લંડનઃ પોતાની એક્સ પાર્ટનર પર લફરું હોવાનો આક્ષેપ કર્યા બાદ ડુક્કરવાડામાં રહેતા ૬૩ વર્ષીય બિઝનેસમેન જેમ્સ ગ્લેસિંગ મકાનનો કબજો મેળવવાનો કેસ હારી ગયા હતા. ગ્લેસિંગે ૩૭ વર્ષીય પાર્ટનર જેન લેઝલ પર લફરાનો આક્ષેપ કર્યા બાદ તેઓ ૨૦૧૫માં છૂટા પડ્યા હતા.
જેને આવી કોઈ વાત હોવાનો ઈનકાર કર્યો હતો અને પોતાની નિર્દોષતા પૂરવાર કરવા અને ગ્લેસિંગને વિશ્વાસમાં લેવા માટે લાઈ ડિટેક્ટર ટેસ્ટ પણ આપ્યો હતો. તેમને બે બાળકો પણ છે.આ ડુક્કરવાડો એસેક્સના અપમિન્સ્ટરમાં ૨૫ વર્ષ અગાઉ તેમણે બાંધેલા એક મિલિયન પાઉન્ડના મકાનની જગ્યામાં હતો. ગ્લેસિંગે સેન્ટ્રલ લંડન કાઉન્ટી કોર્ટને જણાવ્યું હતું કે તેની એક્સ પાર્ટનરે તેને ઘરમાંથી કાઢી મૂક્યો હતો.
ગ્લેસિંગે ઘરની બહાર રહેવા પાછળ પોતાને થયેલા ખર્ચની વસૂલાત માટે જેન પર કેસ કર્યો હતો. જોકે, કોર્ટે ગ્લેસિંગનો દાવો નકારી કાઢ્યો હતો કારણ કે જેન લેઝલે તેમને બળજબરીપૂર્વક ઘરમાંથી હાંકી કાઢ્યા હોવાનો ઈનકાર કરતા કોર્ટને જણાવ્યું હતું કે ગ્લેસિંગ પાસે હજુ પણ મકાનની ચાવી છે. તેમણે જાતે જ ઘર બહાર રહેવાનું પસંદ કર્યું હતું.