નીસડન ટેમ્પલ નજીકના માર્ગને પ્રમુખ સ્વામી રોડ નામ આપવા અનુરોધ

Thursday 08th October 2020 12:54 EDT
 
 

લંડનઃ નીસડન ટેમ્પલ તરીકે લોકપ્રિય BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર નજીકના એક માર્ગ મીડો ગાર્થના હિસ્સાનું નામ બદલી તેને સંપ્રદાયના આધ્યાત્મિક ગુરુના નામે પ્રમુખ સ્વામી રોડ તરીકે નામ આપવાની વિનંતી પર બ્રેન્ટ કાઉન્સિલની કેબિનેટ વિચારણા કરી રહી છે.

પ્રમુખ સ્વામી મહારાજ બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (BAPS)ના પૂજ્ય મહંતશ્રી હતા જેમને સ્વામિનારાયણ ભગવાનના પાંચમા આધ્યાત્મિક વારસદાર માનવામાં આવે છે. તેમનું ૯૪ વર્ષની વયે  વર્ષ ૨૦૧૬માં નિધન થયું હતું. જોકે, કેટલીક પ્રોપર્ટીઝ દ્વારા સંભવિત નામકરણ બાબતે તેમને થનારી અસર વિશે ચિંતા વ્યક્ત કરાવા સાથે બિનજરુરી તણાવ અને તકલીફ સર્જાશે તેવો દાવો પણ કરાયો છે.

બ્રેન્ટફિલ્ડ પ્રાઈમરી સ્કૂલના પ્રતિનિધિઓએ ચેતવણી આપી છે કે કોઈ ફેરફારની તેના સરનામાને અસર થશે તેમજ તે ‘આપણી કોમ્યુનિટી કે સ્કૂલ કોમ્યુનિટીને પ્રતિબિંબિત કરતું નથી.’ લંડન ફાયર એન્ડ ઈમર્જન્સી પ્લાનિંગ ઓથોરિટીએ જણાવ્યું હતું કે નવા સૂચિત નામના સ્પેલિંગ અને ઉચ્ચારના કારણે ‘ઈમર્જન્સીના સમયે ગૂંચવાડો અને સંભવિત વિલંબ સર્જાઈ શકે છે.’

બ્રેન્ટ કાઉન્સિલના અધિકારીઓએ આ ચિંતાની નોંધ લેવા સાથે જણાવ્યું હતું કે બરો પર મંદિરની રચનાત્મક અસરને ધ્યાનમાં રાખતા કાઉન્સિલરોએ ‘સંતુલિત નિર્ણય’ લેવો પડશે. ‘મંદિર બ્રેન્ટ માટે, નિવાસીઓ માટે તેમજ મુલાકાતીઓ માટે આકર્ષણરુપ મહત્ત્વની સંપત્તિ છે. અરજીમાં નામમાં ફેરફાર પાછળનો તર્ક સ્પષ્ટપણે દર્શાવાયો નથી પરંતુ, પોતાની તેમજ ત્યાં હાજરી આપતા હજારો શ્રદ્ધાળુઓ અને મુલાકાતીઓને સંસ્કૃતિનું પ્રતિબિંબ દર્શાવતી સ્ટ્રીટ હોય તેવી મંદિરની ઈચ્છાની કદર કરવી તે પણ મહત્ત્વનું છે.’

ગાઈડન્સ જણાવે છે કે નામો ઉચ્ચાર કરવામાં મુશ્કેલ ન હોવા જોઈએ તેમજ લખવામાં વિચિત્ર ન લાગવા જોઈએ. જોકે, બ્રેન્ટની વસ્તીનું વૈવિધ્યને પણ સમાવવું જોઈએ, બ્રેન્ટની કોમ્યુનિટીના વિવિધ વિસ્તારોની સંસ્કૃતિને દર્શાવવા માટે પણ કેટલાક સ્ટ્રીટ- માર્ગના નામમાં વિવિધ સંસ્કૃતિઓ અને ભાષાઓનું પ્રતિબિંબ પડવું જોઈએ.’ તેમાં વધુ જણાવાયું હતું કે કોઈ પણ સ્ટ્રીટની નિશાની-નામને બદલવા માટે કાઉન્સિલને દર વખતે માત્ર ૧૫૦ પાઉન્ડનો જ ખર્ચ થાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter