લંડનઃ સતત ટ્રાફિકના ઘોંઘાટમાં રહેનારા લોકોને હાર્ટ એટેકનું જોખમ વધી જાય છે તેમ એક અભ્યાસમાં જણાયું છે. તેમાં પણ મેઈન રોડ અને રેલ્વે લાઈનની નજીક રહેતા લોકોને તેનું વધુ જોખમ હોવાનું સંશોધકોને જણાયું છે. જર્નલ ડ્યુશીસ આર્ઝટબ્લેટ ઈન્ટરનેશનલમાં પ્રસિદ્ધ તારણો મુજબ ટ્રેન, પ્લેન તથા કારના ઘોંઘાટથી શારીરિક તણાવ થતાં માયોકાર્ડિયલ ઈન્ફાર્કશન-હાર્ટ એટેક આવવાનું જોખમ વધે છે. અગાઉ આવા ઘોંઘાટથી સ્ટ્રોક અને વહેલા મૃત્યુનું જાખમ વધતું હોવાનું જણાયું હતું.
સંશોધકોની ટીમે જર્મનીના રહાઈન -મેઈન પ્રાંતમાં રહેતા ૪૦ વર્ષથી વધુ વયના દસ લાખ કરતાં વધુ જર્મનોની સ્ટેટ હેલ્થ ઈન્સ્યુરર્સ પાસેથી માહિતી મેળવીને તેની ચકાસણી કરી હતી. તેઓ જ્યાં રહેતા હતા તે વિસ્તાર ૨૦૦૫માં રેલ, રોડ અને ટ્રાફિકના ઘોંઘાટને માપવા માટે નક્કી કરાયો હતો.
માહિતીનું વિશ્લેષણ ૨૦૧૪-૧૫ સુધીમાં હાર્ટ એટેકને લીધે મૃત્યુ પામેલા દર્દીઓ પૂરતું જ રખાયું ત્યારે ટ્રેન, પ્લેન તથા કારના અવાજ અને હાર્ટ એટેકના જોખમ વચ્ચે સંબંધ હોવાનું જણાયું હતું. જોકે, વિમાનના અવાજથી હાર્ટ એટેકનું જોખમ ઓછું જણાયું હતું તેનું કારણ આપતા સંશોધકોએ જણાવ્યું હતું કે રોડ અને રેલ ટ્રાફિકની માફક વિમાનનો અવાજ સતત ૬૫ ડેસિબલથી વધારે રહેતો નથી.
ટેક્નિકલ યુનિવર્સિટી ડ્રેસ્ડનના પ્રોફેસર ડો. એન્ડ્રિઆસ સીડલરે જણાવ્યું હતું કે ટ્રાફિકના ઘોંઘાટને લીધે માનસિક અને શારીરિક તણાવ વધે છે. તેને લીધે બ્લડ પ્રેશર અને નાડીના ધબકારા વધી જાય છે. તેમણે જણાવ્યું હતું કે ઘણા લોકોને ધ્વનિ પ્રદૂષણની અસર થતી હોવાથી ટ્રાફિકના ઘોંઘાટને અટકાવવા પગલાં લેવાં જોઈએ.