ઘણા લાંબા સમયથી લોહાણા કોમ્યુનિટીના અનેક સભ્યો તેમજ વ્યાપકપણે બ્રિટિશ ભારતીય સમુદાયની એવી લાગણી રહી હતી કે આપણે યુકેમાં ખુદને પ્રસ્થાપિત કરવામાં અદ્ભૂત સફળતા હાંસલ કરી હોવાં છતાં, ઘરઆંગણે કેટલાંક મુદ્દાઓ એટલે કે આપણા વયોવૃદ્ધ વડીલોની વસ્તીને સ્પર્શતી સમસ્યાઓનું નિરાકરણ કરી શક્યા નથી.
યુકેમાં અને બ્રિટિશ ભારતીય સમુદાયના લોકો અગાઉની સરખામણીએ વધુ સારું આયુષ્ય ધરાવતા થયા છે અને પરિણામે, તેમની સમક્ષ પડકારો અને સમસ્યાઓ પણ વધ્યાં છે. કોમ્યુનિટીના ઘણા સભ્યોની લાગણી એવી છે કે આના માટે આપણી તૈયારીઓ અપૂરતી છે. લોહાણા કોમ્યુનિટીમાં આ પડકારનો સામનો કરવામાં મદદ મળે તે માટે ચંદુભાઈ રુઘાણી (લોહાણા સોશિયલ સેન્ટરના અધ્યક્ષ) અને મેં આપણા વયોવૃદ્ધ સભ્યો-વડીલોની સેવા કરવા માટે એક કોમ્યુનિટી તરીકે સજ્જ થવા કયા પ્રકારના પગલાં લઈ શકાય તે તપાસવા લોર્ડ ડોલર પોપટને આ સંદર્ભે સઘન રિપોર્ટ તૈયાર કરવાની વિશેષ કામગીરી સુપરત કરી હતી.
આમ તો રિપોર્ટ તૈયાર કરવાની કામગીરી આ વર્ષની શરૂઆતમાં કોવિડ-૧૯ રોગચાળો ફાટી નીકળ્યો તે પહેલા સુપરત કરાઈ હતી પરંતુ, આ મહામારીએ આપણા વૃદ્ધ વડીલોને વધુ સારી રીતે સેવા કરવાની તાકીદ-ઉતાવળને ઉજાગર કરવા સાથે ઝડપથી કામગીરી કરવાના નિર્ધારને મજબૂત બનાવ્યો છે.
કોવિડ-૧૯ના કારણે નજરઅંદાજ કરાયેલી ઘણી નબળાઈઓ બહાર આવી છે તેમજ એકલતા, અસુરક્ષા, ખરાબ આરોગ્ય મુદ્દે વર્તાવ અને લોકડાઉન દરમિયાન આપણા સ્વજનો સાથે સંપર્ક જાળવી રાખવામાં આવશ્યક બની ગયેલી આધુનિક ટેકનોલોજીને અપનાવવા સહિતના ઘણા મુદ્દાઓના નિવારણમાં આપણી નિષ્ફળતા નજર સમક્ષ આવી છે.
લોર્ડ પોપટે આ રિપોર્ટના સંપાદનમાં કોઈ કસર બાકી રાખી નથી, જેના કમ્પોઝિંગમાં જ એક વર્ષથી વધુ સમય લાગી ગયો છે. તેમણે ૧૨૦થી વધુ વ્યક્તિઓ તથા જ્યુઈશ અને ઈસ્માઈલી કોમ્યુનિટીઓ સહિતની સંસ્થાઓ પાસેથી માહિતી- પુરાવાઓ મેળવ્યા હતા. ગત સપ્તાહે જ પ્રકાશિત થયેલા આ રિપોર્ટનું ટાઈટલ ‘An Ageing Population in the Lohana Community (એન એજિંગ પોપ્યુલેશન ઈન ધ લોહાણા કોમ્યુનિટી)’ છે અને એક કોમ્યુનિટી તરીકે અમે આ રિપોર્ટ યુકેમાં તમામ લોહાણા પરિવારો તેમજ વિશ્વભરમાં લોહાણા મહાજનોને પોસ્ટ મારફત મોકલી આપીશું. વિસ્તૃત અભ્યાસ-સંશોધન સાથે તૈયાર કરાયેલા આ રિપોર્ટમાં સભ્યોની વિચારણા અર્થે મહત્ત્વની ભલામણો કરવામાં આવી છે. આ રિપોર્ટનો હેતુ કોમ્યુનિટી પર ભલામણો લાદવાનો કે દબાવ લાવવાનો હરગિજ નથી પરંતુ, કોમ્યુનિટીમાં વૃદ્ધાવસ્થા તરફ આગળ વધી રહેલી વસ્તીની અસરોનો ઉપાય કરવા સાથે મળીને કેવી રીતે કામ કરી શકાય તે વિશે ચર્ચાની શરૂઆત કરવાનો છે. આ રિપોર્ટને અભૂતપૂર્વ પ્રતિસાદ સાંપડ્યો છે. વિશેષતઃ આપણે જેના વિશે વાત કરતા ગભરાઈએ છીએ અથવા સંકોચ રાખીએ છીએ તે એકલતા જેવા મુદ્દાઓના સંદર્ભે આ રિપોર્ટને પ્રાપ્ત પ્રતિસાદ ખરેખર નોંધપાત્ર છે.
આ રિપોર્ટ દ્વારા સંકલિત સંશોધનના તારણો જણાવે છે કે ૬૫ વર્ષ અને તેથી વધુ વયજૂથના લોકોની સંખ્યાનું પ્રમાણ ઘણું વધારે છે અને વર્ષ ૨૦૪૦ સુધીમાં ૬૫ વર્ષ અને વધુ વયના લોકોની સંખ્યામાં ૪૦ ટકાથી પણ વધુ વધારો થઈ જશે. માત્ર ૧૦ વર્ષના ગાળામાં ડીમેન્શિયા જેવી સ્થિતિઓમાં ૮૦ ટકા જેટલો ભારે વધારો થઈ જશે. આ સુગઠિત રિપોર્ટમાં વૃદ્ધાવસ્થા તરફના અભિગમો, તબીબી સંભાળ પરના દબાણો, લૈંગિક અસમાનતા, નાણાકીય અને વારસા સંબંધિત આયોજન અને તેને મજબૂત બનાવવા સહિતના અનેક મહત્ત્વના વિષયોને આવરી લેવાયા છે.
લોર્ડ પોપટ પોતાના રિપોર્ટમાં નોંધે છે કે, ‘વૃદ્ધ થતી વસ્તી બાબતે ચર્ચા શરૂ કરવી તે વિસ્ફોટક સુરંગક્ષેત્રમાં પ્રવેશવા સમાન છે જે, એક તરફ, અંગૂલિનિર્દેશ કરીને ઉપદેશ કરવા તથા બીજી તરફ, કોઈ પણ પડકાર ઉઠાવવાના ઈનકારના ગમે નહિ તે પ્રકારનાં સંમિશ્રણમાં સહેલાઈથી બદલાઈ જાય છે.’ આમ છતાં, કોવિડ-૧૯ના લીધે આપણને સહુને અત્યારે જ પડકાર ઉઠાવી લેવા અને આપણે સારી રીતે સજ્જ રહીએ તેની ચોકસાઈ રાખવાની તક સાંપડી છે.
જોકે, સૌથી મહત્ત્વપૂર્ણ નોંધવાલાયક મુદ્દો એ છે કે વસ્તીમાં વયવૃદ્ધિના પડકારો એક માત્ર લોહાણા કોમ્યુનિટીને જ સંબંધિત અસામાન્ય પ્રશ્ન નથી પરંતુ, તમામ બ્રિટિશ ભારતીય સમુદાયોને તે સ્પર્શે છે. રિપોર્ટની મોટા ભાગની ભલામણો મોટા ભાગની કોમ્યુનિટીઓને સુસંગત છે. આથી, હું આશા રાખું છુ કે વૃદ્ધાવસ્થા સંબંધિત આ સમસ્યાના નિરાકરણ માટે આપણે બધા સાથે મળીને આ યાત્રામાં આગળ વધી શકીએ અને આ પહેલમાં જોડાવા અન્ય કોમ્યુનિટી અગ્રણીઓને અમે આમંત્રિત કરીએ છીએ.
એક વખત યુકેમાં પરિસ્થિતિ થાળે પડી જાય અને બેઠક યોજવી સલામત બને ત્યારે લોહાણા કોમ્યુનિટી આ રિપોર્ટની ભલામણો અને તેની અસરો વિશે ચર્ચા કરવા વિશેષ બેઠકનું આયોજન કરશે. રિપોર્ટની મહત્ત્વની ભલામણોમાં વૃદ્ધ વડીલોને ઝૂમ, માઈક્રોસોફ્ટ ટીમ્સ અને વોટ્સએપ સહિત નવી ટેકનોલોજીના ઉપયોગની તાલીમ આપવી, એકલા પડેલા લોકો માટે હોટલાઈન સ્થાપવી અને કોમ્યુનિટી આધારિત કેર અને રિટાયરમેન્ટ સેન્ટર્સની સ્થાપના કરવાનો સમાવેશ થાય છે. વડીલો માટે તાલીમ અને લોનલીનેસ હેલ્પલાઈન સ્થાપવા જેવી ભલામણોનાં સંદર્ભે અમે તેના અમલના વિચારમત સાથે ચર્ચાઓ પણ આરંભી દીધી છે. અન્ય કોમ્યુનિટીઓ સાથે વૃદ્ધાવસ્થા બાબતે ચર્ચા શરુ કરવા માટે આ મહત્ત્વનું પગલું બની રહેશે તેવી આશા છે.
આ દરમિયાન, જો કોઈને આ રિપોર્ટની હાર્ડ કોપી વાંચવા માટે જોઈતી હોય અથવા કોમ્યુનિટીના અગ્રણીઓ આ રિપોર્ટ તેમના સભ્યોને મોકલવામાં રસ ધરાવતા હોય તો મહેરબાની કરી [email protected] પર ઈમેઈલ કરશો. આપને જોઈતી નકલો પોસ્ટ મારફત મોકલવાની વ્યવસ્થા કરી શકાશે.
હું આ પ્રસંગે લોર્ડ પોપટનો આભાર માનવાની તક ઝડપી લઉં છું જેમણે આ રિપોર્ટ તૈયાર કરવામાં અમૂલ્ય સમય આપ્યો છે. આ રિપોર્ટ માત્ર આપણી કોમ્યુનિટી માટે જ નહિ, વ્યાપક બ્રિટિશ ભારતીય સમુદાય માટે ચાવીરુપ સીમાચિહ્ન બની રહેશે અને આપણા વૃદ્ધ વડીલોની વધતી વસ્તીના પ્રશ્નો હલ કરવા આપણે કેવી રીતે સારી તૈયારી કરી શકીએ તેનું માર્ગદર્શન મળી રહેશે. રિપોર્ટમાં ઘણા રસપ્રદ તારણોને સ્થાન અપાયું છે અને હું આપ સહુને તે બરાબર વાંચી જવાની ભલામણ કરું છું.
(લેખકો યતીનભાઈ દાવડા લોહાણા કોમ્યુનિટી નોર્થ લંડનના પ્રેસિડેન્ટ છે અને ચંદુભાઈ રુઘાણી લોહાણા સોશિયલ ક્લબ- સીનિયર મેન્સના ચેરમેન છે.)