નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમવારે ગુરુ ગોવિંદસિંહજીનાં સંતાનોની શહાદતને યાદ કરતા વીર બાલ દિવસે તેમને શ્રદ્ધાંજલિ આપી. આ અવસરે આયોજિત એક કાર્યક્રમમાં સામેલ થવા માટે વડા પ્રધાન મોદી દિલ્હીના મેજર ધ્યાનચંદ સ્ટેડિયમમાં પહોંચ્યા અને અહીં શબદ કીર્તન સાંભળ્યું. આ કીર્તન 300 બાળ કીર્તનિયોએ ગાયાં હતાં.
આની પહેલાં સોમવારે સવારે વડા પ્રધાન મોદીએ સોશિયલ મીડિયા પર સંતાનો અને માતા ગૂજરીજીના બલિદાનને લઇને શ્રદ્ધાંજલિ આપી. વડા પ્રધાને ગત વર્ષે 9 જાન્યુઆરીના રોજ પ્રકાશ પર્વ પર ઘોષણા કરી હતી કે શીખોના દસમા ગુરુ ગોવિંદસિંહનાં ચારે સંતાનોને શ્રદ્ધાંજલિ આપતાં આ વર્ષે 26 ડિસેમ્બરને ‘વીર બાળ દિવસ’ મનાવવામાં આવશે.
જોરાવર સિંહ અને ફતેહ સિંહની કુરબાનીની યાદમાં મનાવાય છે વીર બાળ દિવસ
ગુરુ ગોવિંદસિંહજીનાં ચારેય સંતાનો શહીદીને વરી ચૂક્યાં છે, પરંતુ આ દિવસ ખાસ કરીને પુત્ર જોરાવર સિંહ અને ફતેહ સિંહની શહાદતને યાદ કરવા માટે મનાવવામાં આવે છે, જે માત્ર 6 અને 9 વર્ષની ઉંમરમાં શહીદ થયાં હતાં.
મોગલ શાસક ઔરંગઝેબના આદેશ પર પંજાબના સિરહિંદમાં બંને સંતાનોને જ્યાં દીવાલમાં જીવતાં ચણી લેવામાં આવ્યાં હતાં, તે જગ્યાને ફતેહગઢ સાહિબના નામથી ઓળખવામાં આવે છે.
સંતાનોનું બલિદાન આપણને પ્રેરિત કરે છેઃ વડાપ્રધાન
આ અવસરે વડા પ્રધાન મોદીએ કહ્યું કે દુનિયાનો ઇતિહાસ જુલમ અને અન્યાયની કહાનીઓથી ભરેલો છે. 300 વર્ષ પહેલાં ચમકૌર અને સિરહિંદમાં યુદ્ધ લડાઇ ગયું. આમાં એક તરફ મોગલ સામ્રાજ્ય હતું જે સાંપ્રદાયિક ચરમપંથ પ્રતિ આંધળું હતું અને બીજી તરફ આપણા ગુરુ હતા.
એક તરફ આતંકવાદ હતો અને બીજી તરફ આધ્યાત્મ. એક તરફ સાંપ્રદાયિક અશાંતિ હતી તો બીજી તરફ સ્વતંત્રતા હતી. એક તરફ લાખોની સંખ્યામાં સૈનિક હતા તો બીજી તરફ સંતાનો હતાં જે પાછળ ન હટ્યાં. સંતાનો આપણને પ્રેરિત કરનારી પેઢી છે.
મોદીએ કહ્યું હતું, ગુરુ ગોવિંદસિંહજી ઔરંગઝેબના આતંક અને ભારતને બદલવાની તેમની નિયતની વિરુદ્ધ ડર્યા વિના ઊભા રહ્યા. ઔરંગઝેબ અને તેના લોકો તલવારનો ડર દેખાડીને ગુરુ ગોવિંદસિંહ અને તેમનાં બાળકોને ધર્મ બદલાવવા ઇચ્છતા હતા, પરંતુ તે તેમના મનસૂબામાં સફળ ન થયા. એક દેશ જ્યાંનો ઇતિહાસ એવો છે તેને તો આત્મવિશ્વાસથી ભરેલો હોવો જોઇએ, પરંતુ દુર્ભાગ્યની વાત છે કે આપણેને કેટલીક ખાસ કહાનીઓ જ ભણાવવામાં આવી, જેમાં હીનભાવના આવે છે. જો આપણે ભારતને નવી ઊંચાઇઓ પર લઇ જવા ઇચ્છીએ છીએ તો આપણે ઇતિહાસને સંકુચિત દૃષ્ટિથી જોવાનું બંધ કરવું પડશે.