ગત વીકેન્ડમાં જોર્જી વાવાઝોડાએ જોરદાર પવન અને હીમવર્ષા સાથે બ્રિટન સહિત પાટનગર લંડનને પણ ઠંડુગાર બનાવ્યું હતું. ૧લી માર્ચ, રવિવારે આવી કડકડતી ઠંડીમાં પણ સાઉથ હેરોના મુખ્યમાર્ગ પર ટ્રાફીક ચક્કાજામ હતો. કારણ !! એક મહામના આત્માને અંજલિ આપતો કાર્યક્રમ સાઉથ હેરોના લોહાણા ધામેચા સેન્ટર ખાતે યોજાયો હતો એમાં હાજરી આપવા લંડન અને લંડન બહારથી અગ્રગણ્ય ભારતીયો, ગુજરાતીઓ ખાસ કરીને લોહાણા સમાજ ઉમટ્યો હતો. આવતા ત્રણેક મહિનામાં ૧૦૦ પૂરાં કરનાર શ્રી હનુમાનજીના પરમભક્ત પૂ.રામબાપા પણ પ્રાર્થનાસભામાં ઉપસ્થિત રહ્યા હતા.
ધામેચા પરિવારના મુખ્ય આધારરસ્તંભ સમા દિવંગત ખોડીદાસભાઇ ધામેચાએ માદરે વતન જામનગર ખાતે ૧૪ ફેબ્રુઆરીએ સૌ કુટુંબીજનોની હાજરી વચ્ચે ચિરવિદાય લઇ વૈકુંઠવાસ લીધો એના દુ:ખદ સમાચાર અમે "ગુજરાત સમાચાર"માં પ્રસિધ્ધ કર્યા હતા. દિવંગત થયેલા મહાત્માને મોક્ષ પ્રાપ્તી થઇ જતી જ હોય છે તેમછતાં શાસ્ત્રોક્ત વિધિ અનુસાર શ્રી ખોડીદાસભાઇના અસ્થિને હરિદ્વાર લઇ જઇને ગંગાજીમાં વિસર્જિત કર્યાં હતાં. વડોદરા પુષ્ટીમાર્ગ હવેલીના શ્રી ૧૦૮ પૂ. ગોસ્વામી વ્રજરાજબાવાશ્રીના પર્સનલ આસીસ્ટંટ અને શાસ્ત્રીજીએ મહાશિવરાત્રિના દિવસે હરિદ્વારમાં ખોડીદાસભાઇના દીકરા પ્રદીપભાઇના હસ્તે શાસ્ત્રોક્તવિધિ અનુસાર પિતૃતર્પણ વિધિ કરાવી હતી. એ સમયે હરિદ્વારમાં સમગ્ર ધામેચા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો.
ધામેચા પરિવાર ૨૯ ફેબ્રુઆરીએ લંડન પરત આવ્યા બાદ આ પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. રિખિલ-નિખિલ ભાઇઓએ સતત હરિનામની ધૂન ચાલું રાખી હતી એ દરમિયાન ૩૦૦૦થી વધુ લોકોએ ઉપસ્થિત રહી દિવંગત ખોડીદાસભાઇ પરિવારને દિલસોજી પાઠવી હતી. લોહાણા કોમ્યુનિટી નોર્થ લંડનના પ્રમુખ અને સક્રિય કાર્યકરોએ લોહાણા ધામેચા સેન્ટરમાં અવ્યવસ્થા સર્જાય નહિ એની તકેદારી રાખી જેમ જેમ લોકો આવે એમ વિશાળ ધામેચા પરિવારના સદસ્યોને મળીને જાય એવી સુંદર વ્યવસ્થા કરી હતી. શ્રીનાથજીની ઝાંખી કરાવતા ભજનો બાદ શ્રી વિનુભાઇ કોટેચાએ ઓમકાર અને શાંતિપાઠ સાથે પ્રાર્થના સભાનું સંચાલન કર્યું હતું. દિવંગત ખોડીદાસભાઇને અંજલિ આપતાં લોર્ડ ડોલર પોપટે કહ્યું કે, ‘ખોડીદાસભાઇએ જીવનની અંતિમ ક્ષણોમાં મૌન ધારણ કર્યું હતું પરંતુ અંતિમઘડી સુધી તદન સભાન અવસ્થામાં હતા. એમની તબિયતના સમાચાર જાણી હું તેઓને મળવા જામનગર ગયો હતો, મને એમને તરત ઓળખી, હાથ ઉંચો કર્યો હતો. આપણે એક મહાન દાતાને ગુમાવ્યો છે. ત્યારબાદ લોહાણા કોમ્યુનિટી નોર્થ લંડનના પ્રમુખ યતીનભાઇ દાવડાએ પણ ખોડીદાસભાઇ ધામેચા પરિવારની યુ.કે.ભરમાં થયેલી ઉદાર સખાવતોને યાદ કરી એમની ચિરવિદાયથી સમાજમાં શૂન્યાવકાશ સર્જાયો હોવાનું જણાવ્યું.
અંતમાં પ્રદીપભાઇએ સૌનો આભાર વ્યક્ત કરી પ્રેરણાદાયક પથદર્શક પિતાજીનું મૂલ્ય એમના જીવનમાં કેટલું ઉંચું હતું એની મનોભાવના વ્યક્ત કરતાં કહ્યું કે, મારા પિતાજી ખુબ જ શિસ્તબધ્ધ, નિર્મળ, પરોપકારી હતા. ભાઇઓ અને પરિવાર ઉપર ખુબ સ્નેહ રાખતા. હંમેશા એ શૂટ-ટાઇમાં જ ડ્રેસ-અપ થતા. તેઓ હંમેશા ફાયનાન્શીયલ ટાઇમ વાંચતા અને ગાંઠે બાંધવા જેવું હોય એના ઉપર હાઇલાઇટ કરી મને વાંચવા આપતા. ૧૯૬૮માં કેન્યાથી બે મિત્રો આદરણીય ધનજીભાઇ અને ઓધવજીભાઇ સાથે પાંચ મહિના વિશ્વ પ્રવાસે નીકળ્યા હતા. આફ્રિકા, યુરોપ, નોર્થ અમેરિકા, એશિયા અને ઇન્ડિયા ફરી આવ્યા બાદ ૧૯૭૧માં તેઓ લંડન આવી સ્થાયી થયા. ૧૯૭૬માં તેઓશ્રીએ બે ભાઇઓ શાંતિકાકા અને સ્વ. જયંતિકાકાના સહયોગ સાથે વેમ્બલીમાં ૧૦,૦૦૦ સ્કવેર ફૂટમાં કેશ એન્ડ કેરૂ શરૂ કરી. ધીરે ધીરે ધામેચા કેશ એન્ડ કેરીની ક્ષિતિજો વધતી ગઇ એ પછી ૧૯૯૦માં પિતાશ્રીએ ધીરે ધીરે નિવૃત્તિ લીધી અને ધામેચા ગૃપનું સંચાલન ધામેચા પરિવારની યુવા પેઢીના હાથમાં સોંપ્યું.
પિતાજી સંયુક્ત પરિવારમાં સાથે હળીમળીને રહેવામાં માનતા. સ્ટેનમોરમાં હું, મારી પત્ની વીણા અને મારા સંતાનોએ પિતાશ્રી અને માતુશ્રી લલીતાબહેનની મીઠી છત્રછાયા હેઠળ રહી સ્નેહની શીતળતાનો અનુભવ કર્યો એનો અમને ખુબ આનંદ અને ગર્વ છે. (પ્રદીપભાઇની વિસ્તૃત શબ્દાંજલિ સી.બી.ની કોલમ "જીવંતપંથ"માં રજૂ થઇ છે).
પ્રદીપભાઇએ એમનું વ્યક્તવ્ય પૂરું કરતાં પિતૃપ્રેમને ખુબ સરસ હ્દયસ્પર્શી શબ્દોમાં કહ્યું કે, “મારા પિતાશ્રીનો ખાલીપો માત્ર મને જ નહિ પણ મારી પત્ની વીણાને, મારા સંતાનોને અને મારાં માતુશ્રીને બહુ લાગશે. મારા પિતાશ્રી મારા માટે સર્વસ્વ હતા. મારા પ્રેરણામૂર્તિ પિતાશ્રી આપ જ્યાં હો ત્યાં અમને સદા માર્ગદર્શન આપતા રહેજો.”
અંતમાં સૌનો આભાર વ્યક્ત કરતાં જણાવ્યું કે, “મારા પિતાશ્રીને બાઉન્ટી ચોકલેટ બહુ પસંદ હતી. આપ ઘરે જતાં પહેલાં પ્રસાદ રૂપે બાઉન્ટી લઇને જજો. લોહાણા ધામેચા સેન્ટરના ફ્રોયરમાં ધામેચા પરિવારે ઢગલાબંધ બાઉન્ટી મૂકી દીધી હતી. સૌ કોઇ બાઉન્ટીનો સ્વાદ માણતા ઘરે જતા હતા.