લંડનઃ કિંગ ચાર્લ્સ તૃતીયે મંગળવારે ટોચના રાજવી સન્માનની જાહેરાત કરી હતી જેમાં બ્રિટિશ ભારતીય ડોક્ટર લોર્ડ અજયકુમાર કક્કરનો પણ સમાવેશ થાય છે. કિંગ દ્વારા લોર્ડ કક્કરને નાઇટ કમ્પેનિયન્સ ફ ધ મોસ્ટ નોબલ ઓર્ડર ઓફ ગાર્ટરથી સન્માનિત કરાયાં છે. લોર્ડ કક્કરને દેશના સૌથી જૂના સેરેમોનિયલ ઓર્ડર પૈકીના એક માટે વડાપ્રધાનની સલાહ વિના જ જાહેર સેવા અને સિદ્ધી માટે પસંદ કરાયાં છે.
લોર્ડ અજય કુમાર કક્કરે ઇમ્પિરિયલ કોલેજ લંડનમાંથી પીએચડી અને તે પહેલાં કિંગ્સ કોલેજ લંડનમાંથી મેડિસિનનો અભ્યાસ કર્યો હતો. તેમણે થ્રોમ્બોએમબોલિક રોગ અને કેન્સર સાથે સંલગ્ન થ્રોમ્બોસિસની રોકથામ અને સારવાર પર પોતાનું મેડિકલ કેરિયર કેન્દ્રિત કર્યું હતું.
લોર્ડ કક્કર થ્રોમ્બોસિસ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટના પ્રમુખ, કિંગ્સ હેલ્થ પાર્ટનરના પ્રમુખ અને ધ કિંગ્સ ફંડના ચેરમેન છે. તેઓ રોયલ કમિશન ફોર ધ 1851 ગ્રેટ એક્ઝિબિશન એન્ડ યુકે બાયોબેન્કના ચેરમેન તરીકે પણ સેવા આપી રહ્યાં છે.
2022માં કિંગ ચાર્લ્સના માતા અને તત્કાલિન મહારાણી એલિઝાબેથ દ્વિતીય દ્વારા આરોગ્ય અને જાહેર સેવાઓમાં યોગદાન માટે લોર્ડ કક્કરને નાઇટ કમાન્ડર ઓફ ધ ઓર્ડર ઓફ ધ બ્રિટિશ એમ્પાયર (કેબીઇ) તરીકે નિયુક્ત કરાયા હતા.