લંડનઃ એરપોર્ટ પાર્કિંગના નામે ગ્રાહકો સાથે ૧.૪ મિલિયન પાઉન્ડની છેતરપિંડી કરનારા ૩૭ વર્ષીય અસદ મલિકને બ્રાઈટન ક્રાઉન કોર્ટે ૧૪ મહિનાની જેલની સજા કરી હતી. યુકેમાં બનેલા આ પ્રકારના પ્રથમ કેસમાં મલિક અને તેની કંપની લંડન પાર્કિંગ ગેટવિક પર એક વર્ષ કરતાં વધુ સમય સુધી છેતરપિંડી બદલ છ કાઉન્ટના આરોપ મૂકવામાં આવ્યા હતા. કોર્ટ કાર્યવાહીમાં મલિકે આરોપોનો ઈન્કાર કર્યો હતો.
મલિક વેકેશન માણવા માટે જતાં ગ્રાહકોને તેમની કારના પાર્કિંગની વ્યવસ્થાની વાત કરતો હતો. તેમને છેતરવા માટે તે ૪૦૦ માઈલ દૂર આવેલા સ્કોટલેન્ડના મેલરોઝના કાર બોર્ડર્સ જનરલ હોસ્પિટલ કાર પાર્કના ફોટા બતાવતો હતો. ગ્રાહકોને વિશ્વાસ પડે તે માટે મલિક પોતાની વેબસાઈટ પર ખોટા રિવ્યૂ પણ મૂકતો હતો. ગ્રાહકોને તો તે જગ્યાની ખબર ન હતી. તેઓ માનતા કે તેમની કાર વેલેટ ક્લિનિંગ ફેસિલીટી સાથે ૨૪ કલાક સીસીટીવીની નજર હેઠળ સલામત રહેશે. હકીકતમાં મલિક ગ્રાહકોની કાર્સ મોજશોખ માટે ફેરવતો અને પછી કીચડથી ખરડાયેલી હાલતમાં ખૂલ્લી અથવા લોક મારીને વિન્ડસ્ક્રીન પર પ્લાસ્ટિકની બેગમાં ચાવી સાથે મૂકી દેતો હતો.
કીચડવાળા ખેતરો અને મેદાનો, આઈફિલ્ડ એરિયા, પેટ્રોલ સ્ટેશનો અને વેસ્ટ સસેક્સ એરપોર્ટ નજીકની મસ્જિદ પાસે કાર છોડી દેવાતી હતી. તેણે કેટલાંક કાર માલિકોને કાર પાછી આપી જ ન હતી. એક ગ્રાહકને તેની કાર ૧૮૫ માઈલ ચાલી હોવાનું જણાયું હતું. બીજા લોકો હોલિડેથી પાછાં ફર્યાં ત્યારે તેમને અનપેઈડ પાર્કિંગ ટિકિટ્સ મળી હતી.