લંડનઃ બીજી ફેબ્રુઆરી રવિવારની બપોરે સ્ટ્રેથામ હાઇ રોડ પર નકલી ફિદાયીન જેકેટ પહેરેલા ૨૦ વર્ષીય સુદેશ અમ્માન નામના ખતરનાક ઈસ્લામિક આતંકવાદીએ બે લોકોને ચાકુ મારી ઘાયલ કર્યા હતા. મેટ્રોપોલીટન પોલીસે તત્કાળ અમ્માનને ઠાર માર્યો હતો અને આ વિસ્તારમાં કડક બંદોબસ્ત ગોઠવ્યો હતો. અમ્માન ૧૦ દિવસ અગાઉ જ જેલમાંથી મુક્ત કરાયો હતો. વડાપ્રધાન બોરિસ જ્હોન્સને પોલીસ અને ઇમરજન્સી સર્વિસને તાત્કાલિક એક્શન માટે બિરદાવી હતી અને ઈજાગ્રસ્તો પ્રતિ સંવેદના વ્યક્ત કરી હતી. પોલીસે આ હુમલાને ટેરર એટેક ગણાવ્યો હતો અને વધુ તપાસ થઈ રહ્યાનું જણાવ્યું હતું.
અમ્માને બે વ્યક્તિ પર ચાકુથી હુમલો કર્યો તેની એક જ મિનિટમાં તેને ઠાર મરાયો હતો. જેલમુક્ત થયા પછી તે ખૂની હુમલો કરી શકે તેવી આશંકાથી સ્કોટલેન્ડ યાર્ડ અને MI5ના ૨૦થી ૨૫ ઓફિસરોની ટીમ તેનો સતત પીછો કરતી હતી. સાઉથ ઈસ્ટ લંડનની બેલમાર્શ જેલમાં અમ્માનના સાથી કેદીએ તેને હિંસક અને ખુલ્લેઆમ બોલતા ત્રાસવાદી તરીકે ગણાવ્યો હતો. તેની પૂર્વ ગર્લફ્રેન્ડે તેની સાથેના સંબંધને સૌથી ખરાબ અનુભવ ગણાવ્યો હતો.
ટેરર મેનિયાક અમ્માન ૦૧૬માં સાંસદ જો કોક્સ પર કરાયેલા જીવલેણ હુમલાની નકલ કરી કોઈ સાંસદને મારવા ઈચ્છતો હોવાનું જેલમાં રહેલા સાથી કેદીઓએ જણાવ્યું હતું. સાંસદને મારવાની ઈચ્છા વ્યક્ત કરી હોવાં છતાં તેને બેલમાર્શ જેલમાંથી મુક્ત કરાયો હતો. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે જેલમાં તેનો સંપર્ક કટ્ટરવાદીઓ સાથે રહેતો હતો. સજા કરાયેલા ૧૦ ત્રાસવાદીઓમાં એક હતો જેના પર સતત ૨૪ કલાક નજર રખાતી હતી. તેને ૪૦ મંહિનાની સજા કરાઈ હતી પરંતું અડધી સજા કાપ્યા પછી ૨૩ જાન્યુઆરીએ મુક્ત કરાયો હતો. જેલમાંથી છૂટ્યાના થોડા સમય પછી તેણે સ્ટ્રેથામ હાઈ રોડ પરની દુકાનમાંથી ચાકુ ચોર્યું હતું અને હુમલો કર્યો હતો. હુમલો કરાયો તેમાંથી એક વ્યક્તિ નર્સરી ટીચર હતી જે મિત્રો સાથે કોફી પીવાં બહાર નીકળી હતી.
અગાઉ પણ ૨૯ નવેમ્બરે લંડનમાં આતંકી હુમલામાં પાકિસ્તાની મૂળના ૨૮ વર્ષના આતંકવાદી ઉસ્માન ખાને લંડન બ્રિજ પર બે લોકોને મારી નાખ્યા હતા. તેણે બ્રિજ પર ઉપસ્થિત લોકોને પોતાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી પણ આપી હતી. ત્યારબાદ પોલીસે તેને ઠાર માર્યો હતો. ઉસ્માન ૨૦૧૨માં બોમ્બ વિસ્ફોટનું ષડયંત્ર રચવાનો દોષી હતો. તેને ડિસેમ્બર ૨૦૧૮માં જામીન પર મુક્ત કરાયો હતો.
સજા કરાયેલા ૨૨૦ ત્રાસવાદી જેલમાં જ રહેશેઃ બોરિસ
વડા પ્રધાન બોરિસ જ્હોન્સને ખાતરી ઉચ્ચારી છે કે સજા કરાયેલા ૨૨૦ ત્રાસવાદી લાંબો સમય જેલમાં જ રખાશે. સ્ટ્રેથામ આતંકી હુમલાના પગલે આ સપ્તાહે નવા સખત કાયદા પસાર કરાવવામાં આવશે. અસાધારણ પગલાંમાં, મિનિસ્ટર્સ આ સપ્તાહે જ ઈમર્જન્સી ખરડો દાખલ કરશે જે, જેલમાં રહેલા ૨૨૦ કટ્ટરવાદીઓને તેમની સજા અડધી પૂરી કર્યા પછી મુક્ત થતાં અટકાવશે.
જસ્ટિસ સેક્રેટરી રોબર્ટ બકલેન્ડે પણ મહત્ત્વની સમીક્ષા કરવાની જાહેરાત કરી હતી. જેના પરિણામે ત્રાસવાદીઓ આજીવન જેલમાં જ રહેશે અથવા તેમની મુક્તિ સાથે કાયમી શરતો લાગુ કરવામાં આવશે. જસ્ટિસ સેક્રેટરીએ કહ્યું હતું કે સજા કાપી રહેલા ત્રાસવાદી કેદીઓને પેરોલ બોર્ડ દ્વારા જોખમ મૂલ્યાંકન કરાયા વિના તેમની સજા પૂર્ણ ન થાય તે પહેલા મુક્ત કરવામાં નહિ આવે. જો તેઓ કોઈ ભય ફેલાવે તેવા ન હોવાનું જણાશે તો જ તેમને મુક્ત કરાશે. સુદેશ અમ્માને જેલમાંથી છૂટ્યા પછી બે વ્યક્તિ પર ચાકુથી હુમલો કર્યો તે સંદર્ભમાં તેમણે કહ્યું હતું કે યુકે અભૂતપૂર્વપણે ગંભીર પરિસ્થિતિનો સામનો કરી રહ્યું છે.