લેમિંગ્ટન સ્પાના ટેચબ્રુક ડ્રાઇવ સ્થિત શીખ ગુરુદ્વારામાં શીખ અને બીન શીખ સમુદાયના યુવાન યુવતી વચ્ચે થઇ રહેલા લગ્નનો વિરોધ કરવા કિરપાણધારી શીખોના જુથે ધરણા કરી ગુરૂદ્વારા પર કહેવાતો ક્બજો કરી લેતા અને કાર્યક્રમ ઉગ્ર અને હિંસક બનશે તેવા ડરે પોલીસ બોલાવાઇ હતી. જેમાં સશસ્ત્ર પોલીસે સંખ્યાબંધ વિરોધીઓ સહિત ૫૫ લોકોની પરવાનગી વગર ઉગ્રતા સાથે ગુરૂદ્વારામાં પ્રવેશ કરવાના આરોપ બદલ ધરપકડ કરી હતી.
આંતરધર્મિય લગ્ન થવાના છે તેવી માહિતીને આધારે કિરપાણ ધરાવતા ૩૦ જેટલા પુરુષો રવિવારે સવારે ૬-૪૫ના સુમારે ગુરુદ્વારામાં પહોંચી ગયા હતા અને ધૂન કિર્તન કર્યા હતા. આ સ્થળે એક યુવાન 'પૈસા માટે શીખ ધર્મના સિધ્ધાંતો સાથેની છેડછાડ બંધ કરો' તેમ જણાવતું પ્લે કાર્ડ ધારણ કર્યુ હતું. જોકે આ લગ્ન રદ કરવા પડ્યા હતા. પોલીસે ઘટના સ્થળે જઇને સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો હતો અને લગભગ ૮ કલાકની રકઝક બાદ બપોરે ૨ કલાકે સમગ્ર મામલ ો થાળે પડ્યો હતો.
ઘણા શીખો આંતરધર્મીય લગ્નોના વિરોધને શીખ સ્ત્રીઓ પર પુરુષોના અંકુશ અને તેઓ બહાર બીજા ધર્મના લોકો સાથે લગ્ન કરે તેને અટકાવવાના પ્રયાસ તરીકે નિહાળે છે.
‘શીખ યુથ બર્મિંગહામ’ નામના જૂથે જણાવ્યું હતું કે 'તેમના ધરણા શાંતિપૂર્ણ હતા અને તેમના ૧૦૦ જેટલા સભ્યો શીખ લગ્ન ‘આનંદ કરાજ’ની પવિત્રતા જાળવવા ત્યાં આવ્યા હતા. આ સ્થાનિક જુથે શાંતિપૂર્વક બેસીને સવારના કિર્તન અને પ્રાર્થના કર્યા હતા.' આ જુથના લોકો માને છે કે શીખ ગુરૂદ્વારાનો ઉપયોગ માત્ર શીખ હોય તેવા લોકોના જ લગ્ન માટે થવો જોઇએ, આંતરધર્મિય લોકોના લગ્ન માટે નહિં.’ અમુક શીખ લોકો ધ ગુરુદ્વારા સાહિબની કમિટી દ્વારા ગુરૂદ્વારા પાસે આવા પ્રસંગો માટે બાંધવામાં આવેલા મકાનની ટીકા કરે છે.
ગુરુદ્વારાના ભૂતપૂર્વ ખજાનચી જતિન્દરસિંહ બિરડીએ જણાવ્યું હતું કે 'ગુરૂદ્વારામાં શીખ અને બીન શીખ યુગલ વચ્ચે લગ્ન થવાના હતા. સ્થાનિક શીખ કોમ્યુનિટીમાં મિશ્ર લગ્ન વિવાદિત મુદ્દો રહ્યો છે અને લઘુમતી વર્ગ આવી સેવા માટે ગુરુદ્વારાનો ઉપયોગ થાય તેનો વિરોધ કરે છે. ઘણા વર્ષોથી આ વિવાદ હોવાં છતાં આવું કદી થયું નથી. આ કોઈના જીવનની સુખદ પળો હોવી જોઈએ, જે થયું નથી.’
આ અગાઉ ગત વર્ષે જુલાઇમાં પણ યુકેના શીખ ગુરૂદ્વારામાં થયેલા લગ્ન સામે વિરોધ થઇ ચૂક્યો છે. ધ શીખ કાઉન્સિલે જણવ્યું હતું કે 'આનંદ કરાજ તરીકે અોળખાતી લગ્નની વિધિ શીખો માટે જ અનામત છે.'
વોરિકશાયરના પોલીસ સુપ્રિટેન્ડન્ટ ડેવિડ ગાર્ડનરે જણાવ્યું હતું કે ‘પોલીસે સંખ્યાબંધ ધારદાર શસ્ત્રો કબ્જે કર્યા હતા પરંતુ બનાવમાં કોઇને ઇજાઅો થઇ નહોતી. આગામી દિવસોમાં અમે સ્થાનિક શીખ સમુદાય સાથે આ મુદ્દા પર ચર્ચા વિચારણા કરીશું અને ભવિષ્યમાં આવા બનાવો ન બને તે માટે ચર્ચા કરીશું.'
વોરિકશાયર પોલીસે જણાવ્યું હતું કે 'પ્રારંભે અમને એવી માહિતી મળી હતી કે ૨૦ જેટલા બુકાનીધારી લોકો તેમને શીખ ગુરૂદ્વારામાં પ્રવેશ કરતા રોકી રહ્યા છે. જેમણે કિરપાણ સહિતના અન્ય ધારદાર શસ્ત્રો ધારણ કરેલા છે.'
જોકે, ગુરુદ્વારાના સીસીટીવી ફૂટેજમાં કિરપાણ સાથેનું ટોળું દેખાયું નહોતું. ધરપકડ કરાયેલા લોકોને લઈ જવા કોચ ભાડે કરવો પડ્યો હતો. લેમિંગ્ટન સ્પા ગુરુદ્વારા ભારતની બહાર સૌથી મોટા ગુરુદ્વારાઓ પૈકીનું એક છે ૧૧ મિલિયન પાઉન્ડના ખર્ચે બનાવાયું છે.