લંડનઃ ક્વીન એલિઝાબેથ દ્વિતીય દ્વારા જૂન ૨૫ મંગળવારે બકિંગહામ પેલેસમાં આયોજિત રિસેપ્શનમાં વિવિધ ધર્મો, આસ્થાઓ અને કોમ્યુનિટીઝના પ્રતિનિધિઓ સામેલ થયા હતા. યુકે અને કોમનવેલ્થમાં ધાર્મિક વૈવિધ્યતાની ઉજવણીમાં રાષ્ટ્ર અને કોમનવેલ્થના વડાને મળવાની આ અનોખી તક હતી. મહેમાનોના ક્રમાનુસાર નામ બોલાતા હતા અને ક્વીન સાથે હસ્તધૂનન કરીને તેઓ ધન્યતા અનુભવતા હતા. ન્યૂ ફિલાન્થ્રોપી કેપિટલ (NPC)ના રિપોર્ટ અનુસાર યુકેમાં ૨૫ ટકાથી વધુ ચેરિટીઝ ધર્મ સાથે સંકળાયેલી છે. કાર્યક્રમમાં ડચેસ ઓફ ગ્લોસ્ટર, હાઉસિંગ સેક્રેટરી જેમ્સ બ્રોકેનશાયર, બેરોનેસ ઈટન, લોર્ડ બોર્ન ઓફ એબેરીસ્વિથ તેમજ સાંસદો મિસ હિલેરી પટેલ, સ્ટીફન ટિમ્સ, ટિમ ફેરોન, જિમ શેનોન અને એન્ડ્રયુ ગ્વાઈન સહિત મહાનુભાવો પણ ઉપસ્થિત હતાં.
આમંત્રિત ૧૬૦ મહેમાનોમાં સ્થાનિક નેબરહૂડ્સમાં રચનાત્મક પરિવર્તન લાવવા કાર્યરત વોલન્ટીઅર્સ, કોમ્યુનિટી કાર્યકરો સહિતનો સમાવેશ થયો હતો. તેમના કાર્યો યુવાનોની ગર્બિત ક્ષમતાનો ઉપયોગ કરી શકાય તે રીતની મદદ, રસોઈ, ઘરવિહોણાને આહાર અને વસ્ત્રો, એકલતાથી પીડિત લોકોને સમય અને ધ્યાન આપવા, નિર્વાસિતોને સહાય તેમજ નાઈફ ક્રાઈમ અને કટ્ટરવાદ વિરુદ્ધ અભિયાનો સાથે સંકળાયેલા હતા.
આમંત્રિત મહેમાનોની યાદીમાં ઈન્ડિયન એસોસિયેશન ઓલ્ધામના કૃષ્ણાબેન સિસોદિયા અને સૂરજબેન અગ્રાવત, ગ્લાસગોમાં પ્રિન્સ ટ્રસ્ટના બિઝનેસ ડેવલપમેન્ટ મેનેજર આતા યાકુબ, સેન્ડવેલસ્થિત વિમેન ઈન્ટરફેઈથ ગ્રૂપની કમિટીના મિસ શોભા શર્મા, BAPS સ્વામિનારાયણ સંસ્થાના ભાવનાબેન પરમાર, બ્લેકબર્નના વોલન્ટીઅર મોહમ્મદ ઈલ્યાસ પટેલ અને મેન્ટલ હેલ્થ વર્કર જાલ ઈકબાલ, મેકિંગ કોમ્યુનિટીઝ વર્ક એન્ડ ગ્રો ચેરિટીના રશિદ ચોઆઈબી, ઈન્સ્ટિટ્યૂટ ઓફ જૈનોલોજીના વિનયભાઈ શાહ, નવનાત વણિક એસોસિયેશનના કુમાર મહેતા, ન્યૂ વિઝન ફોર વિમેનના નિગાત ખાન, લેસ્ટરની ગુરુ નાનક ફૂટબોલ ક્લબના કુલવિન્દરસિંહ જોહલ, સ્કોટિશ મુસ્લિમ એસોસિયેશનના સ્થાપક સભ્ય અસ્મા અલી, બાર્નેટ મલ્ટિ ફેઈથ ફોરમના એસમોન્ડ રોસેન સહિતનો સમાવેશ થયો હતો.