લંડનઃ સિટી હિન્દુ નેટવર્કના સ્થાપક ધ્રૂવ પટેલે બકિંગહામ પેલેસમાં પાંચ ફેબ્રુઆરીએ બ્રિટિશ હિન્દુ કોમ્યુનિટી અને સામાજિક સુમેળ માટેની સ્વૈચ્છિક સેવા બદલ ડ્યૂક ઓફ કેમ્બ્રિજ પ્રિન્સ વિલિયમ પાસેથી OBE એવોર્ડનો સ્વીકાર કર્યો હતો. તેમને આ એવોર્ડની જાહેરાત ક્વીનના બર્થડે ઓનર્સ ૨૦૧૮ની યાદીમાં કરાઈ હતી.
લંડનમાં જન્મેલા ૩૫ વર્ષીય ધ્રૂવ પટેલ પરિવાર સાથે એવોર્ડ વિતરણ સમારંભમાં હાજર રહ્યા હતા. સિટી ઓફ લંડન એકેડેમીઝ ટ્રસ્ટમાં ડાયરેક્ટર અને સિટી બ્રીજના ડેપ્યુટી ચેરમેન તરીકે સેવા આપતા પટેલ પ્રોપર્ટી, રીટેઈલ ફાર્મસી અને લંડન ઈન્યુરન્સ માર્કેટમાં હિતો ધરાવે છે.
સિટી હિન્દુ નેટવર્કની ૨૦૦૫માં સ્થાપના કરાઈ ત્યારે તેઓ તેના પ્રથમ ચેરમેન બન્યા હતા અને ૨૦૧૦ સુધી આ સ્થાને રહ્યા હતા. પટેલ હવે તેના ત્રણ ડાયરેક્ટર્સમાંના એક તરીકે સેવા આપે છે. તેમણે ૨૦૧૩થી સિટી ઓફ લંડન કોર્પોરેશનના ચૂંટાયેલા સભ્ય (કોમન કાઉન્સિલમેન) તરીકે સેવા આપી છે. આ પછી તેઓ BAME પશ્ચાદભૂ સાથે સિટી ઓફ લંડન કોર્પોરેશનની કોમ્યુનિટી એન્ડ ચિલ્ડ્રન્સ સર્વિસીસ કમિટીના સર્વપ્રથમ ચેરમેન બન્યા હતા.
ધ્રૂવ પટેલે ઓફિસર ઓફ ધ મોસ્ટ એક્સેલન્ટ ઓર્ડર ઓફ ધ બ્રિટિશ એમ્પાયર એવોર્ડ એનાયત કરાયાની ખુશી સાથે જણાવ્યું હતું કે,‘ હું મારા યુનિવર્સિટીના દિવસોથી સ્વૈચ્છિક સેવા અને ખાસ કરીને હિન્દુ કોમ્યુનિીટી માટે સેવામાં સંકળાયેલો રહ્યો છું. સિટી ઓફ લંડન કોર્પોરેશનમાં ચૂંટાવાથી મને આ કાર્ય વિસ્તારવાની તક મળી હતી. લંડનના યુવા વર્ગને જીવનમાં સારો આરંભ કરવા મળે તેમજ તમામ કોમ્યુનિટીઓને વિકાસની તક મળે તેના તરફ જ મારું ધ્યાન કેન્દ્રિત રહ્યું છે. નિઃસ્વાર્થ સેવા મારા જીવનનો મહત્ત્વનો હિસ્સો છે અને બની રહેશે.’