નવી દિલ્હી: ઉત્તર પ્રદેશની અમેઠી અને રાયબરેલી લોકસભા બેઠકો પરથી કોંગ્રેસ કોને મેદાને ઉતારશે તે હજુ નક્કી નથી પણ એક અહેવાલ અનુસાર રાહુલ ગાંધી અમેઠીથી નહીં પરંતુ રાયબરેલીથી ચૂંટણી લડી શકે છે. પ્રિયંકા ગાંધી વાડરાની ચૂંટણીમેદાનમાં ઉતારવાની કોંગ્રેસની હાલ કોઈ યોજના નથી. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ શનિવારે કહ્યું હતું કે અમેઠી અને રાયબરેલી બેઠકો માટે કોંગ્રેસ થોડા દિવસમાં ઉમેદવાર જાહેર કરશે. ઉત્તર પ્રદેશ કોંગ્રેસના પ્રભારી અવિનાશ પાંડે અને વિધાનસભા પક્ષનાં નેતા આરાધના મિશ્રાએ હાઈ કમાન્ડને આગ્રહ કર્યો છે કે અમેઠીથી રાહુલ ગાંધીએ અને રાયબરેલીથી પ્રિયંકા ગાંધી વાડરાએ ચૂંટણી લડવી જોઈએ. રાહુલ ગાંધી 2004થી 2019 સુધી અમેઠીથી લોકસભા સાંસદ રહ્યા. 2019ની ચૂંટણીમાં ભાજપનાં સ્મૃતિ ઈરાનીએ તેમને હરાવ્યા હતા. રાહુલ 2019માં કેરળના વાયનાડથી લોકસભામાં ચૂંટાયા હતા અને આ વખતે પણ વાયનાડથી ચૂંટણી લડી રહ્યા છે. કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી આ વખતે રાયબરેલી બેઠક છોડીને રાજસ્થાનથી રાજ્યસભામાં ચૂંટાયા છે. તેમણે બે દાયકા સુધી લોકસભામાં રાયબરેલીનું પ્રતિનિધિત્વ કર્યું છે.