સરોદવાદક ઉસ્તાદ અમજદ અલી ખાનનું નામ દેશ વિદેશમાં મશહૂર છે અને તેમને સાંભળવા વિશ્વભરના સંગીત પ્રેમીઓ આતુર રહેતા હોય છે. જે લોકો તેમના વિષે જાણતા હશે તેમને ખબર હશે કે તેઓ માત્ર સંગીતકાર જ નહિ પરંતુ લેખક પણ છે. તેઓએ શનિવારે, ૨૫ મે ના દિવસે લંડન સ્થિત નહેરુ કલ્ચરલ સેન્ટર ખાતે પોતાના નવા પુસ્તક 'માસ્ટર ઓન માસ્ટર્સ' નું અનાવરણ કર્યું અને તેના પર પ્રસિદ્ધ બ્રિટિશ ઓર્કેસ્ટ્રા કંડક્ટર ડો. ડેવિડ મર્ફી સાથે વાર્તાલાપ કર્યો.
કાર્યક્રમની શરૂઆત ભારતના હાઈ કમિશ્નર શ્રીમતી રુચિ ઘનશ્યામ અને ઉસ્તાદ અમજદ અલી ખાન દ્વારા દીપ પ્રાગટ્યથી કરવામાં આવી. ત્યારબાદ શ્રીમતી ઘનશ્યામે ઉસ્તાદ અને તેના પરિવારજનો, ડો. મર્ફી તથા ઉપસ્થિત મહેમાનોને સંબોધતા કહ્યું કે ઉસ્તાદ અમજદ અલી ખાન જેવા મોટા ગજાના કલાકારોના કાર્યક્રમો યોજવાથી નહેરુ સેન્ટરનું અસ્તિત્વ સાર્થક થાય છે. તેમના સંબોધન બાદ ઉસ્તાદના પુસ્તક વિશે એક નાની ડોક્યુમેન્ટરી ફિલ્મ બતાવવામાં આવી.
ઉસ્તાદ અને ડોક્ટર ડેવિડ મર્ફી વચ્ચે થયેલ પરિસંવાદ દરમિયાન ડો. મર્ફીએ પુસ્તકમાંથી થોડા અંશનું વાંચન કર્યું અને પોતાને ઉસ્તાદ સાથે કામ કરવાની તક મળી તેના અનુભવો અંગે પણ જણાવ્યુ. પરિસંવાદ દરમિયાન ઉસ્તાદે અનેક સંગીતકારો સાથેના પોતાના રસપ્રદ કિસ્સાઓનું વર્ણન પણ કર્યું. શ્રોતાઓને ઉસ્તાદ સાથે પ્રશ્નોત્તર કરવાની તક મળી પરંતુ ખરો આનંદ તો ત્યારે આવ્યો જયારે ઉસ્તાદ પાસેથી એકાદ તરાના અને મેલોડી સાંભળવાની તક મળી ગઈ. ભારતીય સંગીતમાં ઓસરતી જતી ગુરુ-શિષ્ય પરંપરા અંગે ચિંતા જતાવતા ઉસ્તાદે દુખ વ્યક્ત કર્યું. તેમણે ભાષાને માનવ સંબંધોમાં વિઘ્નકારક ગણાવી કહ્યું કે સ્વર સંગીત છે અને તે સૌને જોડી શકે છે પરંતુ ભાષા અંતરાય ઊભો કરે છે. એટલા માટે જ કહેવાય છે કે સ્વર જ ઈશ્વર છે.
કાર્યક્રમ દરમિયાન જ્યારે ઉસ્તાદને પૂછવામાં આવ્યું કે શા માટે તેઓએ બાર કલાકારોની પસંદગી કરી? તો જવાબમાં ઉસ્તાદે જણાવેલું કે એ બારેય સંગીત સાધકોને તેમણે ખૂબ નજીકથી અને આત્મીયતાથી જાણેલા તથા તેમની સાથે વ્યક્તિગત અને પારિવારિક ઘનિષ્ઠ સંબંધ કેળવાયો હોવાથી તેઓએ પુસ્તકમાં અંગત ટિપ્પણીઓ અને પ્રસંગો પણ લખ્યા છે જે વાંચકો માટે રસપ્રદ બની રહેશે. પુસ્તકમાં બડે ગુલામ અલી ખાન, આમિર ખાન, બેગમ અખ્તર, અલા રખા, કેસરબાઈ કેરકર, કુમાર ગંધર્વ, એમ.એસ. સુબ્બુલક્ષ્મી, ભીમસેન જોશી, બિસ્મિલ્લાહ ખાન, રવિ શંકર, વિલાયત ખાન અને કિશન મહારાજ જેવા સંગીતકારો વિષે લેખકે વર્ણન કર્યું છે.
પદ્મવિભૂષણ પારિતોષિકથી સન્માનિત ભારતના મશહૂર સરોદવાદક ઉસ્તાદ અમજદ અલી ખાનની લોકપ્રિયતાએ ભૌગોલિક, રાજકીય અને સમયની સરહદોને ઓળંગી છે. તેમણે દેશ-વિદેશમાં અનેક સ્થળોએ મનોહર સરોદ વાદન કરીને લોકોને સરોદનું ઘેલુ લગાડ્યું છે. સાચું કહીએ તો સરોદને વિશ્વના ખૂણે ખૂણે પ્રસિદ્ધ કરવામાં અને તેને વાજિંત્ર તરીકે આટલી મોટી ઓળખ અપાવવામાં ઉસ્તાદ અમજદ અલી ખાનનો મોટો ફાળો છે. આવી વિભૂતિને સાંભળવાનો અને તેમના પુસ્તક વિષે જાણવાનો પ્રસંગ એક લ્હાવો બની રહ્યો. (અભિવ્યક્ત મંતવ્યો લેખકના અંગત છે.)
(આઇએફએસ અધિકારી શ્રી રોહિતભાઇ વઢવાણા ભારતીય હાઇ કમિશનમાં ફર્સ્ટ સેક્રેટરી (ઇકોનોમી) તરીકે કાર્યભાર સંભાળે છે.
બ્રિટન સ્થિત ભારતીય હાઇ કમિશનમાં લાંબા અરસા બાદ શ્રી રોહિતભાઇ જેવા પ્રતિભાશાળી ગુજરાતી અધિકારીની નિમણૂક કરવામાં આવી છે.
તેઓ અનુભવી ડિપ્લોમેટ હોવા ઉપરાંત કટારલેખક તરીકે પણ આગવી ઓળખ ધરાવે છે.)