લંડનઃ યુકેમાં દાયકાઓથી રેસિડેન્ટ તરીકે વસવાટ કરતાં લોકોમાં આ વર્ષના અંતથી અમલમાં આવી રહેલા ઇ-વિઝાના કારણે પોતે ભારે મુશ્કેલીમાં મૂકાય તેવી ચિંતા પ્રવર્તી રહી છે. ઇ-વિઝા અમલમાં આવતાં જ બાયોમેટ્રિક રેસિડેન્ટ પરમિટ અથવા બાયોમેટ્રિક રેસિડેન્સ કાર્ડ જેવા ફિઝિકલ ઇમિગ્રેશન દસ્તાવેજો નકામા બની જશે. ટીકાકારો કહે છે કે ઓનલાઇન વિઝાની સ્કીમ સફળ થઇ શકે તેમ નથી.
હાલના ફિઝિકલ દસ્તાવેજો દ્વારા યુકેમાં વસવાટ, મકાન ભાડે મેળવવું, નોકરી પ્રાપ્ત કરવી, બેનિફિટ્સ મેળવવા જેવા કામ થઇ શકે છે. પરંતુ ટીકાકારો કહે છે કે ઇ-વિઝાની ડિઝાઇન, અમલમાં રહેલી ખામીઓના કારણે સમસ્યાઓ પેદા થઇ શકે છે.
સૌથી પહેલાં તો યુકેમાં રહેવાના અધિકારના પુરાવા તરીકેના દસ્તાવેજો ધરાવતા બે લાખ જેટલાં લોકો સૌથી પહેલાં બાયોમેટ્રિક રેસિડેન્ટ પરમિટ અને ત્યારબાદ યુકેના વિઝા અને ઇમિગ્રેશન એકાઉન્ટ માટે અરજી કરશે તેમ મનાય છે. વિન્ડરશ સ્કેન્ડલમાં બન્યું હતું તેમ ઇ-વિઝા માટે અરજી કરવી પડશે તેવી જાણકારી નહીં ધરાવતા વૃદ્ધો આરોગ્ય અથવા અન્ય જાહેર સેવાઓ મેળવવાનો પ્રયાસ કરશે ત્યારે જ તેમને જાણ થશે.
બ્રિટિશ નાગરિક ન હોય પરંતુ યુકેમાં વસવાટનો અધિકાર ધરાવતા હોય તેવા ઘણા લોકો આ નવી સ્કીમથી ચિંતિત છે. એક વ્યક્તિએ જણાવ્યું હતું કે મારી પત્ની વિદેશમાં જન્મેલી છે અને જો તે તેના પરિવારની મુલાકાત લેવા વતનના દેશમાં જશે તો તે ઇ-વિઝા વિના યુકેમાં પ્રવેશ કરી શકશે નહી. મારી પત્ની પાસે ઇ-વિઝા છે જેમાં તેનો ફોટો અને જન્મતારીખ લખેલી છે પરંતુ પાસપોર્ટ નંબર નથી. મને એ સમજાતું નથી કે વિદેશી એરલાઇન તેના ઇ-વિઝાને ઇમિગ્રેશન સ્ટેટસના પુરાવા તરીકે સ્વીકારશે કે કેમ.
ઓપન રાઇટ્સ ગ્રુપના સારા અલશેરિફ કહે છે કે હોમ ઓફિસના પ્રોગ્રામમાં રહેલી ખામીઓના કારણે માઇગ્રન્ટ્સ યુકેમાં રહેવાના તેમના અધિકારને પૂરવાર કરી શકશે નહીં. ઘણા માઇગ્રન્ટ્સ વિદેશ પ્રવાસની યોજના ઘડતા હોય છે પરંતુ તેમને ચિંતા સતાવી રહી છે કે જો તેઓ વિદેશ પ્રવાસે ગયાં અને ક્રિસમસ પછી તેમને યુકેમાં પ્રવેશની પરવાનગી ન અપાય તો શું થશે...