લંડનઃ અક્સબ્રિજમાં બુકાનીબંધ ચોરટોળકીએ ભારતીય દંપતી હરભજન નૂરપુરી (૮૬) અને તેમની પત્ની પ્રિતમ (૮૯) પર ગંભીર હુમલો કરતા વિસ્તારમાં સનસનાટી ફેલાવા સાથે ડર વ્યાપી ગયો છે.હુમલા પછી પ્રિતમે એક રાત અને હરભજને ચાર રાત હોસ્પિટલમાં વીતાવી હતી. મારના કારણે હરભજનની ચાર પાંસળીઓને નુકસાન થયું છે. બે વર્ષમાં નૂરપુરીના ઘરમાં ચોરીના પ્રયાસની આ બીજી ઘટના છે.
૨૪ જૂનની આ ઘટનામાં રાત્રે ૯.૩૦ કલાકે બેડરુમમાં કોઈ અવાજ આવતા હરભજન તપાસ કરવા ગયા હતા. તેમને માથાથી પગ સુધી કાળા પોશાકમાં બુકાનીબંધ વ્યક્તિ જોવા મળી હતી. તેણે હરભજન પર હુમલો કર્યો તે પછી વધુ બે ચોર બારીમાં થઈ ઘરમાં આવ્યા હતા અને મારવા લાગ્યા હતા. આ હુમલો લગભગ ૧૫ મિનિટ ચાલ્યો હતો અને નૂરપુરીની ચાર પાંસળી ભાંગી ગઈ હતી. આ પછી, ૮૯ વર્ષના પ્રિતમ બેડરુમમાં આવ્યાં અને તેમણે હુમલાખોરોનો સામનો કર્યો હતો. જોકે, તેમને ટેલિવિઝન પર ફંગોળી દેવાયાં હતાં. બે હુમલાખોરોએ ઘરમાં શોધખોળ શરુ કરી અને તેમનું જ્વેલરી બોક્સ ચોરી લીધું હતું. જોકે, પ્રિતમે બોક્સ ખેંચી લઈ બેડની નીચે કાઉન્સિલ એલાર્મ વગાડી દીધું હતું. આ સાથે ચોરટોળકી નાસી છૂટી હતી. તેમનો પુત્ર હરપ્રીત કહે છે કે જો તેમણે એલાર્મ દબાવ્યું ન હોત તો માતાપિતા જીવિત ન હોત.
ભયના ઓથાર હેઠળ જીવતા દંપતી
હાલ હેઈઝમાં દીકરા હરપ્રીત સાથે રહેતાં પ્રિતમ અને હરભજન આજે પણ તેમના અક્સબ્રિજ બંગલોમાં રહેવાં જતાં ડરે છે. તેમના ઘરનું મુખ્ય બારણું પછડાયાના અવાજથી પણ તેઓ ચોંકી જાય છે. દંપતીના અન્ય પુત્ર સતનામના કહેવા મુજબ તેની માતાને ઘરમાં પણ ચારે તરફ ચોરોનો ભાસ થાય છે. દંપતી હવે હેઈઝમાં નવું કાઉન્સિલ મકાન લેવા વિચારે છે. જોકે, હરપ્રીત માતાપિતાને તેઓ ઈચ્છે ત્યાં સુધી સાથે રાખવા તૈયાર છે.
વેસ્ટ લંડનમાં ચોરીની ઘટનાઓ
વેસ્ટ લંડનમાં ચોરીની ઘટનાઓ સતત વધી રહી છે. જુલાઈ ૨૦૧૭થી જૂન ૨૦૧૯ના ગાળામાં હિલિંગ્ડનમાં ૩૬૦૦થી વધુ, ઈલિંગમાં ૪૧૦૦થી વધુ અને હન્સલોમાં ૩૩૦૦થી વધુ ચોરીની ઘટના નોંધાઈ છે. ડિટેક્ટિવ ચીફ ઈન્સ્પેક્ટર એલેક્સ બિન્ગલેના કહેવા અનુસાર વેસ્ટ એરિયા પ્રોએક્ટિવ યુનિટ ચોરીની ઘટનાઓ સામે ભારે કાર્યવાહી કરી રહ્યું હોવાથી એપ્રિલ પછી ઘટનાઓમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.