લંડનઃ ગુજરાતના ભરુચ જિલ્લાના વાગરા તાલુકાના હસીના ખાન ઇંગ્લેન્ડની ચોર્લી કાઉન્સિલમાં સતત ચાર વાર કાઉન્સિલર તરીકે ચુંટાયા પછી કાઉન્સિલમાં મેયરપદે નિયુક્ત થતાં લોકોમાં ખુશીની લાગણી વ્યાપી છે. લેન્કેશાયર ડિસ્ટ્રિકટ તેમજ નોર્થ-વેસ્ટ ઈંગ્લેન્ડના ઈતિહાસમાં પ્રથમ મુસ્લિમ એશિયન મહિલા મેયરપદે ચુંટાયાની આ પ્રથમ ઘટના છે. તેઓ ૨૦૦૬માં પ્રથમ એશિયન મહિલા કાઉન્સિલર બન્યાં હતાં.
ચોર્લી ઈસ્ટ વોર્ડના પ્રતિનિધિ અને મેયર હસીના ખાને જણાવ્યું હતું કે,‘આ મારાં માટે ગૌરવની બાબત છે. કોમ્યુનિટીઓને એકસંપ રાખવાનું તેમજ સમગ્ર ચોર્લી બરોમાં સમાનતાને આગળ વધારવાનું કાર્ય અમે કરતા આવ્યાં છીએ, તેને હું ચાલુ રાખીશ.’ તેઓ સતત ચારથી વધુ વખત ચોર્લી કાઉન્સિલમાં કાઉન્સિલર તરીકે ચુંટાઈ આવ્યા છે. તેમની પુત્રી ઝારા ખાન પણ ૨૦૧૬માં સૌથી નાની વયે કાઉન્સિલર તરીકે ચૂંટાયાં હતા. ચોર્લી કાઉન્સિલના સત્તાધારી લેબર પાર્ટી દ્વારા હસીના ખાનની મેયર માટે દરખાસ્ત રજુ કરતા હસીના ખાન બહુમતીથી મેયર પદે ચૂંટાઈ આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે આ અગાઉ લંડન સિટીના મેયર પદે પાકિસ્તાની મુળના સાદિક ખાન જંગી બહુમતીથી ચુંટાઈ આવ્યા હતા. ચોર્લીના નવનિયુકત મેયર હસીના ખાનને ભરુચ જિલ્લાના વ્હોરા પટેલ સમાજ તેમજ યુકેસ્થિત ભારતીય લોકોએ શુભેચ્છા પાઠવી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર મુળ અરગામા ગામના અબ્દુલ્લાહ ખાનસાહેબની પુત્રી હસીના ખાન વર્ષોથી રાજકીય જાહેર જીવનમાં સંકળાયેલા છે. હસીના ખાન તેમની માતા સાથે ૧૯૬૦ના દાયકાની મધ્યમાં ભારતથી ચોર્લી આવ્યાં હતા, જ્યાં તેમના પિતા મિલમાં કામ કરતા હતા.