બ્રાઇટસન ટ્રાવેલનાં કો-ફાઉન્ડર શ્રીમતી વીણા નાંગલાનું ૭૧ વર્ષની વયે ૬ એપ્રિલ ૨૦૨૦ના રોજ નિધન થયું છે. તેમનો જન્મ ૧૯૪૮ના રોજ ભારતમાં થયો હતો. તેઓ અંગ્રેજી સાથે સ્નાતક થયાં અને ૧૯૬૬માં લગ્ન પછી લંડનમાં સ્થાયી થયાં હતાં. તેમણે એકાઉન્ટ તથા ટ્રાવેલ ઇન્ડસ્ટ્રીની વિવિધ કંપનીઓમાં કામ કર્યા બાદ ૧૯૮૬માં પતિ સાથે મળીને પોતાનો બિઝનેસ શરૂ કર્યો હતો. તેઓ પોતાનાં વ્યવસાયમાં ખૂબ સન્માનનીય સ્થાન ધરાવતા હતા. પોતાની કંપનીનું સુકાન સફળતાપૂર્વક સંભાળવા ઉપરાંત તેઓ ૩૪ વર્ષથી ફાઇનાન્સ ડિરેક્ટર તરીકે એકાઉન્ટ ટીમનું નેતૃત્વ કરતા હતા. ટ્રાવેલ ઇન્ડસ્ટ્રીમાં મહિલા ઉદ્યોગસાહસિક તરીકે યોગદાન આપવા બદલ ૨૦૧૪માં તેમને એશિયન બીઝનેસવુમન ઓફ ધી યર એવોર્ડથી સન્માનિત કરાયાં હતાં. દિવંગતને નમ્ર, પ્રેમાળ અને સમર્પિત પત્ની, માતા અને દાદી તરીકે તેમના પતિ, ત્રણ સંતાન અને સાત પૌત્ર હંમેશાં યાદ રાખશે. એક કરુણામયી, આધ્યાત્મિક અને સેવાભાવી મહિલાની સ્મૃતિમાં મળનાર દાન એનએચએસ એશફર્ડ અને સેન્ટ પીટર્સ હોસ્પિટલ ફાઉન્ડેશન ટ્રસ્ટ માટે ઉપયોગ કરાશે જ્યાં તેમના અંતિમ દિવસોમાં તેઓની સંભાળ રાખવામાં આવી હતી.