મને થતો હતો.
કથને વયના વધવા સાથે તેના તમામ પ્રશ્નોના જવાબ મેળવ્યા. તેણે એર કેડેટ તરીકે ૧૭ વર્ષની વયે પહેલી વખત વિમાન ઉડાડયું હતું. એક વર્ષથી પણ ઓછા સમયમાં તેણે પ્રાઈવેટ પાઈલટનું લાયસન્સ મેળવ્યું. અને હવે તેની પાસે ૩૦૦થી વધુ ફ્લાઈટ અવર્સનો અનુભવ છે અને તે હર્ટફર્ડશાયરના એલ્સ્ટ્રીની યુકે ફ્લાઈટ ટ્રેનિંગમાં ઈન્સ્ટ્રક્ટર છે.
ગયા એપ્રિલમાં કથન દૂધેલાએ ૧૨૫ કલાક થિયરેટિકલ ટ્રેનિંગ અને ૩૫ કલાક ઉડ્ડયન સાથેનો એક મહિનાનો કોર્સ સફળતાપૂર્વક પાસ કર્યો છે. જોકે આગળના તબક્કામાં ક્વોલિફાય થવા માટે તેની સમક્ષ ૨૦ પરીક્ષાનો પડકાર મોં ફાડીને ઉભો છે. તે ટુ-સીટર અથવા ફોર-સીટર Cesna152 વિમાનનું ઉડ્ડયન શીખવે છે. એટલું જ નહીં, તે એરોબેટિક્સ સ્પર્ધામાં પણ ભાગ લે છે અને ગયા વર્ષની લોકલ ફાઈનલમાં તે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આગામી ડિસેમ્બરમાં તેનો ઇરાદો રિજનલ સ્પર્ધામાં ભાગ લેવાનો છે. કથન કહે કે તે રેડ બુલ એર રેસમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવા માગે છે.
કથનનાં ૫૫ વર્ષીય મહિલા વિદ્યાર્થી એલેન કોહેને જણાવ્યું હતું કે, ‘કથન પ્રોફેશનલ ઈન્સ્ટ્રક્ટર અને ગજબનો પાઈલટ છે. તેનામાં કશુંક એવું છે જેને લીધે તમે ખૂબ હળવાશ અનુભવો છો. વિમાન ઉડાવતા શીખવાનું ખૂબ મુશ્કેલ છે અને તેના જેવા ધીરજવાળા ટીચરને લીધે ઘણી મદદ રહે છે. તે નાની વયનો હોવાની વાત ચિંતાજનક નથી અને તેમાં મને તો કશું નવાઇજનક લાગતું નથી.’