દિવાળીની ઊજવણીમાં હાથ મિલાવતા ટિલ્ડા અને મધુ’સ

Wednesday 23rd October 2024 02:45 EDT
 
 

યુકેની પ્રથમ ક્રમની રાઈસ બ્રાન્ડ ટિલ્ડા અને ઉચ્ચસ્તરીય સાઉથ એશિયન કેટરિંગ કંપની મધુ’સ 9 ઓક્ટોબર, બુધવારે સેન્ટ્રલ લંડનના હાર્દમાં દિવાળીની ઊજવણી કરતા ભવ્ય ઈવેન્ટનું સાથે મળીને આયોજન કરવા સહકાર સાધ્યો હતો. મેફેર ખાતે મધુ’સની પૃષ્ઠભૂમિ પર ગોઠવાયેલા આ ઈવેન્ટમાં વૈભવ અને ભવ્યતા જોવાં મળ્યાં હતાં. આ ઈવેન્ટમાં મોંઘેરા મહેમાનોની વિશિષ્ટ યાદીમાં અગ્રણી ફૂડ અને લાઈફસ્ટાઈલ કન્ટેન્ટના સર્જકો, દીર્ઘકાલીન ગ્રાહકો તેમજ ઉચ્ચસ્તરીય મીડિયા હાઉસીસ સહિતનો સમાવેશ થયો હતો. ખાસ ધ્યાન આપીને તૈયાર કરાયેલું મેનુ તથા ઉત્સાહપૂર્ણ વાતાવરણ થકી ઈવેન્ટમાં પરંપરા, ઈનોવેશન અને સંસ્કૃતિનો સુચારુ સમન્વય જોવા મળ્યો હતો.

મહેમાનો સાંસ્કૃતિક સમૃદ્ધિથી પરિપૂર્ણ સાંજના વાતાવરણમાં જાણે ખોવાઈ ગયા હતા જેનો આરંભ ટિલ્ડાના મેનેજિંગ ડાયરેક્ટર જીન-ફિલિપ્પે લાબોર્ડેના હૃદયસ્પર્શી સંબોધનથી થયો હતો. તેમણે જણાવ્યું હતું કે,‘આજે આપણે કોઈ ઉત્સવની માત્ર ઊજવણી નથી કરી રહ્યા પરંતુ, આપણે સપ્તાહો કે મહિનાઓથી નહિ, દાયકાઓથી જેમને ઓળખીએ છીએ તેવા ચાવીરૂપ પાર્ટનર્સ અને કસ્ટમર્સ સાથેના નિકટતમ સંબંધોનું સન્માન કરી રહ્યા છીએ. અમે ટિલ્ડામાં, આહાર અને પરંપરા થકી અને ખાસ કરીને દિવાળી જેવા વિશિષ્ટ પ્રસંગોએ લોકોને એક સાથે લાવવામાં ગૌરવ અનુભવીએ છીએ.’

ઈવેન્ટમાં મધુ’સના સ્થાપક અને ચેરમેન સંજય આનંદ MBEનું સ્વાગત કરાયું હતું. તેમણે તેમના પરિવારની રસોઈકળાની યાત્રા અને બ્રાન્ડના પ્રભાવશાળી વિકાસની વાત કરી ઓડિયન્સને મંત્રમુગ્ધ બનાવી દીધું હતું. તેમણે જણાવ્યું હતું કે,‘ ભાગીદારી મધુ’સના હૃદયમાં છે અને કેટરિંગના ભવિષ્ય બાબતે અમારી પાસે મહત્ત્વાકાંક્ષી યોજનાઓ છે. આપણી સંસ્કૃતિમાં ચોખા-રાઈસ વિશેષ મહત્ત્વ ધરાવે છે.સાઉથ એશિયન કોમ્યુનિટીઓના આહારમાં તેનો હિસ્સો મુખ્ય છે તથા ધાર્મિક અને સાંસ્કૃતિક દૃષ્ટિએ પણ પ્રાસંગિકતા ધરાવે છે. આજની રાત્રિને શક્ય બનાવવા બદલ મારી ટીમ અને ટિલ્ડાની ટીમને વિશેષ અભિનંદન અને આભાર.’

પ્રાસંગિક સંબોધનો પછી, મધુ’સના ગ્રૂપ એક્ઝિક્યુટિવ શેપ અને માસ્ટરશેફ સેમી-ફાઈનાલિસ્ટ શેફ અમરદીપ આનંદે સ્ટેજ સંભાળી વિશિષ્ટ મેનુ પાછળની પ્રેરણા વિશે વાત કરી હતી. તેમણે સાઉથ એશિયન વાનગીઓમાં આધુનિક સોડમ-ખુશ્બુ સાથે પરંપરાગત દિવાળીની વાનગીઓના સંયોજનમાં ટિલ્ડા રાઈસની અનેકવિધતા પર પ્રકાશ પાડ્યો હતો. મેનુ મુખ્યત્વે ક્રીએટિવ શેફ અને માર્કેટિંગ ડાયરેક્ટર પૂનમ બાલ દ્વારા તૈયાર કરાયું હતું. શેફ અમર સાથે મળીને તેઓએ તે દિવસના મેનુને જીવંત બનાવી દીધું હતું. સાંજની હાઈલાઈટમાં ટિલ્ડા ગ્રાન્ડ એકસ્ટ્રા લોંગ (અસાધારણ લંબાઈના) બાસમતી ચોખાની બિરયાની અને ટિલ્ડાના સુવાસિત જાસ્મિન રાઈસ સાથે બનાવાયેલી પાકી ગયેલી કેરીની ખીરનો સમાવેશ થયો હતો.

ફૂડ અને લાઈફસ્ટાઈલ કન્ટેન્ટના અગ્રેસર સર્જકો તેમજ મીડિયાના ઉપસ્થિત પ્રતિનિધિઓ માટે આ સ્પેશિયલ મેનુ ભારે દિલચસ્પ બની રહ્યું હતું જેમણે સ્વાદનો રોમાંચક અનુભવ આનંદપૂર્વક માણ્યો હતો.

વિશ્વપ્રસિદ્ધ મેજિશિયન ઓલિવર બીના દિલધડક પરફોર્મન્સમાં મેન્ટાલિઝમ, ઈલ્યુઝન – ભ્રમ અને શોમેનશિપના અનોખા સંમિશ્રણને માણી ઓડિયન્સ આશ્ચર્યમુગ્ધ બની ગયું હતું અને આ સાથે દિવાળીની ઊજવણી કરતા ભવ્ય ઈવેન્ટની સાંજનું સમાપન થયું હતું.

 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter