લંડનઃ ભારતમાં યોજાઇ રહેલી લોકસભાની ચૂંટણીમાં વિદેશોમાં વસતો ભારતીય સમુદાય સ્પષ્ટપણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તરફેણ કરી રહ્યો છે. ભારતમાં ચૂંટણીલક્ષી સરવે કરાવતી કંપની સી વોટરના સ્થાપક યશવંત દેશમુખ કહે છે કે ઓપિનિયન પોલ્સમાં વડાપ્રધાન મોદી અને તેમની સરકારને ભારતીય ડાયસ્પોરાનું સમર્થન સ્પષ્ટપણે દેખાઇ આવે છે. ભારતમાં વસતા લોકો કરતાં વિદેશમાં વસતા ભારતીય સમુદાયના લોકોનું સમર્થન 15થી 20 ટકા વધુ છે.
દેશમુખ કહે છે કે નોન રેસિડેન્ટ ઇન્ડિયન્સમાં વડાપ્રધાન મોદી ઘણા લોકપ્રિય છે. મને લાગે છે કે વૈશ્વિક સ્તર પર ભારતના ઉદયની ધારણાઓએ એનઆરઆઇમાં મોદીની લોકપ્રિયતા વધારવામાં મોટું યોગદાન આપ્યું છે. મોદીની આક્રમક સ્ટાઇલ અને વૈશ્વિક નેતાઓ મધ્યે આત્મવિશ્વાસ સાથે પોતાને રજૂ કરવાની ક્ષમતાથી ભારતીય ડાયસ્પોરા અભિભૂત છે.
ભારતીય ડાયસ્પોરા મધ્યે કામ કરતી લંડન સ્થિત થિન્ક ટેન્કના સ્થાપક પ્રતિક દત્તાણી દેશમુખ સાથે સહમત થતાં કહે છે કે આજે વિશ્વમાં ભારતના અભિગમની નોંધ લેવાય છે. જે રીતે દિલ્હીમાં જી-20નું આયોજન થયું તે મહત્વ રાખે છે. ભારત એક નિર્ણાયક દેશ તરીકે આગળ આવી રહ્યો છે અને ડાયસ્પોરા માટે આ બાબત અત્યંત મહત્વની છે.
એડવર્ટાઇઝિંગ એક્ઝિક્યુટિવ મનીષ તિવારી માટે વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં વૈશ્વિક મંચ પર આત્મવિશ્વાસ સાથે આગળ વધી રહેલો ભારત ઘણું મહત્વ ધરાવે છે. બ્રિટિશ નાગરિક હોવાના કારણે તેઓ ભારતની ચૂંટણીમાં મતદાન કરી શક્તાં નથી પરંતુ તેઓ મોદીની નીતિઓના પ્રશંસક છે. મોદીના વિઝનમાં તિવારી જેવા ઓવસીઝ ઇન્ડિયન્સ ગૌરવ અનુભવે છે. તેમના મતે મોદીના નેતૃત્વમાં ભાજપ દેશના ભાવિ માટે યોગ્ય માર્ગ કંડારી રહ્યો છે.
યુએઇમાં છેલ્લા 20 વર્ષથી ઇન્વેસ્ટમેન્ટ બેન્કર તરીકે કામ કરતા રાજીવ કપૂર મોદીના નેતૃત્વથી ઘણા પ્રભાવિત છે. તેઓ કહે છે કે બહુ ઓછા લોકોમાં સાંઢને નાથવાની ક્ષમતા હોય છે.
યુનિવર્સિટી ઓફ પોર્ટ્સમાઉથ્સ સ્કૂલ ઓફ લો ખાતેના પ્રોફેસર શુભાંકર ડેમ કહે છે કે વડાપ્રધાન મોદીના વિદેશ પ્રવાસોના કારણે એક મોટી અસર પડી છે. અગાઉ કોઇ વડાપ્રધાન ન કરી શક્યા તેવી રીતે મોદીએ ભારતને વૈશ્વિક નક્શામાં સ્થાન અપાવ્યું છે. હું ભારતમાં ભ્રષ્ટાચાર નાબૂદ કરવા માટે કરાતા પ્રયાસોથી ઘણો પ્રભાવિત છું. મોદી સરકાર ભ્રષ્ટાચાર પ્રત્યે ઘણી અસહિષ્ણુ છે.
લોર્ડ રેમી રેન્જર કહે છે કે મોદી સરકારને મજબૂત સમર્થન હાંસલ છે કારણ કે જનતા પરિણામો જોઇ રહી છે. છેલ્લા 10 વર્ષમાં ભારત ચોથા ક્રમનું અર્થતંત્ર બની ગયું છે. ભારતમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો જોરદાર વિકાસ થયો છે અને ફુગાવાનો દર નિયંત્રણમાં છે. મોદી સરકારે અસરકારક રીતે કોરોના મહામારીને નિયંત્રિત કરી અને આજે ભારત ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ માટે હોટ ફેવરિટ દેશ બન્યો છે. હું છેલ્લા 50 વર્ષથી યુકેમાં રહું છું અને આટલું ગૌરવ મેં ક્યારેય અનુભવ્યું નથી.