મૈસુર: મૈસુરના રાજવી, યદુવીર કૃષ્ણદત્ત ચામરાજા વાડિયાર ચૂંટણીના રાજકારણમાં પ્રવેશ કરીને તેમના જીવનમાં એક નવો અધ્યાય શરૂ કર્યો છે. ભાજપે 31 વર્ષીય યદુવીર વાડિયારને મૈસૂર લોકસભા મતવિસ્તારમાંથી પોતાના ઉમેદવાર તરીકે નિયુક્ત કર્યા છે. યદુવીર વાડિયાર કરોડોની સંપત્તિના માલિક છે. તે ટેનિસ, પુસ્તકો ઉપરાંત બિરયાનીના પણ શોખીન છે. તેઓ 80,000 કરોડ રૂપિયાની સંપત્તિના માલિક હોવાનું કહેવાય છે. યદુવીર વાડિયારને 28મે 2015ના રોજ વાડિયાર વંશના 27મા ‘રાજા’ તરીકે તાજ પહેરાવવામાં આવ્યો હતો. હવે યદુવીર ઈતિહાસ અને પરંપરાથી ભરપૂર વારસો આગળ લઈ જઈ રહ્યા છે. તેમને શ્રીકાંતદત્ત નરસિંહરાજા વાડિયારના વિધવા પ્રમોદા દેવી વાડિયારે દત્તક લીધા હતા, જે પછી શાહી વારસાના વારસદાર તરીકે તેમનું સ્થાન મજબૂત થયું. 2015માં, માત્ર 23 વર્ષની ઉંમરે, તેમને મૈસુરના નવા મહારાજાનો તાજ પહેરાવવામાં આવ્યો હતો. મૈસૂર પેલેસ મેદાનમાં ફેલાયેલા 15 મંદિરોમાં 40થી વધુ પૂજારીઓ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. યદુવીરે તેમના દાદા શ્રીકાંતદત્ત નરસિંહરાજા વાડિયારની જગ્યા લીધી છે.
હકીકતમાં, ડિસેમ્બર 2013માં મૃત્યુ પામેલા શ્રીકાંતદત્ત વાડિયાર નિ:સંતાન હતા અને તેમનો કોઈ વારસદાર નહોતો, પરંતુ તેમની વિધવા પ્રમોદાદેવી વાડિયારે ફેબ્રુઆરીમાં એક સમારોહમાં યદુવીર ગોપાલરાજને એક સંબંધી પાસેથી દત્તક લીધો હતો. તેમના રાજ્યાભિષેક પછી, યદુવીર ગોપાલરાજા યદુવીર કૃષ્ણદત્ત ચામરાજા વાડિયાર તરીકે ઓળખાયા.
યદુવીરે રાજસ્થાનના પ્રતિષ્ઠિત ડુંગરપુરના કાઉન પ્રિન્સ હર્ષવર્ધન સિંહની પુત્રી ત્રિશિકા કુમારી સિંહ સાથે લગ્ન કર્યા છે. આ લગ્ને બે પ્રભાવશાળી રાજવંશોના સાંસ્કૃતિક વારસાને જોડવાનું કામ કર્યું છે.
એનડીટીવીના અહેવાલ મુજબ, તેમના પુરોગામી શ્રીકાંત દત્ત વાડિયારે 2004ની લોકસભા ચૂંટણી દરમિયાન રૂ. 1,52,253 કરોડની સંપત્તિ જાહેર કરી હતી, જેમાં પ્રખ્યાત મૈસૂર અને બેંગ્લોરના મહેલો તેમજ 15 લક્ઝરી કારનો સમાવેશ થાય છે.
યદુવીર વાડિયાર અલગ અલગ ક્ષેત્રે રસ ધરાવે છે અને બહુમુખી પ્રતિભા ધરાવતા વ્યક્તિ છે. તેમણે અમેરિકાની યુનિવર્સિટી ઓફ મેસેચ્યુસેટ્સમાંથી અર્થશાસ્ત્ર અને અંગ્રેજીમાં બીએ કર્યું છે. સંગીતના શોખીન યદુવીર ગિટાર અને પરંપરાગત સરસ્વતી વીણા બંને વગાડવામાં નિપુણ છે. રમતગમતની વાત કરીએ તો તે ટેનિસ પ્રત્યે ખૂબ જ શોખીન છે. સોશિયલ મીડિયા પર સક્રિય છે. તેઓ ટેકનોલોજીનો સારી રીતે ઉપયોગ કરવાનું જાણે છે. તેઓ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે.
જોકે, મૈસૂર રાજપરિવાર માટે રાજકારણ નવું નથી. છેલ્લા વંશજ, શ્રીકાંતદત્ત નરસિંહરાજા વાડિયારે ચાર વખત મૈસુર સંસદીય મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કર્યું અને માત્ર એક જ વાર હાર્યા હતા. શ્રીકાંતદત્ત મોટાભાગે કોંગ્રેસમાં રહ્યા, પરંતુ તેઓ થોડો સમય ભાજપમાં પણ રહ્યા. હવે જ્યારે યદુવીર કૃષ્ણદત્ત ચામરાજા વાડિયાર રાજકારણમાં પ્રવેશ્યા છે, એવી અપેક્ષા રાખવામાં આવે છે કે તેઓ મૈસુરને સમૃદ્ધિ અને પ્રગતિના નવા યુગમાં લઈ જવા માટે તૈયાર છે.