લંડનઃ અનૂપમ મિશનના ઈન્ટરનેશનલ પ્રેસિડેન્ટ સતીષભાઈ ચટવાણી શરૂઆતથી જ ઓમ ક્રીમેટોરિયમ પ્રોજેક્ટનું વડપણ સંભાળતા આવ્યા છે. તેમણે પ્લાનિંગ શરતો પહેલાની વ્યવસ્થા, ગત બે વર્ષ દરમિયાન ઉભા થયેલા મુખ્ય બે અવરોધોનો સામનો કરવા સહિત ક્રીમેટોરિયમ સંબંધિત સ્પષ્ટ, મુદ્દાસર અને સંક્ષિપ્ત વિગતો આપી હતી જેમાં ક્રીમેટોરિયમ માટે પૂરતી ક્ષમતાના સબસ્ટેશન મેળવવાનો સમાવેશ થયો હતો. મળેલા ક્વોટેશન્સ મિલિયન્સમાં હોવાથી યોગ્ય ન હતા. અનૂપમ મિશનના સભ્ય જતીનભાઈ પટેલના 18 મહિનાના પ્રયાસ પછી 600,000 પાઉન્ડનું ક્વોટ મેળવી શકાયું હતું જેના પરિણામે પ્રોજ્ક્ટ ફરી એક વખત વ્યવહારક્ષમ બની શક્યો હતો.
બીજો અવરોધ પ્રવેશ પડોશીની ગ્રીન બેલ્ટ ભૂમિમાં થઈ જતો હોવાથી પહોંચની સુવિધા માટે આવશ્યક પરવાનગીઓ વિશેનો હતો. આ મુદ્દો કાનૂની કાર્યવાહીમાં ગયા પછી ફેબ્રુઆરી 2024માં મધ્યસ્થી કાર્ય થયું હતું. મધ્યસ્થી સફળ રહી પરંતુ, કમનસીબે સંકળાયેલી પાર્ટીએ તેનો અમલ કર્યો નહિ.
મહિનાઓની વાટાઘાટો પછી, ઓગસ્ટના પૂર્વાર્ધમાં એગ્રીમેન્ટ પર સહીઓ થઈ હતી અને ઓમ ક્રીમેટોરિયમ માટે ફેન્ટોન્સ દ્વારા આખરે 12 ઓગસ્ટ 2024થી ગ્રાઉન્ડવર્ક્સ શરૂ કરવામાં આવ્યું હતું. બિલ્ડિંગનું વાસ્તવિક બાંધકામ જાન્યુઆરી 2025થી શરૂ કરાય તેવો પ્રસ્તાવ છે અને ઓગસ્ટ 2025 સુધીમાં સંપૂર્ણ માળખું તૈયાર કરી દેવાય તેવા પ્રયાસો કરાશે.
તેમણે સ્પષ્ટતા કરી હતી કે આરંભથી જ ગુરુહરિ સાહેબજીની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળનો અનૂપમ મિશનનો આ પ્રોજેક્ટ કોમ્યુનિટીની મદદ સાથે જ પરિપૂર્ણ કરી શકાશે. તેમણે ભંડોળની જરૂરિયાત અને વર્તમાન ભંડોળ કેવી રીતે અનૂપમ મિશન પાસે રિસ્ટ્રિક્ટેડ ફંડ્સની કેટેગરી હેઠળ રાખવામાં આવ્યું છે જેથી તે અનૂપમ મિશનના પોતાના ભંડોળથી અલગ જ રહે તેવી ચોકસાઈ રખાઈ હોવાની સ્પષ્ટતા પણ કરી હતી. તેમણે પ્રક્રિયાઓ પર દેખરેખ રાખવા અને સલાહ આપવા માટે કોમ્યુનિટીના ઉચ્ચ પ્રભાવશાળી અને આદરણીય સભ્યોની બનાવાયેલી એડવાઈઝરી કમિટીના દરેક સભ્યોને આ વિશે માહિતી આપી હતી.
એડવાઈઝરી કમિટીના સભ્યોમાં તુષારભાઈ મોરઝારીઆ (બાર્કલેઝના પૂર્વ ગ્રૂપ ફાઈનાન્સ ડાયરેક્ટર અને હાલમાં BPના સ્વતંત્ર નોન-એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર તથા Legal & Generalના નોન-એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર), સુનિલ શેઠ (Fladgate LLP ના પૂર્વ પાર્ટનર), શિલ્પાબહેન છેડા (ACA FCCA, અને KLSA ના પાર્ટનર), રાજશ્રી ગોકુલ (બિઝનેસ વુમન) તેમજ અનૂપમ મિશનના બે પ્રતિનિધિઓ સતીષભાઈ ચટવાણી અને ભાવિશાબહેન ટેલરનો સમાવેશ થાય છે.
સતીષભાઈએ લોર્ડ ગઢીઆનો લેખિત સંદેશો વાંચી સંભળાવ્યો હતો જેમાં આ પ્રોજેક્ટને ચીલો ચાતરનારો જણાવી ખુલ્લાપણા અને પારદર્શિતાની હાકલ પર ભાર રખાયો હતો. લોર્ડ પોપટના વીડિયો સંદેશાને પણ દર્શાવાયો હતો જેમાં આ પ્રોજેક્ટની ભારે પ્રશંસા કરવામાં આવી હતી. વાસ્તવમાં આ વિચાર તેમને જ સ્ફૂર્યો હતો.
અનૂપમ મિશનમાં પૂર્ણકાલીન સ્વયંસેવકભાવિશાબહેન ટેલરે આ ઈવેન્ટની ઉદ્ઘોષિકાની કામગીરી સંભાળવા સાથે ઓમ ક્રીમેટોરિયમ માટે મેળવાયેલા પ્લાનિંગ નિર્ણયના લેન્ડસ્કેપિંગ હિસ્સા પર રજૂઆત કરી હતી. આમ કરવા સાથે સ્થાનિક ઈકોલોજીને સપોર્ટ કરવા, કાર્બન ફૂટપ્રિન્ટ ઘટાડવા અને શાંતિપૂર્ણ અભયારણ્ય રચવા માટે વૃક્ષ અભિયાન ઈનિશિયેટિવ તરતું મૂકાયું હતું. આ અભિયાનને ટેકો આપવા 250 વૃક્ષ અને 2500 છોડવાને રોપવામાં આવશે. દરેક વૃક્ષ માટે 2501 પાઉન્ડ અને પ્રત્યેક છોડ માટે 251 પાઉન્ડનું દાન મેળવવામાં આવશે. વૃક્ષદાતાઓ માટે એક તક્તી બનાવાશે જેમાં તેમની પસંદગીના સમર્પણના શબ્દો સાથે વૃક્ષ પર તક્તી લગાવાશે. છોડવાના દાતાઓના નામ ડોનર્સ વોલ પર મૂકવામાં આવશે. આ અભિયાનની જાહેરાત સાથે જ ઓડિયન્સના સભ્યોએ કુલ 25 વૃક્ષ અને 35 છોડવા માટે દાનની ખાતરી ઉચ્ચારી તત્કાળ સપોર્ટ જાહેર કર્યો હતો.
આ ઈવેન્ટ દરમિયાન, આ વર્ષે ભંડોળ એકત્ર કરવા ઈવેન્ટ યોજનારા એશિયન ફાઉન્ડેશન ઓફ હેલ્થ અને લાયન્સ ક્લબ કિંગ્સબરીના સભ્યોએ ઓમ ક્રીમેટોરિયમ માટે અનુપમ મિશનને 171,000પાઉન્ડનું દાન આપ્યું હતું. તેમના પ્રચંડ પ્રયાસ બદલ સંસ્થાઓ પ્રતિ આભાર વ્યક્ત કરાયો હતો.
માનનીય વક્તાઓએ હિન્દુ એકતાની હાકલ કરી પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા જેમાં, સુભાષભાઈ ઠકરાર (CA, બ્લેકસ્ટોન ફ્રાન્ક્સના પૂર્વ મેનેજિંગ પાર્ટનર, એશિયન બિઝનેસ એસોસિયેશનના સ્થાપક અને WHEFના સભ્ય), કૃષ્ણ સંજય દાસ (ઈસ્કોનના ભક્તિવેદાંત મેનોરના 1995થી 2020 સુધી ટ્રસ્ટી અને વર્તમાનમાં હિન્દુ કોમ્યુનિટીઓ અને બાહ્ય સંબંધોમાં ભક્તિવેદાંત મેનોરના પ્રતિનિધિ), નીતિનભાઈ પલાણ (પલાણ ફાઉન્ડેશનના સ્થાપક અને BAPSના પૂર્વ ટ્રસ્ટી), શૌનક રિશિ દાસ (ઓક્સફર્ડ સેન્ટર ફોર હિન્દુ સ્ટડીઝ (OCHS)ના સ્થાપક અને ડાયરેક્ટર)નો સમાવેશ થયો હતો.
સુભાષભાઈ ઠકરારે મંદિરો દ્વારા કરાયેલા અમૂલ્ય કાર્યોની સરાહના કરી હતી પરંતુ, એક અવાજ પર ધ્યાન કેન્દ્રિત કરવા જણાવ્યું હતું. તેમણે આ કાર્યમાં સૌપ્રથમ પહેલ કરનારામાં વર્લ્ડ હિન્દુ ઈકોનોમિક ફોરમ અને ઓક્સફર્ડ સેન્ટર ફોર હિન્દુ સ્ટડીઝની વાત કરી હતી. પ્રથમ સંસ્થા હિન્દુઓ માટે સંપત્તિનું સર્જન કરવા અને તે પછી આ સંપત્તિને કોમ્યુનિટીના કલ્યાણ માટે સહભાગી બનાવવાનો હેતુ ધરાવે છે. તેમણે કહ્યું હતું કે OCHS તમામ હિન્દુઓ માટે મૂલ્યવૃદ્ધિ કરે છે અને તેથી તેનું સમર્થન કરવું જોઈએ.
કૃષ્ણ સંજય દાસજીએ પૂજ્ય સાહેબજી અને અનૂપમ મિશન પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા સાથે જણાવ્યું હતું કે,‘ આપણે સહુ અનૂપમ મિશનના ઋણી છીએ. તેમણે મહાન નાણાકીય બલિદાન આપ્યું છે અને કોમ્યુનિટીના કલ્યાણ અને લાભાર્થે પોતાની સુવિધાઓનું બલિદાન આપ્યું છે. આ યોગદાન ખરેખર એકતાનું મહાન કાર્ય છે.’ તેમણે પોતાના જ ધર્મને પુનઃ જાણવા, ઓળખવા તેમજ એકતા માટે અતિ આવશ્યક સમજણ કેળવવાની આ પ્રક્રિયામાં ધાર્મિક શિક્ષણના મહત્ત્વ વિશે પણ જણાવ્યું હતું.
નીતિનભાઈ પલાણે પૂજ્ય સાહેબજી પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા સાથે તેમના પોતાના ગુરુ બ્રહ્મસ્વરૂપ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ દ્વારા સનાતની ધર્મનું પાલન કરનારાઓ એકસંપ થઈને રહે તેની તાકીદની જરૂરિયાત હોવા પર ભાર મૂકાયો હોવાનું જણાવ્યું હતું. આ સ્પષ્ટ આવશ્યકતાના પરિણામસ્વરૂપ છ મહિના અગાઉ સ્વતંત્ર ગ્રૂપ – એક્શન ફોર હાર્મનીની રચના થઈ હતી જેના મારફત વિવિધ ઈવેન્ટ્સ યોજાય છે અને હિન્દુત્વ વિશે લોકોને શિક્ષિત કરવા અને જાગૃતિ કેળવવા દર વર્ષે ઈવેન્ટ્સ યોજાતા રહેશે. તેમણે આપણા શાસ્ત્રો અને આધ્યાત્મિક ગુરુઓના ઉપદેશોને સુસંગત રહી કાર્યો કરવાની અને પ્રચાર-પસાર કરવાની જરૂર પર ભાર મૂક્યો હતો.
શ્રી શૌનક રિશિ દાસજીએ મર્મસ્પર્શી સંદેશાઓ આપ્યા હતા. તેમણે કહ્યું હતું કે,‘ હિન્દુ કોમ્યુનિટી તરીકે ઓળખ પ્રસ્થાપિત કરવા આપણે સહુએ જેના વિશે બધા જ સહમત થઈ શકે તેની સાથે ઓળખ સર્જવી જોઈએ.’ તેમણે સાદી ભાષામાં છ વ્યાપક સિદ્ધાંતો રજૂ કર્યા હતાઃ સમદર્શનાહ- સમાન દૃષ્ટિ, અહિંસા - કોઈને નુકસાન ન કરવું, આચાર્ય- જેનો ઉપદેશ કરે છે તેનું આચરણ કરવું, અમાનિત્વ- નમ્રતા, પ્રીતિ- ઈશ્વર પ્રત્યે પ્રેમથી કાર્ય કરવું. આની મારફત તેમણે આપણે કેવી રીતે વ્યવહારુપણા સાથે આને જીવનમાં ઉતારી શકીએ જેના પરિણામો થકી રાષ્ટ્રીય સ્તરે પણ સંકલન સાધી શકાય તેનું સુંદર ચિત્રણ કર્યું હતું.
ગુરુહરિ પરમ પૂજ્ય સાહેબજીએ આશીર્વાદ આપવા સાથે હિન્દુ કોમ્યુનિટીમાં એકતાની જરૂરિયાત હોવા વિશે જણાવ્યું હતું. તેમણે દરેક વ્યક્તિને યાદ અપાવી હતી કે આપણે કોઈ પણ સંપ્રદાય કે પંથ સાથે સંકળાયા હોઈએ તે પહેલા આપણે તો પ્રથમ હિન્દુ જ છીએ. તેમણે પરોપકારી વ્યક્તિઓના ઉદાર યોગદાનોની પ્રશંસા કરવા સાથે પ્રત્યેક નાનું અથવા મોટું યોગદાન હોવાં છતાં તેના મહત્ત્વ હોવાં વિશે પણ જણાવ્યું હતું. તેમણે હિન્દુઓ કેવી રીતે સાથે મળીને કામ કરી શકે તેના માર્ગો વિશે પણ જણાવ્યું હતું અને યુવા પેઢીઓને મદદરૂપ બની રહેવા નિવૃત્ત પ્રોફેશનલ્સને હાકલ કરી હતી. ઉપસ્થિત લોકોના મહાન કાર્યોની પ્રશંસા કરવા સાથે તેમણે આ કાર્યો આગળ વધારવા અને એકસંપ હિન્દુ પ્રયાસ માટે કામ કરવાનો અનુરોધ કર્યો હતો જેમાં ઓમ ક્રીમેટોરિયમ એકસંપ હેતુનું પ્રથમ પ્રતીક છે.
અનુપમ મિશન હિન્દુ ધર્મને અને વિશેષતઃ સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર શ્રી અક્ષર પુરુષોત્તમ ફીલોસોફી આગળ વધારવાના હેતુ સાથેની રજિસ્ટર્ડ ચેરિટી છે.
----------------------------------
• યુકેમાં હિન્દુ, શીખ અને જૈન વસ્તી માટે ખાસ હેતુસર નિર્મિત સૌપ્રથમ ઓમ ક્રીમેટોરિયમના અપડેટ સાથે હિન્દુ એકતા વિશે ચર્ચા કરાઈ
• પ્લાનિંગ કમિશનને જાણ કરાયા પછી ગત બે વર્ષમાં અવરોધોનો સામનો કરાયા પછી ઓગસ્ટ 2024માં બાંધકામ માટે સૂચિત ટાઈમસ્કેલ્સ અપાયા હતા.
• લેન્ડસ્કેપિંગ માટે અભિયાન લોન્ચ કરાયું.
• અનૂપમ મિશનના આધ્યાત્મિક વડા પરમ પૂજ્ય સાહેબજી અને કોમ્યુનિટીના ચાર અગ્રણીઓ દ્વારા સંબોધનોમાં હિન્દુ એકતાની હાકલઃ પરમ પૂજ્ય સાહેબજીના આશીર્વાદ સાથે કાર્યક્રમનું સમાપન
• વિવિધ હિન્દુ મંદિરો અને સંસ્થા-સંગઠનોના વડા અને પ્રતિનિધિઓ, બિઝનેસમેન્સ તેમજ હિન્દુ કોમ્યુનિટીના વિવિધ વર્ગોનું પ્રતિનિધિત્વ કરતા શુભેચ્છકો ઈવેન્ટમાં ઉપસ્થિત રહ્યા.