લંડનઃ જો સ્થૂળતાની સમસ્યા દૂર નહિ કરાય તો આગામી ૨૦ વર્ષમાં વધુ ૬૭૦,૦૦૦ લોકો કેન્સરનો ભોગ બનશે અને હેલ્થ સર્વિસને આશરે ૨.૫ બિલિયન પાઉન્ડનો ખર્ચનો બોજો ઉઠાવવો પડશે તેવી ચેતવણી કેન્સર રિસર્ચ યુકે ચેરિટીના રિપોર્ટમાં અપાઈ છે. વધુપડતી ચરબી કે મેદસ્વીતા ગર્ભાશયના કેન્સર સહિત પ્રજનનલક્ષી કેન્સર માટે ધૂમ્રપાન જેટલી જ જોખમી છે, છતાં ૭૫ ટકાથી વધુ લોકો તેના વિશે અજાણ છે. સ્ઝૂળતા દર વર્ષે કેન્સરના ૧૮,૦૦૦થી વધુ કેસ માટે કારણભૂત હોવાની શક્યતા છે.
સંશોધન અનુસાર મેદસ્વીતા અને ૧૦ પ્રકારના કેન્સર વચ્ચેના સંબંધથી લોકો અજાણ છે. કેન્સર રિસર્ચ યુકેના રિપોર્ટમાં મેદસ્વીતા અને કેન્સર અંગે સૌપ્રથમ રાષ્ટ્રીય પ્રમાણ ધ્યાનમાં લેવાયું છે. સ્થૂળતા અંડપિંડ કે ગર્ભાશયના કેન્સર સાથે સંકળાયેલી હોવા વિશે ૭૮ ટકા લોકો બેખબર છે, જ્યારે ૬૯ ટકા લોકો તેનાથી બ્રેસ્ટ કેન્સર અને ૫૩ ટકા લોકો પેન્ક્રિયાસ કેન્સર થઈ શકે તે વિશે જાણતાં નથી. કેન્સર રિસર્ચ યુકે ખાતે પોલિસી રિસર્ચ સેન્ટર ફોર કેન્સર પ્રીવેન્શન દ્વારા ૩,૨૯૩ લોકોના ઓનલાઈન સર્વેમાં આ તારણો બહાર આવ્યાં છે.
મેદસ્વીતા અને કેન્સર વચ્ચે સંબંધની વિગતો હજુ તપાસાઈ રહી છે છતાં એમ મનાયું છે કે ચરબીના સંગ્રહથી એસ્ટ્રોજેન સહિત સેક્સ હોર્મોન્સનું પ્રમાણ વધે છે, જેનાથી ગર્ભાશય અને સ્તનમાં કોષોનો ઝડપી ગુણાકાર થાય છે. ઓવરવેઈટ સ્ત્રીઓમાં મેનોપોઝ પછી કેન્સરનું જોખમ વધે છે કારણકે તેમનું શરીર એસ્ટ્રોજનના કુદરતી વિરોધી હોર્મોન્સનું ઉત્પાદન કરતું નથી અને પરિણામે, ગર્ભાશયની દીવાલો વધુ જાડી થતી જાય છે. વધુપડતી ચરબીથી ઈન્સ્યુલિનનું પ્રમાણ વધે છે, જે કોષોના વિભાજનને ઉત્તેજન આપે છે અને પરિણામે તેમનું પ્રમાણ ઝડપથી વધે છે. ચરબીના ટીસ્યુઝમાં રહેલાં વિશિષ્ઠ ઈમ્યુન સેલ્સ ક્રોનિક ઈન્ફ્લેમેશન તરફ દોરી જાય છે જેના કારણે પણ કેન્સરના વિકાસમાં મદદ મળે છે.