લંડનઃ મેયર સાદિક ખાને અક્ષમ વ્યક્તિની સાથે પ્રવાસ કરનારી કોઈ પણ વ્યક્તિ લંડન શહેરની ટ્રાન્સપોર્ટ સુવિધામાં મફત મુસાફરી કરી શકશે તેવું વચન આપ્યું છે. આ વર્ષથી રેલવેના ભાડામાં વાર્ષિક ૨.૭ ટકાનો સરેરાશ વધારો થયો છે ત્યારે લંડનની અંડરગ્રાઉન્ડ ટ્યૂબ્સ, ઓવરગ્રા્ઉન્ડ અને બસીસ સહિત આ સુવિધાનો લાભ અક્ષમ વ્યક્તિના સાથીદારને મળી શકશે.
લંડનના મેયરપદ માટે ૨૦૨૦માં ચૂંટણી યોજાવાની છે ત્યારે સાદિક ખાન લોકપ્રિયતાના મામલે ટોરી ઉમેદવાર શોન બેઈલી, લિબરલ ડેમોક્રેટ શિઓભાન બેનિતા અને ટોરી બળવાખોર રોરી સ્ટુઅર્ટથી આગળ છે. જોકે, ગત ૧૨ મહિનામાં લંડનમાં ગુનાખોરી અને ખાસ તો નાઈફ ક્રાઈમમાં ભારે વધારા પછી ખાનની લોકપ્રિયતા ઘટી છે.
મેયર ખાને જણાવ્યું હતું કે જો તેઓ ૨૦૧૦ની ચૂંટણીમાં જીતી જશે તો તેઓ ડિસેબિલિટી અને એસેસિબિલિટી જૂથો સાથે નિકટતાથી કામ કરવા અને દરખાસ્તની વિગતો ઘડવા ટ્રાન્સપોર્ટ ફોર લંડન (TfL) અને લંડનની કાઉન્સિલોને સૂચના આપશે.