ઇટાનગરઃ અરુણાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણી પહેલા મુખ્યપ્રધાન પેમા ખાંડુ અને નાયબ મુખ્યપ્રધાન ચૌના મીન સહિત ભાજપના 10 ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા છે. રાજ્યની 60 સભ્યોની વિધાનસભાની બાકીની બેઠકો માટે 19 એપ્રિલે મતદાન યોજાશે. ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું કે ઉમેદવારીપત્રો પાછા ખેંચવાનો સમય પૂરો થયા પછી ખાંડુ અને અન્ય નવ ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા હતાં. ખોડુ તવાંગ જિલ્લાના મુક્તો વિધાનસભા બેઠકમાં ઉમેદવારી કરનારા એકમાત્ર ઉમેદવાર હતાં. નાયબ મુખ્યપ્રધાન ચૌના મીને સામે કોંગ્રેસના ઉમેદવાર બાયમસો ક્રિએ ઉમેદવારી કરી હતી, પરંતુ તેમને ઉમેદવારી પાછી ખેંચી લીધી છે. ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું કે છ વિધાનસભા બેઠકોમાં એક જ ઉમેદવારી પત્ર દાખલ કરાયું છે, જ્યારે અન્ય ચારમાં વિપક્ષી ઉમેદવારોએ ઉમેદવારી પાછી ખેંચી હતી. ભારત-ચીન બોર્ડર પાસેની મુક્તો વિધાનસભા બેઠકમાંથી ધારાસભ્ય તરીકે ખાંડુની ચોથી ટર્મ છે. 2010ની પેટાચૂંટણીમાં પણ ખાંડુ બિનહરીફ ચૂંટાયા હતાં.