લંડનઃ મણિનગર સ્વામીનારાયણ ગાદી સંસ્થાનના શ્રી સ્વામીનારાયણ મંદિર (કિંગ્સબરી ટેમ્પલ)ના બ્રહ્મલીન આધ્યાત્મિક સ્થાપક પૂ. પુરુષોત્તમ પ્રિયદાસજી સ્વામી કિંગ્સબરીમાં સ્થપાયેલા વિશ્વના સૌ પ્રથમ ઈકો-ટેમ્પલના પ્રેરણાસ્ત્રોત હતા.
અનુયાયીઓમાં બાપા તરીકે જાણીતા આચાર્ય સ્વામીશ્રી મહારાજ આધ્યાત્મિક, સામાજિક અને સાંસ્કૃતિક મૂલ્યોના પ્રચાર-પ્રસાર અને વિકાસ માટે સમર્પિત વિશ્વવ્યાપી સંસ્થા મણિનગર શ્રી સ્વામીનારાયણ ગાદી સંસ્થાનના વૈશ્વિક વડા હતા. તેઓ ૧૬ જુલાઈને ગુરુવારે ૭૮ વર્ષની વયે બ્રહ્મલીન થયા હતા.
૨૦૧૪માં કિંગ્સબરી ટેમ્પલનું ઉદઘાટન થયું ત્યારે ઈકો-ટેમ્પલ તરીકે તેની ખૂબ પ્રસંશા થઈ હતી. ઉદઘાટન પ્રસંગે લંડનના તત્કાલીન મેયર બોરિસ જહોન્સને પૂ. સ્વામીજીની મુલાકાત લીધી હતી. આ પછી, ૨૦૧૬માં લંડનના નવા મેયર તરીકેનો હોદ્દો સંભાળતા પહેલા સાદિક ખાને પણ આચાર્ય સ્વામીશ્રીની મુલાકાત લીધી હતી.
ગયા વર્ષે મંદિરની પાંચમી વર્ષગાંઠની ઉજવણી પ્રસંગે કિંગ્સબરીમાં યોજાયેલી ત્રણ માઈલ લાંબી ભવ્ય પરેડમાં આચાર્ય સ્વામીશ્રીએ સોનાના રથમાં બિરાજમાન થઈને ભાગ લીધો હતો. આ પરેડમાં નૃત્યકારો, વિવિધ ઝાંખી કરાવતા ફ્લોટ્સ અને સંગીતકારો સામેલ હતા જેનું નેતૃત્વ મંદિરના પ્રતિષ્ઠિત શ્રી મુક્તજીવન સ્વામીબાપા પાઈપ બેન્ડે સંભાળ્યું હતું.
સંસ્થાની યુકે પાંખના ટ્રસ્ટી ડો. મહેશ વરસાણીએ જણાવ્યું હતું કે આચાર્ય સ્વામીશ્રી ઘણી વાતો માટે લોકપ્રિય અને આદરણીય હતા. તેમણે ઉમેર્યું હતું કે તેઓ શ્રી સ્વામીનારાયણ ગાદી પરિવારમાં મહદઅંશે માત્ર બાપા તરીકે જાણીતા હતા. તેઓ અમારા પિતા હતા અને હંમેશાં માટે રહેશે. તેમણે ઉમેર્યું કે તેમના દિવ્ય ગુણો અને વૈશ્વિક દરજ્જા છતાં તેમની પાસે તેમના દરેક બાળક માટે પિતા થવાનો સમય, ઉર્જા અને સ્નેહ હતો. આ બાબતની અમને હંમેશા ખોટ રહેશે.
કચ્છના ભાડાસર ગામે ૨૮ મે, ૧૯૪૨ના રોજ જન્મેલા આચાર્ય સ્વામીશ્રી સંપ્રદાયના તેઓ આધ્યાત્મિક વડા શ્રી મુક્તજીવન સ્વામીબાપાના અંગત સહાયક બન્યા હતા. ૨૮ ફેબ્રુઆરી ૧૯૭૯ના રોજ તેમને મુક્તજીવન સ્વામીના વારસ અને અનુગામી નીમવામાં આવ્યા હતા. વડા તરીકે આચાર્ય સ્વામીશ્રીએ યુકે, નોર્થ અમેરિકા, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, યુએઈ અને ભારતમાં આવેલા આધ્યાત્મિક, સાંસ્કૃતિક અને સામાજિક વિકાસ સંસ્થાનોનું અધ્યક્ષપદ સંભાળ્યું હતું.