નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી માટે પ્રચારમાં વડાપ્રધાન મોદીએ ‘અબ કી બાર 400 પાર’નો નારો આપ્યો છે. દરમિયાન એનડીટીવીના પોલ ઓફ પોલ્સના પરિણામ સામે આવ્યાં છે જેમાં એનડીએ ગઠબંધન આગામી ચૂંટણીમાં શાનદાર પ્રદર્શન કરવા જઈ રહ્યું છે. તમામ સર્વે પરિણામનું સામાન્ય તારણ એવું નીકળે છે કે એનડીએને ઓછામાં ઓછી 372બેઠક મળી રહી છે. જેથી વડાપ્રધાન મોદી સરળતાથી ત્રીજી વાર સત્તારૂઢ થશે. પોલ ઓફ પોલ્સ અનુસાર આ વખતે એનડીએ અત્યાર સુધીનું સૌથી સારું પ્રદર્શન કરી શકે છે. 2014માં એનડીએએ 336 અને 2019માં 353 બેઠક જીતી હતી.
પોલ ઓફ પોલ્સ અનુસાર, આ વખતે એનડીએનો આંક ઓછામાં ઓછો 372 રહી શકે છે. 7 તબક્કામાં યોજાનારી લોકસભા ચૂંટણીના પહેલા તબક્કાનો 19 એપ્રિલથી આરંભ થયો છે. જે પહેલા ઘણાં મીડિયા હાઉસોએ સર્વે એજન્સીઓ સાથે મળીને પોતપોતાના સર્વે અને ઓપિનિયન પોલ જારી કર્યા છે. જેની સરેરાશ કાઢીને એનડીટીવી તારણ પર પહોંચ્યું છે કે વિપક્ષોનું ઇન્ડિયા મહાગઠબંધન આ વખતે 122 બેઠક પર સમેટાઈ જશે. એનડીએ અને ઇન્ડિયા સિવાય 49 બેઠક અન્ય દળો જીતી શકે છે. ઉત્તર પ્રદેશમાં ભાજપની લહેર ફરી વળશે અને કોંગ્રેસનો તેના જ ગઢમાં ક્લીનસ્વિપ થઈ શકે છે. મહારાષ્ટ્રમાં પણ ભાજપ કમાલ કરી શકે છે. રાજ્યમાં ઉદ્ધવની શિવસેનાને સૌથી વધુ 6 બેઠક મળે તેવી સંભાવના છે.
એબીપી-સી વોટરના નવા સર્વે મુજબ એનડીએ 373 બેઠકો જીતી શકે છે જ્યારે ‘INDIA’ ગઠબંધનને 155 અને 15 બેઠક અન્ય દળો જીતી શકે છે. ટાઇમ્સ-ઇટીજીએ ત્રણ વાર સર્વે કરાવ્યો છે જેમાં એપ્રિલના સર્વે અનુસાર એનડીએ 386 બેઠક જીતી શકે છે જ્યારે ઇન્ડિયા ગઠબંધનને 118 અને 39 બેઠક અન્ય દળોને ફાળે જઈ શકે છે. ટીવી9 ભારતના સર્વે અનુસાર એનડીએ 362 અને ઇન્ડિયા ગઠબંધન 149 તથા અન્ય દળોને 32 બેઠક મળી શકે છે. ઇન્ડિયા ટીવી-સીએનએક્સના સર્વે અનુસાર ભાજપનાં નેતૃત્વ હેઠળના એનડીએ ગઠબંધનને 393 લોકસભા બેઠકો મળી શકે છે જ્યારે કોંગ્રેસની આગેવાની હેઠળનાં ઇન્ડિયા ગઠબંધનને માત્ર 99 બેઠક મળી શકે છે. 51 બેઠક અન્ય દળો જીતે તેવી સંભાવના છે. ઝીના મેટ્રીઝ સાથેના સર્વેમાં એનડીએને 377 અને ઇન્ડિયાને માત્ર 94 બેઠક મળતી હોવાનો અંદાજ દર્શાવાયો છે. અપક્ષો આ વખતે 72 બેઠક કબજે કરી શકે છે.