મુંબઇ: મહારાષ્ટ્રની ચૂંટણીનાં પરિણામોમાં એનડીએ ગઠબંધન મહાયુતિની એકતરફી જીતથી એક વાત સ્પષ્ટ થઇ ચૂકી છે કે રાજ્યમાં મરાઠા અને હિન્દુત્વની રાજનીતિના બે મોટા ચહેરાનું તેજ રાજકારણમાં ઘટી જશે.
શરદ પવાર: વોટશેર ઘટ્યો, હવે ઉદય મુશ્કેલ
84 વર્ષના શરદ પવારે પ્રચારની વચ્ચે બારામતીમાં વિશાળ જનસભાને સંબોધતા કહ્યું હતું કે ‘ભવિષ્યમાં ચૂંટણી નહીં લડું. 14 વાર ચૂંટણી બારામતીથી લડી ચૂક્યો છું. અને હજુ પણ સમાજ માટે કામ કરવા ઇચ્છું છું.’ જો ખરેખર આવું થયું છે તો આ તેમની અંતિમ ચૂંટણી હતી. આગામી લોકસભા અને વિધાનસભા ચૂંટણી 2028માં તેઓ સંભવિતપણે નહીં લડે. અને મેદાનમાં ઉતરશે તો પણ આ વયે ચૂંટણીનું મેદાન સંભાળવું મુશ્કેલ હશે. શરદ પવારે 1960માં કોંગ્રેસથી કારકિર્દી શરૂ કરી હતી. આ વખતે 86 ઉમેદવાર ઊભા કર્યા, પરંતુ 10 જ જીત્યા. આ પવારનું સૌથી ખરાબ પ્રદર્શન છે. પાર્ટીનો વોટ શેર ઘટીને 11.29 ટકા થયો છે. આ તેમના છ દાયકાના રાજકારણની સૌથી ખરાબ ચૂંટણી સાબિત થઇ છે.
ઉદ્ધવ ઠાકરેઃ હિન્દુત્વનો હુંકાર નબળો પડ્યો
બાલાસાહેબ પુત્ર શિવસેનાએ આ વખતે 95 સીટો પર ઉમેદવાર ઉતાર્યા હતા પરંતુ માત્ર 20 બેઠક પર જ સમેટાઈ ગયા. વોટશેર માત્ર 10.10 ટકા રહ્યો છે. તેનાથી એ નક્કી થઇ ગયું છે કે મહારાષ્ટ્રની જનતાએ શિવસેના (શિંદે)ને જ અસલી શિવસેના માની છે અને ઉદ્ધવની શિવસેનાને જાકારો આપ્યો છે. હિન્દુત્વની રાજનીતિ પર બાલાસાહેબ ઠાકરેના પરિવારની દાવેદારી નબળી પડશે. માનવામાં આવી રહ્યું છે કે મહારાષ્ટ્રની જનતાએ 2019માં એનડીએથી અલગ થઈને કોંગ્રેસ અને એનસીપીની સાથે ગઠબંધનને સ્વીકાર્યું ન હતું.
રાજ ઠાકરેના મનસેની માન્યતા રદ થવાનો ખતરો
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં એક પણ બેઠક પર વિજય મળ્યો ન હોવાથી રાજ ઠાકરેના મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે) પક્ષની માન્યતા સામે જોખમ ઊભું થયું છે. મનસે રેલવે એન્જિનનું પ્રતીક પણ ગુમાવી શકે છે તેવી સંભાવના છે.
રાજ ઠાકરેએ મુંબઈના માહિમ વિસ્તારની બેઠક પરથી પુત્ર અમિત ઠાકરેને મેદાનમાં ઉતાર્યો હતો એટલું જ નહીં મહારાષ્ટ્રમાં 128 ઉમેદવારો ઉભા રાખ્યા હતા. આ બધા જ ઉમેદવારોનો પરાજય થયો હતો. રાજ ઠાકરેના પુત્ર અમિત ઠાકરેને માહિમની બેઠક પર કાકા ઉદ્ધવ ઠાકરેની શિવસેનાના ઉમેદવાર મહેશ સાવંતે હરાવ્યા હતા. આમ આ ચૂંટણીમાં મનસેના તમામ ઉમેદવારોનો ઘોર પરાજય થયો હતો. 2019ની ચૂંટણીમાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ માત્ર એક સીટ જીતી હતી, જ્યારે આ વખતે તો સાવ સૂપડા સાફ થઈ ગયા હતા. રાજ ઠાકરેએ શિવસેના સાથે છેડો ફાડી 2006માં મહારાષ્ટ્ર નવનિર્માણ સેના નામે નવો પક્ષ રચ્યો હતો. 2009ની વિધાનસભાની ચૂંટણીમાં મનસેએ પહેલી વાર ઝંપલાવ્યું ત્યારે 13 સીટ પર જીત મેળવી હતી. ત્યારે રાજ ઠાકરેએ મરાઠી માણૂસના મુદ્દાને ચગાવીને વોટ મેળવ્યા હતા. પણ ત્યાર પછી 2014ની ચૂંટણીમાં બે ઉમેદવાર અને 2019ની ચૂંટણીમાં માત્ર એક ઉમેદવારનો વિજય થયો હતો. આમ 13માંથી શૂન્ય પર મનસે આવી ગઈ છે.
મહારાષ્ટ્ર વિધાનસભા ભૂતપૂર્વ સચિવ અનંત કલસેએ કહ્યું કે ‘રાજકીય પક્ષે માન્યતા જાળવી રાખવા કુલ મતદાનનો 8ટકા વોટશેર અને એક બેઠક અથવા 6 ટકા વોટશેર અને બે બેઠક અથવા 3 ટકા વોટશેર અથવા ઓછામાં ઓછી ત્રણ બેઠક જીતવી જરૂરી છે.’