દુબઇઃ અરબસ્તાનમાં ભારતીય સંસ્કૃતિ સાકાર થવા જઇ રહી છે. દુબઇના અમિરાત થિયેટરમાં રવિવારે રામલીલા ભજવાશે. કોઇ પણ આરબ દેશોમાં પ્રથમ વખત આટલા મોટા પાયે રામલીલા યોજાઇ રહી છે. આ માટે યુએઇના સાંસ્કૃતિક મંત્રાલય દ્વારા સત્તાવાર રીતે મંજૂરી અપાઇ છે.
ઉલ્લેખનીય છે કે રામલીલામાં ભાગ લેનાર તમામ કલાકારો યુએઇમાં રહેતા ભારતીયો જ છે. રામલીલાના આયોજન અથવા તો ભજવણીને લઇને વધુ રસપ્રદ સમાચાર એ છે કે તમામ 36 કલાકારો દુબઇમાં જુદા જુદા બિઝનેસ અને કંપનીઓ સાથે જોડાયેલા છે. આ તમામે એક મહિના સુધી ઓફિસથી કામ પૂર્ણ કર્યા બાદ દરરોજ એક કલાક સુધી રિહર્સલ હાથ ધરીને તૈયારી કરી છે.
રામલીલા માટે દુબઇમાં ગદા, તીર-કામઠાં અને વસ્ત્રો બનાવવામાં આવ્યાં છે. આયોજનને સફળ બનાવવા માટે મથુરાથી 83 વર્ષીય ડો. કુશનાથ ચતુર્વેદીને બોલાવવામાં આવ્યા છે. ગ્લોબલ ભારતીય ફેસ્ટિવલના પ્રમુખ ચન્દ્રશેખર ભાટિયાએ કહ્યું છે કે આ દુબઇમાં ભારતીયોની નવી પેઢીને સંસ્કૃતિથી વાકેફ કરવાના પ્રયાસરૂપે આનું આયોજન કરવામાં આવ્યું છે.