લંડનઃ મે મહિનામાં આવી રહેલી લંડનની ચૂંટણીઓમાં બ્રેન્ટ અને હેરો લંડન એસેમ્બલી બેઠક માટે લેબર પાર્ટીએ કૃપેશ હીરાણીની પસંદગી કરી છે. વર્તમાન લંડન એસેમ્બલી મેમ્બર નવીન શાહે તેમની ભૂમિકા છોડવા કરેલી જાહેરાતના પગલે આ પસંદગી થઈ છે. નવીન શાહ ૧૨ વર્ષથી GLA સભ્ય છે અને ૨૦૨૦ની ચૂંટણી લડવાના નથી.
કૃપેશ હીરાણી બ્રેન્ટ કાઉન્સિલમાં ત્રીજી મુદત માટે સેવા આપી રહ્યા છે. તેઓ ડિસેબિલિટી ચેરિટી એસ્પાયર માટે હેરોમાં કાર્યરત છે તેમજ સ્ટેનમોર હિન્દુ ટેમ્પલમાં સેવાકાર્ય કરી રહ્યા છે. હીરાણીએ બ્રેન્ટ અને હેરોની તમામ કોમ્યુનિટીઓના પ્રતિનિધિ બની રહેવાના શપથ લીધા છે. તેઓ લેબર પાર્ટીમાં કોઈ જૂથ સાથે સંકળાયેલા ન હોવાં છતાં, સાંસદો ડોન બટલર અને ગારેથ થોમસ, એસેમ્બલી મેમ્બર નવીન શાહ તેમજ હેરો અને બ્રેન્ટ કાઉન્સિલોના નેતાઓ કાઉન્સિલર મુહમ્મદ બટ અને કાઉન્સિલર ગ્રેહામ હેન્સન તેમજ જ્યુઈશ લેબર મૂવમેન્ટ સહિતના રાજકારણીઓ અને જૂથોએ તેમને સમર્થન જાહેર કર્યું છે.
કૃપેશ હીરાણીએ મે ૨૦૨૦ની બ્રેન્ટ અને હેરો લંડન એસેમ્બલી બેઠકના લેબર ઉમેદવાર તરીકે પોતાની પસંદગી બદલ આનંદ વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું હતું કે ‘હું મારા જીવનમાં જ્યાં રહ્યો છું અને કામ કર્યું છે તેમજ વિશ્વના શ્રેષ્ઠ નગરના સૌથી સારા સ્થળનું પ્રતિનિધિત્વ કરવાની મને તક મળી છે તેનો આનંદ છે. લેબર પાર્ટી માટે આ બેઠક જાળવી રાખવા તેમજ સાદિક ખાનને આપણા લંડનના મેયર તરીકે પુનઃ સ્થાપિત કરવાના પ્રચાર અને સખત કામ કરવા હું ઉત્સુક છું.’
હીરાણી હિન્દુ ધર્મ પાળે છે તેમજ બ્રેન્ટ અને હેરોના મહત્ત્વના મંદિરો અને કોમ્યુનિટી સંસ્થાઓ સાથે સંકળાયેલા છે, જેનો લાભ લેબર પાર્ટીને મળી શકશે. નવીન શાહના અનુગામી તરીકે તેઓ લેબર પાર્ટી માટે આદર્શ ઉમેદવાર છે.