લંડનઃ એક્સટિન્કશન રીબેલિઅનના દેખાવકારોએ લંડનને બાનમાં લીધું છે. ક્લાઈમેટ ચેન્જના મુદ્દે બે સપ્તાહના વિરોધના ભાગરુપે બ્રિટિશ રાજધાનીના ચાવીરુપ સ્થળોએ માર્ગો પર અવરોધ ખડા કરી દેવાયા હતા અને લોકો ત્યાં બેસી પણ ગયા હતા. પોલીસે ૩૦૦થી વધુ દેખાવકારોની ધરપકડ કરી છે. વિરોધના બીજા દિવસ મંગળવારે ઓછામાં ઓછાં ૩૦,૦૦૦ દેખાવકાર લંડનમાં ઉતરી આવે તેમ કહેવાયું હતું. હવે ગુરુવારથી ત્રણ દિવસ માટે લંડન સિટી એરપોર્ટને બંધ કરી દેવાની યોજના પણ જાહેર કરાઈ છે. દેખાવકારો ડિપાર્ચર અને એરાઈવલ લાઉન્જ પર કબજો જમાવી દેશે. જો આ યોજના નિષ્ફળ જાય તો તેઓ ડીએલઆર સ્ટેશન અને ટર્મિનલની બહારના માર્ગ પર કબજો જમાવશે.
સરકાર ક્લાઈમેટ ચેન્જ મુદ્દે તત્કાળ પગલાં ભરે તેની માગણી સાથે એક્સટિન્કશન રીબેલિઅન ગ્રૂપના દેખાવકારોએ સોમવારે લંડનના માર્ગો પર વ્યવહાર ખોરવી નાખ્યો હતો, જેનાથી ટ્રાફિકને અસર થઈ હતી. મોડેલ ડેઈઝી લોવ, અભિનેત્રી જુલિયેટ સ્ટિવન્સન, અભિનેતા માર્ક રાયલાન્સ, રુબી વેક્સ અને એરિઝોના મ્યુઝ સહિત હાઈ પ્રોફાઈલ સેલેબ્રિટીઝ પણ સામૂહિક દેખાવોમાં સામેલ થયાં હતાં. દેખાવકારોએ ટ્રફાલ્ગર સ્ક્વેર, પાર્લામેન્ટ અને વ્હાઈટહોલની આસપાસના માર્ગો પર વાહનો અને બાઈક્સ ગોઠવી માર્ગો બંધ કરી દીધાં હતાં. તેમણે ‘ટેલ ધ ટ્રુથ’ તેમજ ‘નો કોલ માઈન્સ, નો ફ્રેકિંગ’ સહિતના બેનર્સ ફરકાવી સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. દેખાવકારોએ દેશના સૌથી મોટા મીટ માર્કેટ્સમાં એક ફેરિંગ્ટનસ્થિત સ્મિથફિલ્ડ માર્કેટ પર કબજો જમાવ્યો હતો અને રાતોરાત સ્ટોલ્સ ઉભાં કરી ઓર્ગેનિક ફળો અને શાકભાજીનું વેચાણ કર્યું હતું.
વડા પ્રધાન બોરિસ જ્હોન્સને દેખાવકારોને ‘બિનસહકારી અને તોછડાં’ ગણાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે દેખાવકારોએ માર્ગો બ્લોક કરવાનું છોડી દેવું જોઈએ. તેમણે જણાવ્યું હતું કે ગ્રેટા થનબર્ગ જેવાં એક્ટિવ્સ્ટો જન્મ્યાં પણ ન હતાં ત્યારથી પૂર્વ વડા પ્રધાન માર્ગારેટ થેચરે ગ્રીન હાઉસ ગેસીસનો મુદ્દો ગંભીરપણે હાથ ધર્યો હતો તે દેખાવકારોએ યાદ રાખવું જોઈએ.
ગ્રૂપના કાર્યકરોએ જણાવ્યું હતું કે લંડનમાં વર્તમાન દેખાવો એપ્રિલમાં યોજાએલા દેખાવોથી પાંચ ગણા વધુ હશે. એપ્રિલના દેખાવોએ લંડનને ખોરવી નાખ્યું હતું તેમજ ૧,૧૦૦થી વધુની ધરપકડ કરાઈ હતી. બર્લિન, માડ્રિડ, એમ્સ્ટર્ડામ અને ન્યૂ યોર્ક શહેરો સહિત સમગ્ર વિશ્વમાં ‘ઈન્ટરનેશનલ રીબેલિઅન’ દેખાવો ચાલી રહ્યાં છે.