લંડનઃ બ્રિટિશ સમાજનું પોત ઘસાઈ રહ્યું છે. બ્રિટિશરો વાતો ઓછી કરે છે અને ઓનલાઈન રહેવાનું વધુ પસંદ કરે છે. લોકો ઘરમાં પણ પરિવારના સભ્યો સાથે વાત કરવાનું ટાળે છે. સાથીદારો અને મિત્રો સાથે મેળમિલાપ વધારવાના બદલે સ્માર્ટફોન્સના સ્ક્રીન પર વ્યસ્ત રહેવાનું વધુ પસંદ કરે છે. સરકારની વિશ્વસનીયતામાં પણ ઘટાડો નોંધાયો છે. એક સર્વેના તારણો અનુસાર, હકીકત તો એ છે કે સામાજિક કાર્યક્રમ રદ થઈ જાય ત્યારે ૫૯ ટકા લોકો આનંદમાં આવી જાય છે. મિત્રો અને પરિવારના સભ્યો સાથે કાર્યક્રમોને ટાળવા લોકો વિવિધ બહાના કાઢતા જરા પણ ખચકાતા નથી.
ઓફિસ ફોર નેશનલ સ્ટેટેસ્ટિક્સ દ્વારા જે આંકડાકીય ચિત્ર રજૂ કરાયું છે તે મુજબ સમાજમાં પડોશ જેવું તો રહ્યું જ નથી. પડોશી પરિવારના સભ્યો કે બાળકોને મદદરૂપ થવાનું વિચારતા નથી. બ્રિટિશ લોકોમાં રાજકીય પક્ષો, સામાજિક, વ્યાવસાયિક સંગઠનો અથવા સ્પોર્ટ્સ ક્લબોમાં જોડાવાનું ઘટી રહ્યું છે. એસ્ટેટ્સ, ગામો, નગરો કે શહેરોમાં વ્યક્તિઓ અને પરિવારો એકલતાપૂર્ણ જીવન જીવે છે.
૨૦૧૨થી ૨૦૧૮ના ગાળામાં વિવિધ યુરોપિયન, સરકાર અને સ્વતંત્ર સર્વેક્ષણોના તારણો કહે છે કે આપણે ઉભા રહીને પડોશીઓ સાથે વાત કરીએ તે શક્યતામાં ચાર ટકા ઘટાડો થયો છે. આનો અર્થ એ છે કે ૩૮ ટકા એટલે કે વસ્તીના એક તૃતિયાંશથી વધુ લોકો તેમની નજીક રહેનારા લોકો સાથે સામાન્યપણે વાતચીત કરતા નથી.
દસમાંથી લગભગ ચાર લોકો હજુ પણ તેમના પડોશીઓ સાથે વાટકી વ્યવહાર રાખે છે પરંતુ, છ વર્ષના ગાળામાં તેમાં પણ ત્રણ ટકાનો ઘટાડો જોવાયો છે. ૨૦૧૫માં ૬૯ ટકા લોકો પડોશ વિશે વાતો કરતા હતા પરંતુ, ૨૦૧૮માં તે હિસ્સો ઘટીને ૬૨ ટકા થયો હતો. આ જ રીતે, રાજકીય, સામાજિક, વ્યાવસાયિક અને મનોરંજન સંસ્થાઓના સભ્યપદમાં પાંચ ટકાનો ઘટાડો જોવાયો છે.
પારિવારિક બંધનો પણ તૂટી રહ્યાં છે. ૨૦૧૨માં પોતાના પેરન્ટ્સથી દૂર રહેતા વયસ્ક સંતાનોના ૪૨ ટકા શોપિંગ, લિફ્ટ્સ, પત્રો લખવા કે નાણાકીય સલાહ જેવી બાબતોમાં મદદરૂપ થતા હતા, જે આંકડો ૨૦૧૮માં ઘટીને ૩૬ ટકાએ પહોંચ્યો હતો. પેરન્ટ્સમાં પણ નોંધપાત્ર પરિવર્તનો આવ્યાં છે. ૨૦૧૮માં બાળસંભાળ કે રસોઈ જેવી બાબતોમાં મદદની ઓફર કરનારા પેરન્ટ્સ ૫૯ ટકા હતા જ્યારે ૨૦૧૨માં આ ટકાવારી ૬૩ ટકા હતી.
ડેવિડ કેમરને ૨૦૧૫ની સ્પ્રિંગની ચૂંટણીમાં બહુમતી મેળવી તેમાં ૩૭ ટકા લોકોએ સરકારમાં વિશ્વાસ હોવાનું કહ્યું હતું. ૨૦૧૯ના સ્પ્રિંગમાં આ ટકાવારી ઘટીને ૧૯ ટકાએ પહોંચી છે.
એક માત્ર મજબૂત સંપર્ક વેબ પર થઈ રહ્યો છે. વધુ પ્રમાણમાં લોકો ઓનલાઈન જોડાઈ રહ્યા છે. વર્ષ ૨૦૧૧માં ૪૫ ટકા લોકો સોશિયલ નેટવર્કનો ઉપયોગ કરતા હતા જ્યારે ગયા વર્ષના અંત સુધીમાં આ સંખ્યા વધીને ૬૮ ટકાના ઊછાળે પહોંચી હતી. ઘરમાં પણ સામાજિક સંપર્ક રહ્યા નથી. સરેરાશ દંપતી એક જ ખંડમાં દિવસમાં માત્ર ચાર કલાક સાથે વીતાવે છે. વિરોધાભાસી કામના કલાકો, અલગ હિતો અને પથારી ભેગાં થવાના અલગ સમયના કારણે સાથે રહેવાનો સમય ઘટી જાય છે. મોટા ભાગના દિવસોએ યુગલો સૂતાં ન હોય અથવા કામ પર ન હોય ત્યારે પોતાના પાર્ટનર સાથે માત્ર સાડા સાત કલાક ગાળે છે તેમાંથી ૫૭ ટકા દંપતી એક જ રૂમમાં રહે છે. બીજી તરફ, વીકએન્ડમાં તેઓ કુલ નવ કલાક એક રૂમમાં ગાળે છે તેમાંથી ૬૦ ટકા એકબીજા સાથે વાતચીત કરે છે.