લંડનઃ બ્રિટિશ સુપરમાર્કેટ્સને ફ્રૂટ્સ પૂરા પાડતા કેન્યન એવોકાડો ફાર્મના બ્રિટિશ માલિકોએ કથિત માનવ અધિકાર ઉલ્લંઘનના ૮૫ પીડિતોને જંગી રકમનું વળતર ચૂકવ્યું હતું. નૈરોબીની ઉત્તરે આવેલા વિશાળ ફાર્મ ‘કાકુઝી’ના સિક્યુરિટી ગાર્ડ્સે દુર્વ્યવહાર કર્યો હોવાના દાવા ‘સન્ડે ટાઈમ્સ’ના ઈન્વેસ્ટિગેશનમાં બહાર આવ્યા ત્યાં સુધી એટલે કે ગયા ઓક્ટોબર સુધી તે બ્રિટિશ સુપરમાર્કેટ્સને ફ્રૂટ વેચતું હતું. ફાર્મના ગાર્ડ્સે એવોકાડોની ચોરીના આરોપી ૨૮ વર્ષીય પુરુષનું માર મારીને મૃત્યુ નીપજાવ્યું હતું, દસ મહિલાઓ સાથે દુષ્કર્મ આચર્યું હતું અને ગ્રામવાસીઓ પર સંખ્યાબંધ ક્રૂર હુમલા કર્યા હોવા સહિતના દાવા કરાયા હતા.
કાકુઝીની પેરન્ટ કંપની કેમેલિયા આ દાવાના વળતર, લીગલ કોસ્ટ અને કોમ્યુનિટી માટેની સ્કીમોના ફંડિંગ સહિત પતાવટ માટે ૪.૬ મિલિયન પાઉન્ડનો ખર્ચ કરશે. કેમેલિયાનું મુખ્યમથક કેન્ટ મેન્શન છે. આ કેન્યન ફાર્મમાં તેનો મોટો હિસ્સો છે. તેનું વેલ્યુએશન ૧૮૦ મિલિયન પાઉન્ડ છે.