લંડનઃ માઇગ્રન્ટ વર્કર્સને સપોર્ટ કરી રહેલી એક સંસ્થાએ કેર વર્કર્સને તેમના બાળકો અને જીવનસાથીને યુકેમાં લાવવા પર પ્રતિબંધ મૂકતી સરકારની નવી નીતિને કાયદાકીય પડકાર આપ્યો છે. સંસ્થાએ ચેતવણી આપી છે કે સરકારની નીતિના કારણે પરિવારો છિન્ન ભિન્ન થઇ રહ્યાં છે.
માઇગ્રન્ટ્સ એટ વર્ક નામની સંસ્થાએ જણાવ્યું હતું કે, કેર વર્કર્સ પાસે પારિવારિક જીવન અથવા તો યુકેમાં હેલ્થ અથવા સોશિયલ કેર સેક્ટરમાં નોકરી એમ બે વિકલ્પ રહે છે. તેઓ આ બંનેમાંથી એકની પસંદગી કરી શક્તાં નથી.
સરકાર દ્વારા ગયા મહિનાથી અમલી બનેલી આ વિવાદાસ્પદ નીતિ એવા સમયે અમલી બનાવવામાં આવી છે જ્યારે સોશિયલ કેર સેક્ટરમાં 10 ટકા જગ્યાઓ ખાલી છે. હોમ સેક્રેટરી જેમ્સ ક્લેવરલીએ જણાવ્યું હતું કે કેર સેક્ટરમાં થતા શોષણ તેમજ ચાલતી ગેરરિતીઓ અટકાવવા માટે આ કડક નીતિ અમલી બનાવાઇ છે.
માઇગ્રેશન એડવાઇઝરી કમિટીના એક અંદાજ અનુસાર આગામી 11 વર્ષમાં યુકેમાં 2,36,000 કેર વર્કર્સની જરૂર ઊભી થશે. હાલ કેર સેક્ટરમાં 1,52,000 જગ્યા ખાલી પડી છે. સોશિયલ કેર સેક્ટરમાં કર્મચારીઓની અછત પ્રવર્તી રહી છે તેવા સમયે જ નીતિમાં બદલાવ કરાયો છે.