ભારતમાં આગામી દિવસોમાં લોકસભાની 543 બેઠકો અને ચાર રાજ્યો - અરુણાચલ પ્રદેશ, સિક્કિમ, આંધ્ર પ્રદેશ અને ઓડિશાની કુલ 400 વિધાનસભા બેઠકો માટે મતદાન યોજાશે. આ ચૂંટણી સંબંધિત મહત્ત્વના સમાચારો ઉડતી નજરે...
• ગાંધી પરિવાર અમેઠી-રાયબરેલી છોડશે?ઃ અમેઠી અને રાયબરેલી લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવારોની જાહેરાતમાં વિલંબ થતાં અનેક અટકળોનો દોર ચાલે છે. ગઇ લોકસભા ચૂંટણી સુધી બંને બેઠકો પર દાવેદારી સાથે ગાંધી પરિવારે ઉત્તર પ્રદેશ સાથે સંબંધો જાળવી રાખ્યા હતા. હવે ચર્ચા છે કે ગાંધી પરિવાર ઉત્તર પ્રદેશની બેઠકો છોડી શકે છે. રાહુલ ગાંધી પહેલેથી જ કેરળની વાયનાડ બેઠકના ઉમેદવાર જાહેર થઇ ચૂક્યા છે. જોકે ઉત્તર પ્રદેશની બંને બેઠકો પર ઉમેદવારની જાહેરાતને રાજકીય વ્યૂહના રૂપમાં પણ મૂલવવામાં આવે છે. અમેઠી-રાયબરેલી બેઠકના કોંગ્રેસ કાર્યકરો માગણી કરી રહ્યા છે કે ગાંધી પરિવાર જ ઉમેદવારી નોંધાવે. પક્ષ કે ગાંધી પરિવાર તે દરખાસ્ત પરત્વે હજી મગનું નામ મરી પાડ્યું નથી.
• મહારાષ્ટ્રમાં મહાવિકાસ અઘાડીમાં ભડકોઃ મહાવિકાસ અઘાડી (એમવીએ) દ્વારા બેઠક સમજૂતી ફાઈનલ થતાં પૂર્વે જ ઉદ્ધવ જૂથે 16 ઉમેદવારોની યાદી એકતરફી જાહેર કરી દેતાં ભડકો થયો છે. ઉદ્ધવ જૂથે ગઠબંધન ધર્મ નહીં નિભાવ્યો હોવાનું ઉચ્ચારી યુતિના પીઢ નેતા શરદ પવારે નાખુશી વ્યક્ત કરી હતી તો કોંગ્રેસના નેતાઓએ ઉદ્ધવને કાં તો ફેરવિચારણા કરવા અથવા તો ફ્રેન્ડલી ફાઈટ માટે તૈયાર રહેવા જણાવ્યું હતું. શિવસેના (યુબીટી)ની યાદી જાહેર થતાં જ કોંગ્રેસ દ્વારા તેનો ઉગ્ર વિરોધ કરાયો હતો. કોંગ્રેસના નેતા બાળાસાહેબ થોરાટે કહ્યું હતું કે ઉદ્ધવ જૂથે એકતરફી જાહેરાત કરી દીધી તે અનુચિત છે.
• દેશનાં સૌથી ધનવાન મહિલા કોંગ્રેસ છોડી ભાજપમાંઃ દેશનાં સૌથી ધનવાન મહિલા અને હરિયાણાના પૂર્વ પ્રધાન સાવિત્રી જિંદાલે પણ કોંગ્રેસ છોડી દીધી છે. થોડા દિવસ પહેલાં જ તેમના પુત્ર અને - ઉદ્યોગપતિ નવીન જિંદાલ કોંગ્રેસનો સાથે છોડીને ભાજપમાં જોડાઈ ચૂક્યા છે. 84 વર્ષનાં સાવિત્રી જિંદાલે સોશિયલ મીડિયા પોસ્ટ પર કોંગ્રેસ છોડવાના પોતાના નિર્ણયની જાહેરાત કરી હતી. તેમણે પોસ્ટમાં જણાવ્યું હતું કે, ‘ધારાસભ્ય તરીકે 10 વર્ષ સુધી હિસારના લોકોનું પ્રતિનિધિત્વ કર્યું છે. પ્રધાનપદે રહીને નિ:સ્વાર્થભાવે રાજ્યના લોકોની સેવા કરી છે. હિસારના લોકો મારો પરિવાર છે અને મારા પરિવારે આપેલી સલાહ મુજબ આજે કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી રહી છું.’ ફોર્બ્સ ઇન્ડિયા દ્વારા આ વર્ષે બહાર પડેલી ભારતની 10 સૌથી ધનવાન મહિલાઓની યાદીમાં સાવિત્રી જિંદાલ મોખરે છે.
• ‘મારી પાસે ચૂંટણી લડવા માટે પૈસા નથી’ઃ આ શબ્દો છે નાણાપ્રધાન નિર્મલા સીતારામનના. દેશનું અંદાજે રૂ. 45 લાખ કરોડનું અંદાજપત્ર તૈયાર કરનારાં નિર્મલા સીતારમણે કહ્યું છે કે પક્ષે મને ટિકિટ ઓફર કરી હતી પણ મેં ના પાડી કારણ કે મારી પાસે ચૂંટણી લડવા પૂરતું ભંડોળ નથી. તેમણે કહ્યું હતું કે ભાજપ પ્રમુખે તેમને તમિલનાડુ કે આંધ્ર પ્રદેશની કોઈ બેઠક પર ટિકિટની ઓફર કરી હતી. સીતારમણ હાલ કર્ણાટકમાંથી રાજ્યસભાના સાંસદ છે. તેમણે ટીવી ચેનલ સાથેની વાતચીતમાં આ ચૂંટણી લડવા પૂરતા પૈસા કેમ નથી તેવા પ્રશ્નના જવાબમાં કહ્યું હતું કે દેશનું નાણાકીય ભંડોળ મારી માલિકીનું નથી. મારું વેતન, મારી આવક અને બચત મારી પોતાની છે. સીતારમણે જોકે કહ્યું હતું કે તે લોકસભા ચૂંટણીમાં પક્ષના ઉમેદવારોનો પ્રચાર જરૂર કરશે.