અત્યારે અને ત્યારે, જિંદગી આખી સાપેક્ષ છે

સુભાષ વી. ઠકરાર Wednesday 13th May 2020 06:25 EDT
 

થોડી પળો માટે કલ્પના કરી લો કે તમારો જન્મ વર્ષ ૧૯૦૦માં થયો છે. ઘણાને એમ લાગશે કે આ તો જીવનનો સુંદર અને તદ્દન સરળ સમયગાળો હતો. આ પછી તમારા ૧૪મા જન્મદિને પ્રથમ વિશ્વ યુદ્ધનો આરંભ થાય છે અને છેક ૧૮મા જન્મદિને તેનો અંત આવે છે. આ યુદ્ધમાં ૨૨ મિલિયન લોકો જાન ગુમાવે છે જેમાં, યુરોપની આઝાદીનું રક્ષણ કરવા સામા પગલે યુદ્ધમાં સામેલ તમારા ઘણા મિત્રોનો પણ સમાવેશ થાય છે.
આ વર્ષના ઉત્તરાર્ધમાં આ પૃથ્વી પર સ્પેનિશ ફ્લુ મહામારી ત્રાટકે છે અને તમારી ૨૦મી વર્ષગાંઠ સુધી ચાલે છે. આ બે વર્ષમાં ૫૦ મિલિયન લોકોનાં મોત થાય છે. હા, ૫૦ મિલિયન મોત.
તમારી ૨૯મી વર્ષગાંઠે મહા મંદી- ગ્રેટ ડિપ્રેશનની શરુઆત થાય છે. બેરોજગારી ૨૫ ટકાના સાતમા આસમાને પહોંચે છે, વિશ્વનું જીડીપી ૨૭ ટકાના તળિયે પહોંચે છે. અને તમે ૩૩ વર્ષના થાવ છે ત્યાં સુધી આ બધુ ચાલે છે. વિશ્વના અર્થતંત્રોની સાથે દેશ પણ લગભગ પડી ભાંગે છે. જો તમે નસીબવાન હશો તો તમારી પાસે વર્ષે ૩૦૦ ડોલર અથવા દિવસના એક ડોલરનું વેતન આપતી નોકરી હશે.
હવે તમે ૩૯ વર્ષના થાવ છો અને બીજા વિશ્વ યુદ્ધનો આરંભ થઈ જાય છે. આ તો અડધો માર્ગ કપાયો છે, હજી તો તમે ટોચ પર પહોંચ્યા જ નથી. ઊંડા શ્વાસ લેવાના પ્રયાસ પણ કરશો નહિ. જો તમે લંડન, ઈંગ્લેન્ડમાં અથવા તો મોટા ભાગના યુરોપીય ખંડમાં રહેતા હતા તો તમારી પડોશમાં બોમ્બવર્ષા થવી, ટેન્ક અને આર્ટિલરી સાથે વિદેશી સૈનિકોએ તમારા દેશ પર આક્રમણ કર્યું હોય, આ બધી તો રોજિંદી ઘટનાઓ હતી.
તમારી ૩૯મી અને ૪૫મી વર્ષગાંઠના સમયગાળામાં, ૭૫ મિલિયન લોકો યુદ્ધના ખપ્પરમાં હોમાઈ ગયા હતા.
તમે ૫૦ વર્ષના થાવ છે અને કોરિયન યુદ્દ આરંભાય છે. પાંચ મિલિયન લોકો મોત પામે છે. તમારા ૫૫મા વર્ષે વિયેટનામ યુદ્ધ શરુ થાય છે અને છેક ૨૦ વર્ષ સુધી તેનો અંત આવતો નથી. આ લોહિયાળ સંઘર્ષમાં ૪ મિલિયન લોકો મોતનો શિકાર બને છે. હવે તમે જિંદગીના ૬૨મા વર્ષના પડાવે પહોંચ્યા છો ત્યારે શીત યુદ્ધમાં મોટા વળાંક સમાન ક્યુબન મિસાઈલ કટોકટી સર્જાય છે. આપણે જે પૃથ્વીને ઓળખીએ છે તેના અસ્તિત્વનો અંત હાથવેંતમાં હતો. કેટલાક શાણા નેતાઓએ આમ થતાં અટકાવ્યું અને પૃથ્વી બચી ગઈ.
હવે આપણે વર્ષ ૨૦૨૦માં પરત આવીએ અને આપણી સામે કોવિડ-૧૯ની વિકરાળ મહામારી છે. હજારો લોકોના મોત થયા છે. આ ઘણું ખતરનાક લાગે છે ને, અને ખરેખર તે ખતરનાક જ છે!
ઉપરોક્ત વિશ્લેષણ માટે હું મારા મિત્ર સુશીલ રાડિઆનો આભારી છું. તે ઘણી બાબતોને યથાર્થ સ્વરુપમાં દર્શાવે છે. હું જાણું છું કે મારા દાદીમાનો જન્મ ૧૯૦૦ની આસપાસ થયો હતો અને તેમણે કેવા પડકારોનો સામનો કર્યો હશે તે હવે સમજાય છે.
હવે તમારી જાતને વર્તમાનમાં લાવી દો. આજે આપણે પ્રમાણમાં આરામપ્રદ અને સુખી જીવન જીવીએ છીએ. આપણી પાસે ઘણું બધું છે. આપણી પાસે ઈનોવેટિવ કોમ્યુનિકેશન એપ્સ ધરાવતા મોબાઈલ ફોન્સ છે જેના વડે આપણે પરિવાર અને મિત્રો સાથે આમનેસામને વાતચીત કરી શકીએ છીએ. હા, આપણે કોઈ ફોન બૂથમાં જવું પડતું નથી અને નબળી, અવરોધપૂર્ણ લાઈન મારફત વાત કરવાનો પ્રયત્ન કરવો પડતો નથી. હું ફોન એપ્સના ઉપયોગ થકી જાણે રુબરુ મળી રહ્યો હોઉં તેવી લાગણીથી મિત્રો સાથે સવારની કોફી અને ડ્રિન્ક્સની મહેફિલ માણી છે, પરિવાર સાથે મળી પ્રાર્થનાઓ કરી છે. મેં ઘણા વેબિનાર્સમાં હાજરી આપી છે, અન્યથા આવા લેક્ચરમાં હાજરી આપવા મારે એક કલાકથી વધુ મુસાફરી કરવી પડી હોત.
તમારી આરોગ્ય સમસ્યાઓના નિરાકરણ માટે તમે તમારા GPને વીડિયો કોલ કરવાનું સમજાવી શકો તેવી કલ્પના પણ કદી કરી હતી? હવે આભાર માનો કોવિડ-૧૯નો, જેના લીધે તેઓ ખુશીથી આમ કરવા તૈયાર થઈ જાય છે. તમે પેશન્ટ એક્સેસ (Patient Access) અને NHS હેલ્થ નાઉ એપ્સ મારફત દવાઓના ઓર્ડર્સ આપી શકો છો. આ બધી એપ્સ ખરેખર ડાઉનલોડ કરવા જેવી છે કારણકે તેનાથી તમને અગણિત આધારભૂત મેડિકલ ઈન્ફોર્મેશન મળી શકે છે.
આપણે ગ્રોસરીઝ માટે ઓનલાઈન ઓર્ડર આપી તેની ડિલિવરી પણ મેળવી શકીએ છીએ.
આપણા મનોરંજન માટે સોશિયલ મીડિયા, વિવિધ સ્ટ્રીમિંગ કંપનીઓ દ્વારા રજૂ કરાતી ઢગલાબંધ ટીવી અને ફિલ્મ ચેનલ્સ સતત હાજર છે. હું તમને સાવન- Sawaan ફિલ્મ અવશ્ય જોવાની ભલામણ કરું છું જે, આપણે કેટલા નસીબવંતા છીએ તેનું તાદૃશ્ય સ્મરણ કરાવે છે. આપણી સમક્ષના આટલા બધા પડકારો છતાં, આપણે ૧૦૦ વર્ષ અગાઉનું જીવન નહિ, વર્તમાનમાં જ જીવવાનું પસંદ કરત! આપણે જે સમયમાં છીએ તે બદલ આપણે દિલથી ઈશ્વરનો આભાર માનીએ.
(લેખક સુભાષ ઠકરાર B com FCA FRSA, લંડન ચેમ્બર ઓફ કોમર્સના વાઈસ પ્રેસિડેન્ટ અને પૂર્વ ચેરમેન છે. તેઓ ચેરિટી ક્લેરિટી (www.charityclarity.org.uk) સંસ્થાના સ્થાપક ચેરમેન પણ છે.)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter