લંડનઃ આર્થિક તંગી અનુભવી રહેલી કોલેજના ભૂતપૂર્વ પ્રિન્સિપાલ આશા ખેમકાએ હોદ્દો છોડ્યો તે અગાઉના પાંચ વર્ષમાં ૨૦૧૩-૧૪ અને ૨૦૧૭-૧૮ દરમિયાન કોર્પોરેટ ક્રેડિટ કાર્ડ પર બહાર જમવામાં તેમજ અન્ય ખર્ચમાં ૪૧,૬૬૬ પાઉન્ડ ઉડાવી માર્યા હતા. મેન્સફિલ્ડની વિઝન વેસ્ટ નોટિંગહામશાયર કોલેજે ૨૦૧૮માં સરકાર પાસે ૨.૧ મિલિયન પાઉન્ડની આર્થિક સહાય માગી તેના ટૂંક સમયમાં જ તેમણે રાજીનામું આપી દીધું હતું. ૨૦૧૭માં કોલેજમાં ૨૦,૦૦૦ જેટલાં વિદ્યાર્થી હતા.
જોકે, કોલેજના પ્રવક્તાએ જણાવ્યું હતું કે તે પછી ખર્ચ પર કડક નિયંત્રણ મૂકાયું છે.
ખેમકાએ મેફેર રેસ્ટોરાં અને એક ફાઈવ સ્ટાર હોટલની મુલાકાતો સહિત ૧૧,૦૦૦ પાઉન્ડથી વધુની રકમ ખાણીપીણી પાછળ ખર્ચી નાખી હતી. બુટ્સની એક જ મુલાકાતમાં તેમણે ૩૪૦ પાઉન્ડ ખર્ચ્યા હતા.
સરકારી અહેવાલ મુજબ કોલેજમાં કોઈ કેશફંડ જ ન હતું. મિનિસ્ટર ઓફ સ્ટેટ ફોર એપ્રેન્ટિસશિપ એન્ડ સ્કીલ્સે જણાવ્યું હતું કે તે ‘ગંભીર કોર્પોરેટ નિષ્ફળતા’. કોલેજે ખર્ચમાં કાપ મૂકીને ૧૦૦ કર્મચારીઓને છૂટાં કર્યા હતા.