ફિલ્મ ‘આદિપુરુષ’ના કેટલાક વાહિયાત સંવાદો બદલ આકરી ટીકાનો સામનો કરી રહેલા લેખક મનોજ મુન્તશીરે આખરે સોશિયલ મીડિયા પર બિનશરતી માફી માંગી છે. ફિલ્મ રિલીઝને 23 દિવસ થઈ ગયા છે ત્યારે રહી રહીને મનોજે ફેન્સ, સાધુસંતો અને ભગવાન શ્રીરામનાં ભક્તોની ભાવનાને ઠેસ પહોંચાડવા બદલ માફી માંગી છે. ટ્વિટમાં તેમણે લખ્યું છેઃ ‘હું સ્વીકારું છું કે ફિલ્મ ‘આદિપુરુષ’થી લોકોની ભાવના ઘવાઇ છે. મારા તમામ ભાઇઓ-બહેનો, વડીલો, પુજ્ય સાધુસંતો અને શ્રીરામના ભક્તોની હું હાથ જોડીને બિનશરતી માફી માંગું છું. ભગવાન બજરંગ બલી આપણાં સૌ પર કૃપા કરે, આપણને બધાંને એક અને અતૂટ રહીને આપણા પવિત્ર સનાતન અને મહાન દેશની સેવા કરવાની શક્તિ આપે.’
ઉલ્લેખનીય છે કે લગભગ 500 કરોડ રૂપિયાનાં બજેટમાં તૈયાર થયેલી ડાયરેક્ટર ઓમ રાઉતની ફિલ્મ ‘આદિપુરુષ’ 16 જૂનનાં રોજ રિલીઝ થયા બાદ ટીકાનો ભોગ બની હતી. જોકે ફિલ્મ બોક્સ ઓફિસ પર સંપુર્ણ ફ્લોપ નથી ગઈ. નબળા વીએફએક્સ અને વાહિયાત સંવાદો બદલ ટીકા થયા બાદ મનોજ મુન્તશીરે સંવાદો બદલ્યા હોવા છતાં છેલ્લા કેટલાંક દિવસથી તેની દૈનિક કમાણી રૂ. 20–35 લાખની રેન્જમાં રહી છે.
અગાઉ ફિલ્મનિર્માતા ટી-સીરિઝે જાહેરાત કરી હતી કે ‘આદિપુરુષ’એ રૂ. 450 કરોડની વર્લ્ડવાઇડ કમાણી કરી છે. જોકે સોશિયલ મીડિયામાં આ આંકડો વધુ પડતો હોવાની ટીકા થઈ હતી. ટ્રેડ એનાલિસ્ટ્સનાં માનવા પ્રમાણે ફિલ્મ રૂ. 50 કરોડની આસપાસ ખોટ કરી હશે. નિર્માતાઓએ ક્લેક્શન અંગે હજુ સુધી સત્તાવાર નિવેદન આપ્યું નથી.