લંડનઃ ઓવરસિઝ ફ્રેન્ડ્સ ઓફ બીજેપી યુકે (યુપી ચેપ્ટર) દ્વારા ભારતમાં યોજાઇ રહેલી લોકસભાની ચૂંટણીમાં વડાપ્રધાન મોદીને સમર્થન જાહેર કરવા 28 એપ્રિલ રવિવારના રોજ લંડનમાં રન ફોર મોદી ઇવેન્ટનું આયોજન કરાયું હતું. આયોજક સમિતિએ જણાવ્યું હતું કે, આ ઇવેન્ટને લંડનમાં વસતા ભારતીય સમુદાય દ્વારા પ્રચંડ પ્રતિસાદ મળ્યો હતો અને મોટી સંખ્યામાં લોકો જોડાયાં હતાં.
રન ફોર મોદી ઇવેન્ટમાં ખરાબ હવામાન છતાં 500થી વધુ લોકો સામેલ થયાં હતાં. આ ઇવેન્ટ વેસ્ટમિન્સ્ટરથી શરૂ થઇને ટાવર બ્રિજ પર સમાપ્ત થઇ હતી. રેલીમાં સામેલ થયેલા લોકોએ મોદીના સમર્થનમાં નારા લગાવ્યા હતા અને પોતાનું સમર્થન જાહેર કર્યું હતું. ભારતીય સમુદાયે એકજૂથ થઇને વડાપ્રધાન મોદીના નેતૃત્વ પર મહોર મારી હતી.
ઓવરસિઝ ફ્રેન્ડ્ઝ ઓફ બીજેપી યુકેના વાઇસ પ્રેસિડેન્ટ આનંદ આર્યએ ઇવેન્ટમાં મોટી સંખ્યામાં હાજર રહેવા માટે ભારતીય સમુદાયનો આભાર માન્યો હતો. સંસ્થાના જનરલ સેક્રેટરી સુરેશ મંગલગિરીએ જણાવ્યું હતું કે, આ ઇવેન્ટ વડાપ્રધાન મોદી અને ભાજપ પ્રત્યેની ભારતીય સમુદાયની પ્રતિબદ્ધતા દર્શાવે છે. વાઇસ પ્રેસિડેન્ટ દર્શન ગ્રેવાલે જણાવ્યું હતું કે, ખરાબ હવામાન છતાં હાજર રહેલા ભારતીય સમુદાયના લોકોએ મોદીના સમર્થનમાં ઉત્સાહભેર ઇવેન્ટમાં ભાગ લીધો હતો.