નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી ચીનના પ્રવાસે પહોંચ્યા તે પહેલાથી મીડિયામાં આ મુદ્દો છવાઇ ગયો છે. વિશ્વભરના નેતાઓની સાથોસાથ મીડિયા પણ આ પ્રવાસ પર નજર માંડીને બેઠું છે. અખબારી અહેવાલોમાં આ મુલાકાત અંગે રજૂ થયેલા અભિપ્રાયની ઝલક.
• બીબીસી (બ્રિટન): મોદીની શિયાનયાત્રા બન્ને દેશો વચ્ચે સાંસ્કૃતિક સંબંધોને મજબૂત બનાવવા અને સારી છબી બનાવવા માટે છે. મોદીએ ટિ્વટ કરી છે કે શિયાનના લોકોએ તેમનું શ્રેષ્ઠ સ્વાગત કર્યું છે. જિનપિંગ પણ મારી સાથે હતા.
• શિન્હુઆ (ચીન): ભારત અને ચીને નકારાત્મક વિચારસરણી છોડીને સહયોગના માર્ગે આગળ વધવું પડશે. મોદીની યાત્રા વૈશ્વિક સ્તરે ભારત અને ચીન વચ્ચે પરસ્પર વિશ્વાસની કડીને વધુ મજબૂત બનાવવાની સારી તક છે.
• ન્યૂ યોર્ક ટાઇમ્સ (યુએસ): જિનપિંગ અને મોદી બન્નેએ વ્યક્તિગત ડિપ્લોમસીનું દુર્લભ દૃશ્ય બતાવ્યું છે. જિનપિંગ દ્વારા પ્રોટોકોલનો ભંગ કરીને મોદીનું સ્વાગત એ ઇતિહાસમાં પ્રથમ વાર બન્યું છે. એવું લાગે છે કે બન્ને દેશો નવા મધુર સંબંધ બનાવશે.
• ડોન (પાકિસ્તાન): નરેન્દ્ર મોદી ચીન સાથે સરહદ વિવાદ સહિત ઘણા મુદ્દાઓ અંગે ચર્ચા તો કરશે, પરંતુ જોવાનું છે કે તેઓ પોતાની યાત્રામાં કેટલા સફળ થાય છે... બન્ને દેશોના સંબંધ ૧૯૬૨થી ખરાબ છે. મોદીની મુલાકાતને કારણે સંબંધો સુધરે તેવું બની શકે છે, પણ સરહદ વિવાદનો મામલો વણઉકલ્યો રહેશે.