લંડનઃ ૧૬ મે, ગુરૂવારની સાંજે હેરો સીવીક સેન્ટર ખાતે કાઉન્સિલની વાર્ષિક મીટીંગમાં ૨૦૧૯-૨૦ના વર્ષ માટે કાઉન્સિલર નીતિન પારેખની હેરોના મેયર તરીકે જાહેરાત કરાઇ છે. હેરોના કાઉન્સિલરો અને સમાજના અગ્રણીઓ તેમજ આમંત્રિત મહેમાનોની વિશાળ હાજરી વચ્ચે ભારતીય પરંપરા મુજબ ઢોલ-નગારા સાથે દીપ પ્રાગટ્ય કરી કાઉન્સિલર નીતિન પારેખે શપથ લીધાં ત્યારે ઉપસ્થિત સૌએ એમને તાળીઓના ગડગડાટથી વધાવી લીધા હતા.
એડન-યમન ખાતે જન્મેલા નીતિનભાઈ મુંબઇમાં બી.કોમ અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની ડીગ્રી મેળવી હીતાબેન સાથે ૨૫ વર્ષની ઉમરે લગ્નગ્રંથિથી જોડાયા હતા. ૧૯૮૬માં લંડન આવી સ્થાયી થયા. અત્રે પણ ચાર્ટર્ડ સર્ટિફાઇડ એકાઉન્ટન્સી અને એક વર્ષ ટેક્સેશનનો અભ્યાસ કરી પ્રેક્ટિસ કરી રહ્યા છે. તેમણે તાજેતરમાં જ ૩૪મી લગ્ન જયંતિ ઉજવી હતી. બે દિકરાઓ કલ્પ અને પીનલના પિતા બન્યા બાદ ૧૯૯૪થી ૮ વર્ષ સુધી સ્કુલ ગવર્નર તરીકે સ્થાનિક સમાજમાં લોકપ્રિય બન્યા હતા. તેઓ એડન દેપાળા મિત્ર મંડળમાં ત્રેવીસેક વર્ષથી કમિટી સભ્યથી માંડી પ્રમુખ સુધીના વિવિધ હોદ્દેથી સેવા આપી રહ્યા છે. નવનાત વણિક એસોસિએશનમાં પણ પંદરેક વર્ષથી કમિટી સભ્યથી માંડી હાલ વાઇસ પ્રેસિડેન્ટ તરીકે સેવા સાદર કરી રહ્યા છે. BAPSસંચાલિત નીસડન સ્વામિનારાયણ રવિવારીય સ્કુલમાં પણ શિક્ષક તરીકે ૧૪ વર્ષથી સેવા આપી રહ્યા છે.
મેયરલ વર્ષ દરમિયાન અક્ષયપાત્ર ચેરિટીને એમની પસંદની ચેરિટી તરીકે તરીકે સ્વીકારતા મેયર કાઉન્સિલર નીતિન પારેખે જણાવ્યું કે, અક્ષયપાત્ર વિશ્વની સૌથી મોટી NGO છે જે ભારતમાં દરરોજ ૧.૮ મિલિયન બાળકોને સરકારની મીડ ડે મીલ યોજના અન્વયે પૌષ્ટિક ભોજન પૂરૂં પાડે છે અને લંડનમાં પણ દરરોજ ૨૦૦૦ જરુરિયાતમંદ, બેઘર અને વિદ્યાર્થીઓને ભોજનની સુવિધા પૂરી પાડે છે.
મેયરની નિમણૂંક સાથે ડેપ્યુટી મેયરની પણ વરણી કરાઇ છે. કાઉન્સિલર ઘઝનફર અલીને ડેપ્યુટી મેયર તરીકે ઘોષિત કરાયા છે, જેઓ મેયરની ગેરહાજરીમાં એમની ફરજ નીભાવશે.
નવા વરાયેલા મેયર શ્રી નીતિનભાઇને ‘ગુજરાત સમાચાર’ પરિવારની શુભેચ્છા.