નવી દિલ્હીઃ ભારત અને પડોશી દેશ ચીન વચ્ચેના સંબંધો ભલે વર્ષોથી સંવેદનશીલ રહ્યા હોય, પરંતુ હવે તેમાં બદલાવ આવી રહ્યો હોય તેવા સંકેત મળી રહ્યા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિંગપિંગ વચ્ચે એક જ વર્ષમાં આ ત્રીજી મુલાકાત છે. ચીનમાં પણ સરકારી તંત્ર ઉપરાંત આમ પ્રજામાં મોદીની મુલાકાતને લઈને ભારે ઉત્સાહ જોવા મળે છે.
અલબત્ત, આ પૂર્વે પણ ભારત અને ચીનના સત્તાધીશો મળતા હતા અને મંત્રણાઓ કરતા હતા, પરંતુ એશિયાના આ બે શકિતશાળી દેશોના વડાઓ એક જ વર્ષમાં ત્રણ વાર મળ્યા હોય એવું પહેલી વખત બન્યું છે. જવાહરલાલ નેહરુએ ઓકટોબર ૧૯૫૪માં ચીનની મુલાકાત લીધી ત્યારે જે ઉત્સાહસભર માહોલ ઉભો થયો હતો તેવો માહોલ મોદીના ચીન પ્રવાસમાં જોવા મળી રહયો છે.
ઉદાર મતવાદી છતાં ભારે મુત્સદી મનાતા ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગ અને મોદી વચ્ચે પહેલી મુલાકાત જૂન ૨૦૧૪માં બ્રાઝિલ ખાતે યોજાયેલા ‘બ્રિકસ’ સંમેલન દરમિયાન થઇ હતી. મે ૨૦૧૪માં સત્તાના સૂત્રો સંભાળ્યા પછી મોદી પહેલી વાર કોઇ મોટા આંતરરાષ્ટ્રીય સંમેલનમાં ભાગ લઇ રહ્યા હતા ત્યારે પ્રથમ મુલાકાત થઇ હતી. આ પછી જિનપિંગ ભારતની મુલાકાતે આવ્યા હતા. મોદીએ અમદાવાદમાં જિનપિંગનું ભવ્ય સ્વાગત કર્યું હતું. અને હવે મોદી ચીન પહોંચ્યા છે.