મુંબઇઃ બોમ્બે હાઈકોર્ટે અભિનેત્રી મમતા કુલકર્ણીને તેની સામેના આઠ વર્ષ જૂના કેસમાં મોટી રાહત આપી છે. 2016માં તેનું નામ ડ્રગ્સના કેસમાં સામે આવ્યું હતું અને ત્યારબાદ પોલીસે તેને આરોપી બનાવી હતી. જોકે હવે હાઇકોર્ટે કહ્યું છે કે પુરાવાના અભાવ તથા માત્ર આરોપી સાથેના સંબંધને કારણે અરજદારને આરોપી બનાવી શકાય નહીં. અભિનેત્રી મમતા કુલકર્ણીએ 1992માં રાજ કુમાર અને નાના પાટેકરની ફિલ્મ ‘તિરંગા’થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી.
મમતાએ 1990ના દાયકામાં ‘કરણ અર્જુન’, ‘ક્રાંતિવીર’, ‘વક્ત હમારા હૈ’, ‘સબસે બડા ખિલાડી’ જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું. સિલ્વર સ્ક્રીનથી દૂર રહેલી અભિનેત્રીનું નામ 2016ના ડ્રગ સ્મગલિંગ કેસમાં સામે આવ્યું હતું. રૂ. 2000 કરોડનું એફેડ્રિન કેસમાં અન્ય આરોપીઓમાંની તે એક હતી પરંતુ હવે અભિનેત્રીને મોટી રાહત મળી છે. કોર્ટે કહ્યું છે કે તે પુરાવાના અભાવે મમતા વિરુદ્ધ નોંધાયેલ એફઆઇઆર રદ કરી રહી છે.
મમતાએ કોર્ટ સમક્ષ કથિત રીતે દાવો કર્યો હતો કે તેને ‘ડ્રગ્સ કૌભાંડમાં બલિનો બકરો બનાવવામાં આવી છે’. 2018માં, મમતા કુલકર્ણીએ તેની સામેની ફોજદારી કાર્યવાહીને રદ કરવા માટે હાઈકોર્ટમાં અરજી કરી હતી. ઉલ્લેખનીય છે કે મમતાના પતિ વિકી ગોસ્વામીને આ રેકેટનો માસ્ટરમાઈન્ડ માનવામાં આવે છે, જેણે એફેડ્રિનનું ઉત્પાદન કર્યું હતું.